અપહરણ કરાયેલ દંપત્તિને માત્ર 24 કલાકમાં જ તહેરાનથી છોડાવી લેવામાં આવ્યું, 1.15 કરોડમાં ગેરકાયદે અમેરિકા જવાનો સોદો નક્કી કર્યો હતો
અમદાવાદ
ગેરકાયદે અમેરીકા જવા ઈચ્છતા લોકો માટે બોધપાઠ સમાન એક દર્દનાક ઘટના સામે આવી હતી. જેમાં અમદાવાદના નરોડાના પટેલ દંપત્તિનુ અમેરીકા પહોંચતા પહેલા જ અપહરણ થઈ જાય છે. તેમજ પંકજકુમાર ભરતભાઈ પટેલ નામના આ યુવાનને ઉંધો સુવડાવી તેના પર બ્લેડના અસંખ્યા ઘા મારવામાં આવે છે. લોહી નિકળતી હાલતમાં આ યુવાન દર્દથી તડપી રહ્યો છે. રડતા રડતા પોતાના ભાઈને કહે છે કે, ભાઈ મુજે માર દેંગે…પૈસે ડાલો જલ્દી સે જલ્દી પૈસે ડાલો…મુજે માર દેંગે. આ વીડિયો સોશિયલ મીડિયામાં જબરદસ્ત વાયરલ થયો હતો. હવે આ ઘટનામાં અપહરણ કરાયેલ દંપત્તિને માત્ર 24 કલાકમાં જ તહેરાનથી છોડાવી લેવામાં આવ્યું છે.
પ્રાપ્ત વિગતો પ્રમાણે રવિવારની રાત્રે આ ઘટનાનો એક મેસેજ ગૃહ રાજ્યમંત્રીને મળ્યો હતો. ત્યાર બાદ ભારત સરકારના વિદેશ મંત્રાલય, સેન્ટ્રલ આઈબી, રો, ઈન્ટરપોલનો પણ સંપર્ક કરવામાં આવ્યો હતો. ઇરાન ખાતેના ભારતીય દૂતાવાસ, તહેરાનમાં ડેપ્યુટી ચીફ ઓફ મિશનનો સંપર્ક કરીને અપહરણ કરાયેલ પંકજ અને નિશાને શોધવા મદદ માંગવામાં આવી હતી. આ દંપત્તિ તહેરાનથી મળી આવ્યું હતું અને હવે તેઓ ભારત આવવા રવાના થયા હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે.
અપહરણ થયેલા પકંજ પટેલના સગા ભાઈ સંકેત પટેલે આ બનાવની જાણ કૃષ્ણનગર પોલીસને કરી હતી. જેમાં પોલીસને જણાવાયુ હતું કે, તેમના ભાઈ-ભાભીએ ગાંધીનગર સરગાસણ ખાતેના એક એજન્ટ સાથે રૂ.1.15 કરોડમાં ગેરકાયદે અમેરિકા જવાનો સોદો નક્કી કર્યો હતો. એજન્ટે એવુ હતું કે તેમના ભાઈ ભાભીને પહેલા હૈદરાબાદ લઈ જવાશે અને ત્યાંથી બીજો એજન્ટ તેમને વાયા, દુબઈ, ઈરાન થઈને અમેરિકા મોકલશે.અમેરિકા પહોંચતા પહેલા જ તેમના ભાઈ ભાભીનુ ઈરાનમાં અપહરણ થયું હોવાની માહિતી તેમને મળી હતી. પંકજ પટેલ પર ત્રાસ ગુજારતા વીડિયોની ક્લિપિંગ અને મેસેજ પરિવારજનોને મોકલાયો હતો. ત્યાર બાદ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. શરૂઆતમાં પકંજ પટેલ અને તેમના પત્ની કોઈ હોટલના સ્વીમિંગ પૂલની નજીક ઉભા છે અને અમેરિકા જઈ રહ્યા હોવાનુ જણાવે છે.
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા બીજા વીડિયોમાં પકંજ પટેલને બાથરૂમમાં ઉંધો સુવડાવીને તેમના પીઠ પર બ્લેડ વડે ઉપરાઉપરી ઘા મારવામાં આવે છે. પકંજ પટેલ રડતા રડતા હિન્દીમાં કહે છે કે, જલ્દીથી પૈસા મોકલી આપો નહીતર આ લોકો મને મારી નાખશે. ત્યાર બાદ અપહરણકર્તા પંકજને ચુપ કહેવાનુ કહીને પોતે હિન્દીમાં મેસેજ આપે છે કે પૈસા નહી ડાલો ગે તો ખુદા કી કસમ હમ ઈસકે ગુર્દા નિકાલ કર બેચ દેંગે પૈસા ડાલો આગે આપકી મરજી. પોલીસે આ ઘટનાની ગંભીરતાથી લઈને યુવાન પટેલ દંપતિને કઈ રીતે બચાવી શકાય તે માટેના પ્રયાસો હાથ ધર્યા છે. સરકારે પણ આ સંદર્ભમાં તુરંજ જ કાર્યવાહી કરે એવી પરિવારજનોની લાગણી છે.