જે શખસે ફોન કર્યો હતો એ દારુનો વ્યસની હોવાનું લાગી રહ્યું છે. ટૂંક સમયમાં જ તેને ઝડપી પાડવામાં આવશે. પોલીસ તેના પરિવાર સુધી પહોંચી ચૂકી છે
નવી દિલ્હી
પોલીસના જણાવ્યા મુજબ, એક વ્યક્તિએ પીએમ મોદી અને ગૃહ મંત્રી અમિત શાહને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અધિકારીઓએ જણાવ્યું કે, દિલ્હી પોલીસને એક શખસે બે ફોન કોલ કર્યા હતા. જેણે પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. એટલું જ નહીં બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારને પણ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારે આ ફોન કરનારો શખસ કોણ છે અને શા માટે તેણે આવી ધમકી આપી હતી, એ જાણવા માટે પોલીસ દોડતી થઈ છે. આરોપીને ઝડપી પાડવા માટે પોલીસે એક ટીમની રચના પણ કરી છે.
દિલ્હી પોલીસના જણાવ્યા મુજબ, જે શખસે ફોન કર્યો હતો એ દારુનો વ્યસની હોવાનું લાગી રહ્યું છે. ટૂંક સમયમાં જ તેને ઝડપી પાડવામાં આવશે. પોલીસ તેના પરિવાર સુધી પહોંચી ચૂકી છે. તે દારુડિયો છે અને ગઈ રાતથી જ તે સતત દારુ પી રહ્યો છે. જો કે, હાલ તો તે ઘરે નથી, પણ ટૂંક સમયમાં તેને ઝડપી પાડવામાં આવશે.
પ્રાપ્ત જાણકારી મુજબ, બુધવારની સવારે 10.46 વાગે પીસીઆર પર કોલ આવ્યો હતો. ફોન કરનારા શખસે પોલીસને જણાવ્યું કે, જો તેને 10 કરોડ રુપિયા ન મળ્યા તો તે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારને જાનથી મારી નાખશે. આ ફોન કરનારા શખસનું લોકેશન નાંગલોઈ વિસ્તારમાં મળ્યું હતું. એ પછી 10.54 વાગે ફરીથી ફોન આવ્યો હતો. આ શખસે પોલીસને ફોન પર કહ્યું કે, જો તેને બે કરોડ રુપિયા ન મળ્યા તો તે પીએમ મોદી અને અમિત શાહને જાનથી મારી નાખશે. આ બંને ફોન એક જ મોબાઈલ નંબરથી કરવામાં આવ્યા હતા. જેનું લોકેશન પશ્ચિમ વિહારનું છે. ધમકીભર્યો આ ફોન આવ્યા બાદ પોલીસની ટીમ તરત જ લોકેશન પર પહોંચી હતી.
પોલીસના જણાવ્યા મુજબ, ટૂંક સમયમાં જ કોલ કરનારાનું ઠેકાણું મળી ગયું હતું. ફોન કરનારા શખસનું નામ સુધીર શર્મા છે અને તે માદીપુર સી-283માં રહે છે. જો કે, તે તેના ઘરે હાજર નહોતો, પરંતુ 10 વર્ષનો તેનો પુત્ર અંકિત ઘરે હાજર હતો. આગળ તપાસ કરતા જાણવા મળ્યું કે, સુધીર દારુડિયો છે અને તે હંમેશા દારુ ઢીંચતો રહેતો હોય છે. તેના દીકરાએ જણાવ્યું કે, આજે સવારથી જ તેના પિતા દારુ પી રહ્યા હતા. મહત્વનું છે કે, હાલ પીએમ મોદી અમેરિકાની મુલાકાતે છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને ઝેડ કેટેગરીની સુરક્ષા ઉપલબ્ધ છે. જ્યારે બિહારના સીએમ નીતીશ કુમારની સુરક્ષાની જવાબદારી એસએસજી પાસે છે. પ્રોટોકોલ મુજબ, તેમને ઝેડ પ્લસ સુરક્ષા મળી છે.