ગુજરાત કોંગ્રેસમાંથી આમ આદમી પાર્ટીમા જોડાયા બાદ વશરામ સાગઠિયા કોંગ્રેસના નવા પ્રમુખની પદયાત્રામાં હાજર રહેતા રાજકારણ ગરમાયુ હતું
અમદાવાદ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં નાલોશીભર્યા પરાજય બાદ પ્રદેશ પ્રમુખ બદલવામાં આવ્યા અને જગદીશ ઠાકોરની જગ્યાએ શક્તિસિંહ ગોહિલને જવાબદારી સોંપવામાં આવી છે. પ્રમુખ બાદ હવે કોંગ્રેસના પ્રભારી પણ બદલાય તેવી શક્યતાઓ છે. પ્રભારી તરીકે બી.કે હરિપ્રસાદ, મોહન પ્રકાશ અને નીતિન રાઉતનું નામ હાલ ચર્ચામાં છે. બી.કે હરિપ્રસાદ અગાઉ પણ ગુજરાતની જવાબદારી સંભાળી ચૂક્યા છે. કોંગ્રેસ હાઈકમાન્ડ નવા પ્રભારીની પણ ટુંક સમયમાં સત્તાવાર જાહેરાત કરી શકે છે. ત્યારે સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા વશરામ સાગઠિયા જેઓ વિધાનસભાની ચૂંટણી વખતે કોંગ્રેસ છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા હતાં અને હવે તેમણે કોંગ્રેસમાં ઘરવાપસી કરી છે.
ગુજરાત કોંગ્રેસમાંથી આમ આદમી પાર્ટીમા જોડાયા બાદ વશરામ સાગઠિયા કોંગ્રેસના નવા પ્રમુખની પદયાત્રામાં હાજર રહેતા રાજકારણ ગરમાયુ હતું. ગઈકાલે જ આમ આદમી પાર્ટીએ વશરામ સાગઠિયાને પાર્ટીમાંથી દૂર કરવાની જાહેરાત કરી હતી. જો કે વશરામ સાગઠિયાએ આ વાતનો ખુલાસો કરતા કહ્યુ હતું કે તેણે 18મી જૂને જ આમ આદમી પાર્ટીમાંથી ઉપ્રમુખ પદ અને સભ્ય પદ પરથી રજીનામું આપી દીધુ હતું. આ રાજીનામાંનો મેસેજનો સ્ક્રીન શૉટ કર્યા ત્યારથી જ વશરામ સાગઠિયાની કોંગ્રેસમાં જોડાવાની ચર્ચાએ જોર પકડય્ હતું.
આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઇસુદાન ગઢવીને વશરામ સાગઠિયાએ મેસેજ કરી અને પોતાનુ રાજીનામું આપી દીધું હતું. તેણે મેસેજમાં લખ્યું હતું કે, આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપપ્રમુખ તરીકે તેમજ પ્રાથમિક સભ્ય તરીકે હું મારુ રાજીનામું આપને મોકલું છું જે સ્વીકારી યોગ્ય કરવા વિનંતી છે. આ સમગ્ર મેસેજ અને કોલનો સ્ક્રીન શૉટ વોટ્સએપ પર શેર કર્યો હતો. નોંધનીય છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા વશરામ સાગઠિયા કોંગ્રેસથી નારાજ થઈને આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયાં હતાં. રાજકોટ ગ્રામ્ય બેઠક પરથી આપે વશરામ સાગઠિયાને ટીકિટ આપી હતી અને તેઓ ભાજપના ઉમેદવાર સામે હારી ગયા હતાં.