ભારત સાથે કાશ્મીર મામલે મંત્રણા થવાની હતીઃ ઈમરાનખાન

Spread the love

ઇમરાન ખાને અમેરિકન થિંક ટેન્ક એટલાન્ટિક કાઉન્સિલને આપેલા ઈન્ટરવ્યુમાં ઉપરોક્ત દાવા કર્યા


ઈસ્લામાબાદ
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાનખાને દાવો કર્યો છે કે જ્યારે તેઓ સત્તામાં હતા ત્યારે ભારત સાથે કાશ્મીર સમસ્યાના ઉકેલ માટે કામ કરી રહ્યા હતા. આ અંતર્ગત ભારત સરકાર કાશ્મીર મામલે એક રોડમેપ રજૂ કરવાની તૈયારીમાં હતી અને પ્રધાનમંત્રી ઇસ્લામાબાદની મુલાકાત પણ કરવાના હતા. તેમણે દાવો કર્યો હતો કે આ શાંતિ પ્રસ્તાવને પાકિસ્તાનના તત્કાલિન આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવાનું સમર્થન હતું. એટલું જ નહીં, ઓગસ્ટ 2019માં જ્યારે ભારતે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરી હતી ત્યારે પણ પાકિસ્તાન આ દિશામાં આગળ વધવા માગતું હતું. ઇમરાન ખાને અમેરિકન થિંક ટેન્ક એટલાન્ટિક કાઉન્સિલને આપેલા ઈન્ટરવ્યુમાં ઉપરોક્ત દાવા કર્યા છે. .
બાજવા સાથે ઈમરાન ખાનના સંબંધો હવે પહેલા જેવા નથી રહ્યા. પાકિસ્તાની સેનાએ ઈમરાન ખાન સરકાર પાસેથી સમર્થન પાછું ખેંચ્યું ત્યારથી બાજવા સાથેના તેમના સંબંધો બગડ્યા છે. ઈમરાન ખાને ઈન્ટરવ્યુ દરમિયાન કમર જાવેદ બાજવાના નિવેદનની પણ ટીકા કરી હતી, જેમાં તેણે કહ્યું હતું કે પાકિસ્તાનની સેના ભારત સાથે મુકાબલો કરવા માટે તૈયાર નથી અને તેની પાસે હથિયારોની અછત છે. હાલમાં ઇમરાન ખાન અને સૈન્ય વચ્ચેના સંબધો ખરાબ રીતે વણસી ગયા છે. સેનાએ સમર્થન પાછું ખેંચ્યું ત્યારથી પાકિસ્તાનમાં ગઠબંધન સરકાર સત્તામાં છે અને ગયા વર્ષે અવિશ્વાસ પ્રસ્તાવમાં પરાજય થતાં ઈમરાન ખાનને પદ છોડવું પડ્યું હતું.
પૂર્વ પીએમએ કહ્યું કે બાજવા કાશ્મીર અંગેની યોજના પર સહમત થયા હતા. તેમના અનુસાર લાઈન ઓફ કંટ્રોલ પર યુદ્ધવિરામ, વેપાર માટે વાટાઘાટો શરૂ કરવી અને ભારતીય પીએમની પાકિસ્તાન મુલાકાતનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ઈમરાન ખાને કહ્યું કે કમર જાવેદ બાજવા સૈન્ય કાર્યવાહી દ્વારા કોઈ પણ મુદ્દાને ઉકેલવામાં માનતા નથી. ઇમરાન ખાને જણાવ્યું હતું કે ભારત અમને કંઇક રાહત આપતું અને કાશ્મીરને લઈને એક રોડમેપ રાજુ થતો. હું પાકિસ્તાનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આવકારવાનો હતો.
જોકે તેમણે જણાવ્યું હતું કે આ યોજના ક્યારેય આગળ વધી શકી નહી. અત્રે નોંધનીય છે કે તાજેતરમાં પાકિસ્તાની મીડિયામાં આવા ઘણા અહેવાલો આવ્યા છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે બાજવા કાશ્મીરને લઈને ભારત સાથે કોઈ ડીલ કરવા ઈચ્છે છે. આ અંતર્ગત ભારતના પીએમની ઈસ્લામાબાદ મુલાકાતનો પ્રસ્તાવ પણ મૂકવામાં આવ્યો હતો. હાલમાં ઈમરાન ખાનના દાવા પર ભારત તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. આ બાબતને લઈને ભારતે અગાઉથી સ્પષ્ટ કહી દીધું છે કે પાકિસ્તાને કોઇપણ જાતની ચર્ચા માટે સરહદપારના આતંકવાદ પર પ્રતિબંધ મુકવો પડશે ત્યારબાદ જ વાત આગળ વધશે.

Total Visiters :98 Total: 1092837

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *