ફેસબુકથી યુકેની છોકરીમાં પ્રેમમાં પડેલા યુવક સાથે 13.78 લાખની છેતરપિંડી

Spread the love

યુકેથી ભારત આવીને કસ્ટમડ્યૂટીના નામે ધીરેધીરે નાણાં ખંખેરી લઈ યુવતીએ યુવકને ફેસબુક પર પણ બ્લોક કરી દીધો

વડોદરા

સોશિયલ મીડિયાનો પ્રેમ કેટલો સાચ્ચો અને કેટલો ફ્રોડ એ આ ડિજિટલ યૂગમાં જાણવું અત્યંત મુશ્કેલ બની જાય છે. અત્યારે એકબીજાને મળ્યા વિના માત્ર પ્રોફાઈલ ફોટો જોઈને લોકો પ્રેમમાં પડી જતા હોય છે. તેવામાં વડોદરાનો બિલ્ડિંગ કોન્ટ્રાક્ટર પણ ફેસબુકના માધ્યમથી એક યુકેની છોકરીના પ્રેમમાં પડ્યો હતો. બંને વચ્ચે ક્યારેય મુલાકાત નહોતી થઈ છતા તેણે લાખો રૂપિયા એની પાછળ ખર્ચી નાખ્યા હતા. પરંતુ ત્યારપછી યુવતીએ રોન કાઢી અને એવી ગેમ રમી નાખી કે વડોદરાના કોન્ટ્રાક્ટરને તમ્મર આવી ગયા હતા. પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે યુકેની યુવતી સાથે વડોદરાના બિલ્ડિંગ કોન્ટ્રાક્ટરને ફેસબુકના માધ્યમથી પ્રેમ થયો હતો. આ દરમિયાન બંને ફેબ્રુઆરી 2022માં એકબીજાના એકાઉન્ટમાં દોસ્ત બન્યા હતા. ત્યારપછી ફોટોઝની આપ-લે તથા પ્રેમ સંબંધની વાતો વચ્ચે બંને રિલેશનશિપમાં આવી ગયા હતા. યુકેની યુવતીએ પોતાની સુંદર સુંદર તસવીરો અપડેટ કરતી રહેતી હતી. તેણે પોતાની જાળમાં ફસાવવા માટે સૌથી પહેલા વિશ્વાસ કેળવ્યો અને ત્યારપછી યુવતી યુકેમાં નર્સ તરીકે કામ કરે છે એમ જણાવ્યું હતું.
પ્રેમ સંબંધના નામે યુવતી તો ગેમ રમી રહી હતી, પરંતુ આ અંગે વડોદરાના કોન્ટ્રાક્ટર હજુ અજાણ હતો. તેણે પોતાના ભવિષ્યના તમામ સપનાઓ યુવતી સાથે જોઈ લીધા હતા. એટલું જ નહીં જોતજોતામાં યુવતીએ લાખો રૂપિયા ખંખેરતા પહેલા વડોદરાના કોન્ટ્રાક્ટરને પ્રેમજાળમાં ફસાવવાનું શરૂ કર્યું હતું. ફેસબુક પર વાતો કરતા કરતા તેણે કહ્યું કે હવે મારે વ્હોટ્સએપ પર કનેક્ટેડ થવું છે. યુવક પણ ઉત્સાહમાં આવી ગયો અને પ્રેમ સંબંધને વધારે એક નવું નામ આપવા માટે કોઈપણ હદે જવા તૈયાર થઈ ગયો હતો. બંને વચ્ચે અવાર નવાર વાતો થતી તેવામાં યુવતીએ સામેથી જ આ યુવકને કહ્યું કે મારે તને રૂબરુ મળવું છે. તારા વિના મને ગમતું નથીં.. હું ભારત આવી રહી છું ખાસ તને મળવા. બસ આટલું કહેતાની સાથે જ યુવક પ્રેમના સપના જોવા લાગ્યો ત્યાં બીજી બાજુ યુવતી લાખો રૂપિયા ખંખેરવાની ગેમ રમવાનો અંતિમ દાવ રમવા જઈ રહી હતી.
લગભગ 10 મહિનાના પ્રેમ સંબંધમાં બંને વચ્ચે સારુ એવું બોન્ડ બની ગયું હતું. આ સમયે યુવતીએ યુકેથી ઈન્ડિયા આવતી ફ્લાઈટની ટિકિટનો ફોટો યુવકને બતાવ્યો હતો. એટલું જ નહીં તેણે એરપોર્ટ પર કેટલા વાગ્યે આવશે અને ત્યારપછી બંનેની પહેલી મુલાકાત કેવી રહેશે એના ખોટા સપના પણ બતાવ્યા હતા. થોડા દિવસ પછી યુવતીએ આ વડોદરાના બિલ્ડિંગ કોન્ટ્રાક્ટરને ફોન કર્યો કે હું તો એરપપોર્ટ પર પહોંચી ગઈ છું પરંતુ મને અહીં કસ્ટમ ડિપાર્ટમેન્ટે રોકી રાખી છે. અત્યારે મારી પાસે 5 કરોડનું ડિમાન્ડ ડ્રાફ્ટ છે જેની પર ફી ભરવી પડશે એમ કહી રહ્યા છે. આટલું કહેતા જ યુવકે આંખ બંધ કરીને પોતાની પ્રેમિકાની પહેલી મુલાકાત અધૂરી ન રહી જાય તેના માટે રૂપિયા ટ્રાન્સફર કરવા રાજી થઈ ગયો હતો.
એરપોર્ટ પર કસ્ટમ ડ્યૂટિ ભરવી પડશે એના નામ પર તેણે પહેલા એક જ ચાર્જ જણાવ્યો જેમાં 2થી 3 લાખ રૂપિયા ભરવા કહ્યું હતું. થોડી જ મિનિટોમાં યુવતીએ ઈમોશનલ થઈ ફરીથી ફોનમાં વડોદરાના યુવકને કહ્યું કે મારે વધારે રૂપિયાની જરૂર છે. આ દરમિયાન એક અન્ય મહિલાએ કસ્ટમ અધિકારી બની યુવક સાથે વાતચીત પણ કરી હતી. ત્યારપછી યુવતીએ તેના પ્રેમીને કહ્યું કે અહીં ખબર નહીં કેવા કેવા હિડન ચાર્જ લઈ રહ્યા છે. તમારે મને 2 લાખ રૂપિયા વધારે આપવા પડશે. બસ આટલું સાંભળતા જ પોતાની પ્રેમિકાને મળવાના ઉત્સાહમાં યુવક એક પછી એક ચાર્જના નામે 70 હજાર, 2 લાખ એમ રૂપિયા આપતો ગયો હતો. યુવતીએ કુલ 13.78 લાખ રૂપિયા સુધી ખંખેરી લેતા યુવકને દાળમાં કઈક કાળું લાગ્યું હતું. જોકે પ્રેમસંબંધનું નામ આપી યુવતીએ તેને મળવાનું કહ્યું હતું એટલે એને શંકા ગઈ નહોતી.
જોતજોતામાં તમામ ડ્યૂટી ભર્યા પછી યુકેની યુવતીને મળવા માટે વડોદરાનો કોન્ટ્રાક્ટર ઉત્સુક હતો. પરંતુ અહીંથી તો ગેમ પૂરી પણ થઈ ગઈ હતી. યુકેની યુવતીએ 13.78 લાખ જેટલા રૂપિયા ખંખેર્યા પછી યુવકને મળવાનું તો છોડો ફેસબુક પરથી પણ બ્લોક કરી દીધો હતો. એટલું જ નહીં યુવકે તેને અનેક ફોન કર્યા પરંતુ નંબર બદલાઈ ગયો હોવાની માહિતી પણ મળી રહી હતી. એટલે કે આ યુવતીએ લાખો રૂપિયા ખંચેરી યુવક સાથે દગો કર્યો હતો. જોતજોતામાં યુવકે આ મુદ્દે સાયબર ક્રાઈમમાં સંપૂર્ણ ઘટનાક્રમની માહિતી આપી દીધી હતી. તેણે પ્રેમ સંબંધની શરૂઆતથી લઈ અત્યારસુધીની તમામ હકિકત જણાવી દીધી હતી. જેના પગલે સાયબર પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી.
વળી બીજી બાજુ યુવતીએ થોડા સમય પછી નામ બદલીને અલગ આઈડીબનાવ્યું હતું. જેમાં ફોટો એક જ જોઈને યુવક ડઘાઈ ગયો હતો. તેને આખી ગેમ સમજાઈ ગઈ અને પછી લાખો રૂપિયા ગુમાવ્યા બાદ તેને જાણ થઈ કે સોશિયલ મીડિયામાં પ્રેમ સંબંધના નામે તે લાખો રૂપિયાના ખાડામાં ઉતરી ગયો હતો.

Total Visiters :65 Total: 710592

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *