રાજ્યના 154 તાલુકામાં વરસાદ, 30 જૂન સુધી દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી

Spread the love

હવામાન વિભાગે ગુજરાત, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, આસામ, મેઘાલયમાં વરસાદનું અલર્ટ પણ જાહેર કર્યું


અમદાવાદ
ગુજરાતમાં ચોમાસાનું વિધિવત આગમન થઈ ચૂક્યું છે. રાજ્યમાં મંગળવારે પણ વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. રાજ્યના 154 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગની આગાહી છે કે, ગુજરાતમાં આગામી 30 જૂન સુધી ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. કેટલાંક વિસ્તારોમાં છૂટોછવાયો તો કેટલાંક વિસ્તારોમાં જોરદાર વરસાદ પડી શકે છે.
દેશના ઉત્તરના ભાગમાં સતત વરસાદ પડવાનો સિલસિલો યથાવત છે. મોનસૂનની દસ્તક બાદ દિલ્હી, યુપી, બિહાર સહિત અનેક રાજ્યોમાં વાતાવરણ બદલાયું છે. આકાશમાં વાદળો જોવા મળી રહ્યાં છે. ત્યારે ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગે વરસાદને લઈને મોટી આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 30 જૂન સુધી ગુજરાત સહિત કેટલાંક રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. હવામાન વિભાગે ગુજરાત, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, આસામ, મેઘાલયમાં વરસાદનું અલર્ટ પણ જાહેર કર્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ, દક્ષિણ અને પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં વધારે વરસાદ પડી શકે છે. સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપી જિલ્લાના તમામ તાલુકાઓ અને ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે. આ સિવાય દાહોદ, ગોધરા, પંચમહાલ, છોટાઉદેપુરમાં પણ સારા વરસાદની આશા છે. તો મધ્ય ગુજરાતમાં વડોદરા, ખેડા, આણંદમાં ભારે વરસાદની વકી છે. મહત્વનું છે કે, ગુજરાતના 154 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગે આગામી 30 જૂન સુધી ગોવા, ગુજરાત અને મધ્ય પ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. એક અધિકારીના જણાવ્યા મુજબ, મુંબઈ અને મહારાષ્ટ્ર સહિત તટીય વિસ્તારોમાં અતિભારે વરસાદ થવાની શક્યતા છે. આગામી 48 કલાકમાં ભારે વરસાદ પડી શકે છે. હિમાચલ પ્રદેશમાં હાલ અચાનક વરસાદ બાદ પૂરની સ્થિતિ જોવા મળી હતી. ભૂસ્ખલનના કારણે ચંદીગઢ-મનાલી રાષ્ટ્રીય રાજમાર્ગ પણ બંધ થઈ ગયો હતો. જેના કારણે યાત્રીઓ પણ ફસાઈ ગયા હતા. જેના કારણે 70 કિમી લાંબો મંડી પંડોદ કુલ્લુ માર્ગ સંપૂર્ણ રીતે પ્રભાવિત થયો હતો. ભારે વરસાદ બાદ અહીં કુલ 301 રસ્તા બંધ થઈ ગયા હતા અને 140 જેટલાં વીજળીના ટ્રાન્સફોર્મર બંધ થઈ ગયા હતા.
તો દેશની રાજધાની દિલ્હીમાં મંગળવારે બપોરે ઝરમર વરસાદ જોવા મળ્યો હતો. હવામાન વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે, શહેરમાં મંગળવારે સવારે છેલ્લાં ચોવીસ કલાકમાં 5.6 એમએમ વરસાદ નોંધાયો છે. આજે હળવો વરસાદ પડે એવી શક્યતા છે. હવામાન વિભાગની આગાહી મુજબ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદના કેટલાંક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદની શક્યતા છે. આ સિવાય પોરબંદર, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર સહિતના કેટલાંક વિસ્તારોમાં સારો વરસાદ તો ક્યાંક છૂટોછવાયો વરસાદ પડી શકે છે.
ઉપરાંત પાટણ, મહેસણા, સાબરકાંઠા, બનાસકાંઠા, ગાંધીનગર જિલ્લાઓમાં પણ મંગળવારથી વરસાદની શરુઆત થાય એવી આગાહી છે. ઉત્તર ગુજરાતના આ જિલ્લાઓમાં મંગળવારે હળવો વરસાદ પડી શકે છે. આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી નથી, પરંતુ હળવો વરસાદ પડી શકે છે. બીજી તરફ, કચ્છની વાત કરવામાં આવે તો સાર્વત્રિક વરસાદ પડ્યો નથી. આગામી દિવસોમાં કચ્છમાં પણ ભારે વરસાદની વકી છે. અહીં હાલ છૂટોછવાયો વરસાદ પડી શકે છે.
મહત્વનું છે કે, ગુજરાતમાં ચોમાસું જામતું જઈ રહ્યું છે. ત્યારે ત્રણ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આ સિવાય મંગળવારે ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. સુરતમાં વહેલી સવારથી જ વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું હતું. અમદાવાદમાં પણ સવારથી વાદળો ઘેરાયેલા જોવા મળ્યા હતા. રાજ્યના કેટલાંક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે. વલસાડ, ઉમરગામ, સુરત, ઘોરાજી વગેરે વિસ્તારમાં જોરદાર વરસાદ જોવા મળ્યો હતો. નવસારીમાં બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જે બાદ કેટલાંક વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા. નડિયાદમાં પણ ઠેર ઠેર કેડસમા પાણી ભરાયા હતા. ત્યારે આગામી ત્રણ દિવસમાં હજુ પણ વરસાદ ધબધબાટી બોલાવે એવી શક્યતા છે.

Total Visiters :63 Total: 847194

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *