સહમતિ સાથે સબંધની વય મર્યાદા ઘટાડવા હાઈકોર્ટની અપીલ

Spread the love

ગ્વાલિયર હાઈકોર્ટે કેન્દ્ર સરકારને પરસ્પર સહમતિ માટેની ઉંમર 18 વર્ષથી ઘટાડીને 16 વર્ષ કરવાની અપીલ કરી

ગ્વાલિયર

દેશમાં પરસ્પર સહમતિથી સંબંધ બનાવવાની કાયદેસર ઉંમર 18 વર્ષ છે, પરંતુ આ વચ્ચે ગ્વાલિયર હાઈકોર્ટ દ્વારા તેને ઘટાડવા માટે કેન્દ્ર સરકારને અપીલ કરવામાં આવી છે. ગ્વાલિયર હાઈકોર્ટે કેન્દ્ર સરકારને પરસ્પર સહમતિ માટેની ઉંમર 18 વર્ષથી ઘટાડીને 16 વર્ષ કરવાની અપીલ કરી છે. હાઈકોર્ટ દ્વારા એવી દલીલ કરવામાં આવી છે કે ઈન્ટરનેટના યુગમાં યુવક-યુવતીઓ ઝડપથી યુવાન થઈ રહ્યા છે અને એકબીજા પ્રત્યે આકર્ષાઈને પરસ્પર સંમતિથી સંબંધ બાંધી રહ્યા છે, પરંતુ જ્યારે આ માહિતી બહાર આવે છે ત્યારે યુવક-યુવતીઓ દોષિત ઠરે છે. આવા કેસમાં યુવકને આરોપી ગણી શકાય નહીં.

હાઈકોર્ટે કહ્યું છે કે ડિસેમ્બર 2012માં નિર્ભયાની ઘટના બાદ જાતીય સતામણી કાયદાને વધુ કડક બનાવવાના અનેક પ્રયાસો કરવામાં આવ્યા હતા. આ અંતર્ગત આઈપીસીની કલમ 375(6)ને બદલીને સહમતિથી સંબંધની ઉંમર 16 વર્ષથી વધારીને 18 વર્ષ કરવામાં આવી હતી, પરંતુ આ પછી ઘણા એવા કિસ્સાઓ સામે આવ્યા છે, જેમાં પરસ્પર સહમતિથી સંબંધ બાંધ્યા બાદ પણ છોકરાઓને આરોપી બનાવીને કાર્યવાહી કરવામાં આવી હતી.

આ અપીલ હાઇકોર્ટના જસ્ટિસ દીપક અગ્રવાલે એક વિદ્યાર્થી સાથે બળાત્કારના આરોપમાં જેલમાં બંધ કોચિંગ ડિરેક્ટર રાહુલની અરજી પર સુનાવણી કર્યા બાદ કરી છે. આરોપી રાહુલે બળાત્કારની એફઆઈઆર રદ કરવા માટે અરજી કરી છે. આ કેસમાં કથિત બળાત્કારના કારણે સગીર પીડિતા ગર્ભવતી બની હતી અને તેના પિતાએ હાઈકોર્ટ પાસે ગર્ભપાતની પરવાનગી માંગી હતી. જે બાદ કોર્ટે સપ્ટેમ્બર 2020માં ગર્ભપાતની પરવાનગી આપી હતી. રાહુલ જુલાઈ 2020થી જેલમાં છે.

સુનાવણી કરતા જસ્ટિસ દીપક અગ્રવાલે કહ્યું કે ઈન્ટરનેટના કારણે આજકાલ છોકરા-છોકરીઓ 14-15 વર્ષની ઉંમર પહેલા જ યુવાન થઈ રહ્યા છે. જેના કારણે છોકરા-છોકરીઓ એકબીજા તરફ આકર્ષાય છે અને પરસ્પર સંમતિથી સંબંધ બાંધે છે. આ માત્ર ઉંમરની વાત છે કે રાહુલ યુવતીના સંપર્કમાં આવ્યો અને તેની સાથે સહમતિથી શારીરિક સંબંધ બાંધ્યો. કાયદા ઘડનારાઓએ તમામ પરિબળોને ધ્યાનમાં રાખીને સંબંધ બાંધવાની ઉંમર ફરી એકવાર 16 વર્ષ કરી દેવી જોઈએ. આજના સમયમાં મોટા ભાગના કિસ્સામાં યુવતીની ઉંમર 18 વર્ષથી ઓછી હોવાનું જાણવા મળે છે, આવી સ્થિતિમાં કિશોરો અને યુવકો સાથે અન્યાય થઈ રહ્યો છે. કેન્દ્ર સરકારે ફરી એકવાર પરસ્પર સહમતિથી સંબંધ બનાવવાની ઉંમર પર વિચાર કરવો જોઈએ અને તેને 18 વર્ષથી ઘટાડીને 16 વર્ષ કરવી જોઈએ જેથી કોઈની સાથે અન્યાય ન થાય.

Total Visiters :125 Total: 680204

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *