અક્ષયે 800માંથી કુલ 616 માર્ક્સ મેળવ્યા, તેની ટકાવારી 77% રહી, ચેન્નઈનો કલ્પેન જૈન બીજા ક્રમે જ્યારે નવી દિલ્હીનો પ્રખર વારસનેય ફાઈનલમાં ત્રીજા ક્રમે રહ્યો
અમદાવાદ
ધ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ્સ ઓફ ઈન્ડિયા (આઈસીએઆઈ)દ્વારા ચાર્ટર્ડ એકાઉન્ટ્સના ફાઈનલ અને ઈન્ટરમિડિયેટ એક્ઝામના પરિણામો જાહેર કરાયા. આ પરીક્ષાનું આયોજન મે 2023માં કરવામાં આવ્યું હતું. જેમાં ઓલ ઈન્ડિયા ટોપ રેન્કમાં ગુજરાત માટે સૌથી સારા સમાચાર છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ફાઈનલ પરીક્ષામાં અમદાવાદના જૈન અક્ષય રમેશે ટોપ કર્યું છે. તેણે 800માંથી કુલ 616 માર્ક્સ મેળવ્યા હતા. તેની ટકાવારી 77% રહી હતી.
જ્યારે ફાઈનલમાં ચેન્નઈનો કલ્પેન જૈન બીજા ક્રમે જ્યારે નવી દિલ્હીનો પ્રખર વારસનેય ફાઈનલમાં ત્રીજા ક્રમે રહ્યો હતો. બંનેના અનુક્રમે 75.38% અને 71.75% ટકા આવ્યા હતા. કુલ 477 જેટલા સેન્ટર પર આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું.
સીએ ઈન્ટરમિડિયેટની પરીક્ષાની વાત કરીએ તો તેમાં હૈદરાબાદના વાય.ગોકુલ સાઈ શ્રીકરે ટોપ કર્યું હતું. તેણે 800માંથી 688 માર્ક્સ મેળવ્યા હતા. તેના કુલ 86% આવ્યા હતા. તેના બાદ બીજા ક્રમે આ પરીક્ષામાં પટિયાલાથી નૂર સિંગલા અને ત્રીજા ક્રમે મુંબઈથી કાવ્યા સંદીપ કોઠારી આવી હતી. બંનેની ટકાવારી અનુક્રમે 85.25% અને 84.75% આવી હતી. આ પરીક્ષાનું આયોજન કુલ 549 સેન્ટર પર કરવામાં આવ્યું હતું. જો તમે આ પરીક્ષાના પરિણામો ચકાસવા માગતા હોવ તો આ વેબસાઇટ www.icai.nic.in ની મુલાકાત લઈ શકો છો.