વિશ્વના વિકસિત દેશોમાં ગયા વર્ષે સીધા વિદેશી રોકાણમાં 37 ટકાનો ઘટાડો

Spread the love

એશિયાઈ વિકાસશીલ દેશોમાં 2021ની જેમ જ 662 અબજ ડોલરનું સીધુ વિદેશી રોકાણ આવ્યું જે ડો વૈશ્વિક સ્તરે પ્રાપ્ત કુલ વિદેશી રોકાણનો અડધો ભાગ છે


વોશિંગ્ટન
વિશ્વના વિકસિત દેશોમાં ગયા વર્ષે સીધા વિદેશી રોકાણમાં 37 ટકાનો ઘટાડો થયો છે, જ્યારે ભારતમાં 10 ટકા વધુ વિદેશી રોકાણ આવ્યું છે. આ સમયગાળા દરમિયાન એશિયાઈ વિકાસશીલ દેશોમાં 2021ની જેમ જ 662 અબજ ડોલરનું સીધુ વિદેશી રોકાણ આવ્યું હતું. આ આંકડો વૈશ્વિક સ્તરે પ્રાપ્ત કુલ વિદેશી રોકાણનો અડધો ભાગ છે.
યુનાઈટેડ નેશન્સ કોન્ફરન્સ ઓન ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ દ્વારા ગઈકાલે જાહેર કરાયેલ વર્લ્ડ ઈન્વેસ્ટમેન્ટ રિપોર્ટ-2023 અનુસાર વિકસિત દેશોમાં ગયા વર્ષે કુલ 378 અબજ ડોલર વિદેશી રોકાણ આવ્યું હતું. આ સાથે ભારતમાં 49 અબજ ડોલરનું વિદેશી રોકાણ આવ્યું હતું. ગયા વર્ષે લગભગ 80 ટકા વિદેશી રોકાણ મેળવનારા ટોચના પાંચ દેશોમાં ભારત, ચીન, સિંગાપોર, હોંગકોંગ અને સંયુક્ત આરબ અમીરાતનો સમાવેશ થાય છે. ચીનમાં વિદેશી રોકાણ 5 ટકા વધીને 189 અબજ ડોલર પર પહોંચી ગયું છે. જો કે હોંગકોંગમાં તે 16 ટકા ઘટીને 118 અબજ ડોલર થયું હતું.
આ જાહેર કરાયેલા રિપોર્ટ અનુસાર ગયા વર્ષે વૈશ્વિક વિદેશી રોકાણ 12 ટકા ઘટીને 1.3 લાખ કરોડ ડોલર થયું હતું. યુક્રેન યુદ્ધ, ખાદ્યપદાર્થો અને ઊર્જાના ભાવમાં વધારો અને જાહેર દેવું વધવાને કારણે વૈશ્વિક વિદેશી રોકાણમાં ઘટાડો જોવા મળ્યુ છે. સિંગાપોરમાં 141 અબજ ડોલરનું સૌથી વધુ વિદેશી રોકાણ મળ્યું છે, જે 2021ની સરખામણીમાં 8 ટકા વધુ છે. વિયેતનામમાં વિદેશી સીધુ રોકાણ 39 ટકા વધીને 17 અરબ ડોલરની સર્વકાલીન ટોચે પહોંચ્યું છે.
યુએનસીટીએડીનો રિપોર્ટ દર્શાવે છે કે વિકાસશીલ દેશો 2030 સુધીમાં સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ હાંસલ કરવા માટે વાર્ષિક રોકાણની ખોટનો સામનો કરી રહ્યા છે. લક્ષ્‍યાંક હાંસલ કરવા માટે જેટલું રોકાણ જરૂરી છે તેટલું ઓછું રોકાણ મળી રહ્યું છે. આ રોકાણનું નુકસાન હવે વધીને 4 લાખ કરોડ ડોલર થઈ ગયું છે, જે 2015માં 2.5 લાખ કરોડ ડોલર હતું. વિકાસશીલ દેશોને રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં દર વર્ષે લગભગ 1.7 લાખ કરોડ ડોલર રોકાણની જરૂર છે, જ્યારે તેમને 2022માં માત્ર 544 અબજ ડોલરનું રોકાણ મળ્યુ હતું.

Total Visiters :112 Total: 847650

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *