24 કલાકમાં 173 તાલુકામાં વરસાદ, સિઝનનો કુલ 34. 50 ટકા વરસાદ

Spread the love

ગુજરાતના 15 જળાશયોમાં 49 ટકા અને મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 29 ટકા જ્યારે દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 35 ટકા તેમજ સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 49 ટકા જેટલો પાણીનો જથ્થો


અમદાવાદ
રાજ્યમાં હવામાન વિભાગની આગાહી અનુસાર વરસાદનો બીજો રાઉન્ડ શરુ થઈ ગયો છે અને આજથી આગામી પાંચ દિવસ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે ત્યારે ગઈકાલે મોડી રાતથી અત્યાર સુધીમાં વરસાદે તોફાની બેટિંગ કરી છે. ગઈકાલે અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે અનરાધાર વરસાદ વરસ્યો હતો. ત્યારે આજે આણંદ, ખેડા અને બોટાદમાં મુશળધાર વરસાદ વરસ્યો છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 173 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમા 11 તાલુકામાં ત્રણ ઈંચ કરતા વધુ જ્યારે 21 તાલુકાઓમાં 2 ઈંચ કરતા વધુ અને 66 તાલુકાઓમાં 1 ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. આ સાથે જ ખંભાતમાં 5 ઈંચ, અમદાવાદમાં 5 ઈંચ, નડિયાદમાં 4.5 ઈંચ, જલાલપોરમાં સવા 4 ઈંચ, મોડાસા અને સિહોરમાં 3.5 ઈંચ વરસાદ, આણંદમાં 3.5 ઈંચ, તારાપુરમાં 3.5 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે બોટાદ અને ધંધુકામાં સાંબેલાનીધાર 3-3 ઈંચ વરસાદ ખાબક્યો છે. આ સાથે આગામી પાંચ દિવસ ભારે વરસાદને લઈને એલર્ટ પણ આપવામાં આવ્યુ છે. જેમા સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.
મહીસાગર જિલ્લામાં પાંચ દિવસના વિરામ બાદ તમામ 6 તાલુકામાં રાત્રે મુશળધાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી તેમજ અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. આ ઉપરાંત અરવલ્લીમાં વરસાદી માહોલ જામ્યો હતો અને વહેલી સવારે ધોધમાર વરસાદ તૂટી પડતા શહેરના માર્ગો પાણી પાણી થયા હતા અને કેટલાક વિસ્તારોમાં વીજળી ગૂલ થવાની પણ સમસ્યાઓ સામે આવી હતી તેમજ ભાવનગર શહેરમાં પણ બે દિવસના વિરામ બાદ ફરીથી વરસાદી માહોલ જોવા મળ્યો હતો અને સતત ચાર કલાક વરસાદ વરસતા શાળાના ગ્રાઉન્ડમાં પાણી ભરાતા કેટલીક શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી હતી.
ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસતા જળાશયોમાં નવા નીર આવ્યા હતા. ત્યારે ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 49 ટકા અને મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 29 ટકા જ્યારે દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 35 ટકા તેમજ સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 49 ટકા જેટલો પાણીનો જથ્થો છે. આ સાથે જ રાજ્યના 25 જળાશયો હાઈ એલર્ટ પર છે જેમા 90 ટકાથી વધુ તેમજ 13 જળાશયો એલર્ટ પર છે જેમા 80 ટકાથી વધુ તથા 12 જળાશયો વોર્નિગ પર છે જેમા 70 ટકાથી વધુ પાણીનો જથ્થો છે. આ ઉપરાંત રાજ્યના 206 જળાશયોમાંથી 156 જળાશયોમાં 70 ટકાથી ઓછો પાણીનો જથ્થો છે.
રાજ્યભરમાં સાર્વત્રિક મેઘમહેર થઈ રહી છે ત્યારે અત્યાર સુધીમાં રાજ્યનો કુલ 34. 50 ટકા વરસાદ થયો છે. જેમા ઝોન પ્રમાણે વાત કરીએ તો કચ્છમાં 87 ટકાથી વધુ જ્યારે સૌરાષ્ટ્રમાં 50 ટકાથી વધુ અને ઉત્તર ગુજરાતમાં 31 ટકાથી વધુ તેમજ દક્ષિણ ગુજરાતમાં 27 ટકાથી વધુ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત પૂર્વ મધ્યમાં 24 ટકાથી વધુ વરસાદ વરસ્યો છે.

Total Visiters :134 Total: 1097675

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *