દિલ્હીમાં પૂરનો ખતરો વધ્યો, લોકોને પ્રભાવિત વિસ્તારોથી દૂર રહેવા સુચના

Spread the love

દિલ્હીમાં અનેક રહેણાંક વિસ્તારોમાં પૂરના પાણી ઘૂસી ગયા, દિલ્હીના રસ્તાઓ પર પાણી ફરી વળતા સ્વિમિંગ પુલ બની ગયા


નવી દિલ્હી
દિલ્હીમાં યમુના વધીને 207.55 મીટર થઈ જતા 45 વર્ષના રેકોર્ડને તોડ્યો હતો. યમુનાના વધતા જળ સ્તરને જોતા સીએમ અરવિંદ કેજરીવાલે ઈમરજન્સી બેઠક બોલાવી છે જેમા તમામ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓને હાજર રહેવા સૂચના આપવામાં આવી હતી. આ બેઠક દિલ્હી સચિવાલયમાં યોજાઈ.
દિલ્હીમાં છેલ્લા કેટલાય દિવસથી પડેલા ભારે વરસાદને પગલે વરસાદી પાણી ભરાવાની સમસ્યા બની છે ત્યારે હવે યમુનાના જળસ્તરમાં વધારો થવાને કારણે અહીંના અનેક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. આવી સ્થિતિમાં પૂરનું જોખમ વધુ વધી શકે છે. દિલ્હીમાં યમુના નદીનું જળસ્તરે આજે 207.55 મીટર થઈ જતા 45 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. 6 સપ્ટેમ્બર 1978ના રોજ યમુનાનું મહત્તમ પૂરનું સ્તર 207.49 મીટર નોંધાયું હતું. દિલ્હીમાં અનેક રહેણાંક વિસ્તારોમાં પૂરના પાણી ઘૂસી ગયા છે. સ્થિતિ વણસતી જોતા દિલ્હી પોલીસે લોકોને પૂર પ્રભાવિત વિસ્તારોમાંથી દૂર રાખવા માટે કલમ 144 લાગુ કરી છે.
દિલ્હીમાં યમુનાનું જળ સ્તર સતત વધતા આજે 45 વર્ષના રેકોર્ડને તોડી નાખ્યુ છે જેના પગલે દિલ્હીના અનેક વિસ્તારોમાં પાણી ભરાય ગયા છે ત્યારે હવે દિલ્હીના રસ્તાઓ પર પાણી ફરી વળતા સ્વિમિંગ પુલ બની ગયા હતા. રસ્તાઓ પર પાણી ભરાય જતા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. યમુના નદીનું જળસ્તર વધવાને કારણે હજારો લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. દિલ્હી સરકાર એલર્ટ મોડ પર કામ કરી રહી છે. આ સાથે જ હવે યમુનાનું પાણી નોઈડા-દિલ્હી લિંક રોડ સુધી પહોંચી ગયું છે.
કાશ્મીરી ગેટના મોન્સ્ટી માર્કેટ, રિંગ રોડ, યમુના ઘાટ, યમુના બજાર વિસ્તારમાં પૂરના પાણી પહોંચી ગયા છે. અહીં શેરીઓમાં પાણી વહી ફરી વળ્યા છે. યમુના નદીનું પાણી કાશ્મીરી ગેટ સ્થિત ગૌશાળામાં પ્રવેશ્યું છે. આઈટીઓ ખાતે છઠ ઘાટ સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયો છે. યમુના નદીને અડીને આવેલા વિસ્તારો ખૂબ જ સંવેદનશીલ છે. આ વિસ્તારોમાં લગભગ 41 હજાર લોકો રહે છે. આ વચ્ચે કેટલાક લોકો દિલ્હીના સૌથી વીઆઈપી એરિયા સાઉથ એવન્યુમાં વરસાદની મજા માણી હતી.
સીએમ અરવિંદ કેજરીવાલનું કહેવું છે કે તેઓ સેન્ટ્રલ વોટર કમિશનના સંપર્કમાં છે અને એવી અપેક્ષા છે કે પૂર જેવી સ્થિતિ ઊભી નહીં થાય. આ સમય એકબીજા સામે આંગળી ચીંધવાનો નથી. લોકોને રાહત આપવા માટે તમામ રાજ્યોની સરકારે સાથે મળીને કામ કરવાની જરૂર છે. આ સિવાય દિલ્હીના પીડબલ્યુડી મંત્રી આતિશીએ કહ્યું હતું કે દિલ્હીમાં યમુનાનું જળ સ્તર ખતરાના નિશાન પર પહોંચી જશે.
હરિયાણાના યમુનાનગરમાં બનેલા હથિનીકુંડ બેરેજમાંથી સતત પાણી છોડવાના કારણે યમુનાનું જળસ્તર વધી રહ્યું છે. આજે સવારે 9 વાગ્યાથી પણ બેરેજમાંથી 1 લાખ 53 હજાર 768 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. ગઈકાલે સાંજે 7 વાગ્યે બેરેજમાંથી 2 લાખ 42 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું, જેના કારણે યમુના નદીનું જળસ્તર વધીને 206.69 મીટર થયું હતું. હાલમાં નદીના વહેણને ઘટાડવા ઓખલા બેરેજના તમામ દરવાજા ખોલી દેવામાં આવ્યા છે.

Total Visiters :123 Total: 1092712

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *