દિલ્હીના વીવીઆઈપી સહિત અનેક વિસ્તારમાં પૂરનાં પાણીથી તબાહી

Spread the love

પૂરથી પ્રભાવિત દિલ્હીમાં જળ સંકટ આવવાનું છે, મશીનોમાં પાણી ઘુસી જતાં ત્રણ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બંધ કરવામાં આવ્યા


નવી દિલ્હી
અતિભારે વરસાદ બાદ દિલ્હીમાં પૂર જેવી સ્થિતિ છે. યમુના નદી તેના સૌથી ખતરનાક સ્વરૂપમાં પહોંચી ગઈ છે. 1978માં યમુનાનું જળસ્તર 207.49 મીટરે પહોંચ્યું હતું. આ રેકોર્ડ બુધવારે (12 જુલાઈ, 2023)ના રોજ તૂટી ગયો. ગુરુવારે સવારે 7 વાગ્યા સુધી દિલ્હીમાં યમુનાનું જળસ્તર 208.41 મીટર નોંધાયું હતું. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે યમુના નદીના વધતા જળ સ્તરને લઈને ઈમરજન્સી બેઠક બોલાવી હતી. દિલ્હી પોલીસે સાવચેતીના પગલા તરીકે પૂર પ્રભાવિત વિસ્તારોમાં કલમ 144 લાગુ કરી છે. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા હજારો લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, એક-બે દિવસના વિરામ બાદ દિલ્હીમાં ફરી મૂશળધાર વરસાદ શરૂ થશે.
દિલ્હીના અનેક વિસ્તારોમાં પૂરના પાણી ઝડપથી પ્રવેશી રહ્યા છે. લાલ કિલ્લાની પાછળના સલીમગઢ અંડરપાસ પર પૂરનું પાણી જોરદાર પ્રવાહ સાથે વહી રહ્યું છે. આઈટીઓથી આ તરફ જવાનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે.
દિલ્હીમાં યમુના નદીના પાણીના સ્તરમાં વધારો થવાને કારણે, જીટી રોડ પર શાહદરાથી આઈએસબીટી તરફનો ટ્રાફિક, કાશ્મીરી ગેટથી સીલમપુર ટી-પોઈન્ટ થઈને કેશવ ચોક-કરકરડૂમા કોર્ટ-રોડ નંબર 57-એનએચ-24 તરફ ડાયવર્ટ કરવામાં આવ્યો છે.
દિલ્હીના વીવીઆઈપી સિવિલ વિસ્તારમાં પણ યમુના પૂરનું પાણી પહોંચી ગયું છે. આ વિસ્તારમાં સીએમ, એલજી સહિત તમામ મંત્રીઓના સરકારી આવાસ છે. આ વિસ્તારના અનેક બંગલામાં પૂરના પાણી ભરાઈ ગયા છે.
પૂરથી પ્રભાવિત દિલ્હીમાં જળ સંકટ આવવાનું છે. મશીનોમાં પાણી ઘુસી જતાં ત્રણ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બંધ કરવામાં આવ્યા છે. સીએમ કેજરીવાલે કહ્યું છે કે 25 ટકા સપ્લાય ઘટશે. આ ખુબજ વધુ છે. 1-2 દિવસ સુધી સમસ્યા રહી શકે છે.
દિલ્હીમાં યમુના તોફાન પર છે. અનેક વિસ્તારોમાં પૂરના પાણી ઘૂસી ગયા છે. આ દરમિયાન દિલ્હીમાં યમુના બેંક મેટ્રો સ્ટેશન પણ પાણી ભરાઈ ગયું છે. જેના કારણે મેટ્રો સ્ટેશનનો રસ્તો બંધ છે. આ સ્ટેશન પર ઉતરતા મુસાફરોને લક્ષ્મીનગર મેટ્રો સ્ટેશન પર ઉતારવામાં આવી રહ્યા છે.
વજીરાબાદમાં પણ પૂરના કારણે સ્થિતિ વધુ ખરાબ છે. વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બંધ થઈ ગયો છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પૂરની સ્થિતિનો તાગ મેળવવા વજીરાબાદ પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે વજીરાબાદ, ચંદ્રવાલ અને ઓખલાના પ્લાન્ટ બંધ કરવા પડ્યા. મોટરોમાં પાણી ઘુસી ગયા છે. કેજરીવાલે કહ્યું કે તેમને આશા છે કે આવતીકાલ સુધીમાં પ્લાન્ટ શરૂ થઈ જશે. તેમણે કહ્યું કે આના કારણે જળસંકટ આવી શકે છે.
યમુના કિનારે આવેલા તમામ વિસ્તારો પાણીમાં ડૂબી ગયા છે. પાણી ધીમે ધીમે ઉપર જઈ રહ્યું છે. તેની અસર વાહનવ્યવહાર પર પણ જોવા મળી રહી છે. સવારે 11 વાગ્યાના અપડેટ મુજબ, સરાય કાલે ખાન અને શાસ્ત્રી પાર્કમાં લાંબો જામ હતો. પુરાણા કિલ્લા અને રીંગરોડ પર પાણી ભરાવાને કારણે ત્યાં પણ ટ્રાફિક અટવાઈ ગયો છે. સૌથી વધુ અસર કાશ્મીરી ગેટ વિસ્તાર છે. સવાર સુધી થોડો વાહનવ્યવહાર ચાલુ હતો, પરંતુ પાણી વધ્યા બાદ સ્થિતિ બગડવા લાગી હતી. જેના કારણે વાહનવ્યવહાર થંભી ગયો છે.
દિલ્હીમાં યમુના નદીનું જળસ્તર વધવાને કારણે યમુના ખાદર વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. બચાવ કામગીરી ચાલુ છે. એક પોલીસકર્મીએ કહ્યું, “અહીંની સ્થિતિ ખૂબ જ અસામાન્ય છે. અમે લોકોને અહીંથી ખસી જવા માટે સમજાવી રહ્યા છીએ કારણ કે પાણીનું સ્તર ઘણું વધી ગયું છે. અત્યાર સુધીમાં લગભગ 500 લોકોને બચાવી લેવામાં આવ્યા છે.”

Total Visiters :157 Total: 1093890

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *