રાજ્યમાં ચોવિસ કલાકમાં 87 તાલુકામાં વરસાદ થયો

Spread the love

નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં સૌથી વધુ વરસાદ નોંધાયો, અમરેલીમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી


ગાંધીનગર
રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું હોય તેવું લાગી રહ્યું છે ત્યારે છેલ્લા 24 કલાકમાં 87 તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં સૌથી વધુ નોંધાયો હતો. આ સિવાય અમરેલીમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી.
રાજ્યમાં નોંધાયેલા વરસાદમાં નવસારીના ચીખલીમાં સૌથી વધારે 4.5 ઈંચ વરસાદ ખાબક્યો હતો જેના પગલે ઠેર-ઠેર પાણી ભરાય ગયા હતા. આ સિવાય અમરેલીના ગણદેવીમાં 3.5 ઈંચ, ખેરગામ અને નવસારીમાં 3-3 ઈંચ, ઉમરપાડામાં પોણા 3 ઈંચ, ડોલવણમાં 2.5 ઈંચ વરસાદ વરસ્યો હતો. અમરેલીમાં છેલ્લા 24 કલાકમાં મેઘરાજા મન મુકીને વરસ્યા હતા અને શહેરમાં બે કલાકમાં ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો હતો જેથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. આ સાથે જો છેલ્લા બે કલાકની વાત કરીએ તો રાજ્યના 38 તાલુકામાં વરસાદ નોંધાયો હતો જેમા નવસારીના ગંડવી તાલુકામાં સૌથી વધુ વરસાદ વરસ્યો હતો. સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદના કારણે જળાશયોમાં નોંધપાત્ર આવક થવા સાથે અનેક ડેમ ઓવરફ્લો થયા છે. જુનાગઢ જિલ્લાનો મધુપરી ડેમ છલકાતા મેંદરડા અને વંથલીના 10 જેટલા ગામોમાં એલર્ટ અપાયું છે.
ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસતા જળાશયોમાં નવા નીર આવ્યા હતા. ત્યારે ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 59.15 ટકા અને મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 33.15 ટકા જ્યારે દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 36.29 ટકા તેમજ સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 60.70 ટકા જેટલો પાણીનો જથ્થો છે. આ સિવાય કચ્છના 20 જળાશ્યોમાં 64.10 ટકા જેટલો પાણીનો જથ્થો છે. આ ઉપરાંત રાજ્યના 41 જળાશયો હાઈ એલર્ટ પર છે જેમા 90 ટકાથી વધુ તેમજ 14 જળાશયો એલર્ટ પર છે જેમા 80 ટકાથી 90 ટકા સુધી તથા 17 જળાશયો વોર્નિગ પર છે જેમા 70 ટકાથી 80 ટકા સુધી પાણીનો જથ્થો છે. આ સિવાય રાજ્યના 206 જળાશયોમાંથી 134 જળાશયોમાં 70 ટકાથી ઓછો પાણીનો જથ્થો છે.
રાજ્યમાં અનેક જિલ્લાઓમાં મેઘમહેર થતા અનેક જળાશ્યોમાં નવા નીર આવતા પાણીના જથ્થાનો સંગ્રહ થયો છે. રાજ્યમાં જળ સંપતિ વિભાગના અહેવાલ અનુસાર આ વર્ષે નર્મદા સહિત 48.74 ટકા જળાશયો ભરાયા છે. આ સિવાય ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ-જળાશયમાં કુલ સંગ્રહ શક્તિના 60.34 ટકા પાણીના જથ્થાનો સંગ્રહ થયો છે. જ્યારે રાજ્યના 30 જળાશયો 100 ટકા એટલે કે સંપૂર્ણ છલકાયા છે.

Total Visiters :158 Total: 1093684

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *