હરિયાણાના નૂહની હિંસાનો મૃત્યુઆંક 5 થયો, શહેરમાં કર્ફ્યુ

Spread the love

રમખાણકારોને જોતા જ ગોળી મારી દેવાનો આદેશ, હિંસામાં 10 પોલીસકર્મીઓ સહિત 60થી વધુ લોકો ઘવાયા


નૂહ
હરિયાણાના નૂહમાં શોભાયાત્રા પર હુમલાની ઘટના બાદ ભડકેલી કોમી હિંસામાં મૃતકોની સંખ્યા વધીને 5 થઈ ચૂકી છે. શાંતિ વ્યવસ્થા જાળવી રાખવા માટે નૂહમાં કર્ફ્યૂ જાહેર કરાયો છે અને રમખાણકારોને જોતા જ ગોળી મારી દેવાનો આદેશ અપાયો છે. હિંસામાં 10 પોલીસકર્મીઓ સહિત 60થી વધુ લોકો ઘવાયા છે. આ સાથે જ મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે આ મામલે નિવેદન આપતાં કહ્યું કે આ રમખાણો કોઈ મોટા ષડયંત્ર તરફ ઈશારો કરે છે. દોષિતોને છોડીશું નહીં.
આ સાથે જ નૂહમાં ભડકેલી હિંસા બાદ રાજ્યમાં 9 જિલ્લા ગુરુગ્રામ, ફરીદાબાદ, પલવલ, ઝઝ્ઝર, યમુનાનગર, સોનીપત, પાનીપત અને જિંદને સંવેદનશીલ વિસ્તાર જાહેર કરાયા છે. નૂહમાં સોમવારે ભડકેલી હિંસા બાદથી તણાવની સ્થિતિ જોવા મળી છે.
આ દરમિયાન હરિયાણાના ઉપમુખ્યમંત્રી દુષ્યંત સિંહ ચૌટાલાએ મોટું નિવેદન આપતાં કહ્યું કે અમને શોભાયાત્રામાં કેટલા લોકોની ભીડ સામેલ થવાની છે તેની કોઈ જાણકારી આપવામાં આવી નહોતી. જેના પગલે આ હિંસા ભડકી હતી. જે લોકો દોષિત ઠરશે તેમને છોડીશું નહીં. સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરાઈ છે. આ દરમિયાન તેમણે લોકોને શાંતિ સ્થાપિત કરવા અપીલ કરી હતી.
નૂહ ઉપરાંત ગુરુગ્રામ, ફરીદાબાદ અને પલવલ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં સ્થિતિ તણાવપૂર્ણ રહી હતી. મંગળવારે યમુના નગર અને જિંદદ સહિત કેટલાક સ્થળોએ છૂટાછવાયા બનાવો નોંધાયા હતા. હિંસાને કારણે અત્યાર સુધીમાં બે પોલીસકર્મીઓ સહિત પાંચ લોકોના મોત થયા છે. નૂહના સૌથી સંવેદનશીલ વિસ્તારોમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. સમગ્ર વિસ્તારમાં અર્ધલશ્કરી દળની 13 કંપનીઓ તૈનાત કરવામાં આવી છે.
નુહમાં 2 ઓગસ્ટ સુધી ઈન્ટરનેટ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. નૂહ, ફરીદાબાદ, ગુરુગ્રામ અને પલવલમાં તમામ શાળા-કોલેજો અને કોચિંગ સેન્ટરો બંધ રાખવામાં આવ્યા હતા. નૂહમાં 2 ઓગસ્ટે યોજાનારી 10મી, 12મીની પરીક્ષાઓ રદ કરવામાં આવી છે. હરિયાણા પોલીસે જાહેરાત કરી છે કે નૂહ રમખાણોમાં જીવ ગુમાવનારા હોમગાર્ડ્સ નીરજ અને ગુરસેવક સિંહના આશ્રિતોને 57-57 લાખ રૂપિયા આપવામાં આવશે.

Total Visiters :129 Total: 1091580

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *