31 જુલાઈથી 4 ઓગસ્ટ સુધી વિશ્વના પાંચ ખેલાડીએ નિવૃત્તી જાહેર કરી

Spread the love

નિવૃત્તી લેનારા ત્રણ મોટા ખેલાડીઓ ઈંગ્લેન્ડના છે, આ ત્રણેય ખેલાડીઓએ ઈંગ્લિશ ટીમ માટે વર્લ્ડ કપ જીત્યો હતો


નવી દિલ્હી
વર્ષ 2023માં ક્રિકેટ જગતમાં ઘણી એક્શન થઈ છે અને ઘણી એક્શન સેકેન્ડ હાફમાં થશે. તેમાં એશિયા કપ અને વન-ડે વર્લ્ડ કપ જેવી મોટી ટુર્નામેન્ટ પણ સામેલ છે. પરંતુ એ પહેલા છેલ્લા પાંચ દિવસમાં ક્રિકેટ જગતમાં ખળભળાટ મચી ગયો છે. 31 જુલાઈ 2023 થી 4 ઓગસ્ટ 2023 સુધીમાં વિશ્વના પાંચ ખેલાડીઓએ નિવૃત્તિની જાહેરી દીધી છે. મહત્વની વાત એ છે કે, તેમાંથી ત્રણ મોટા ખેલાડીઓ ઈંગ્લેન્ડના છે. આ ત્રણેય ખેલાડીઓએ ઈંગ્લિશ ટીમ માટે વર્લ્ડ કપ જીત્યો હતો.
નિવૃતિની શરૂઆત એશિઝ 2023ની પાંચમી ટેસ્ટથી થઈ હતી જ્યાં સ્ટુઅર્ટ બ્રોડ અને મોઈન અલીએ 31 જુલાઈના રોજ તેમની નિવૃત્તિની જાહેરાત કરી હતી. જો કે, મોઈન હજુ વ્હાઈટ બોલ ક્રિકેટ રમવાનું ચાલુ રાખશે પરંતુ બ્રોડે હાલ માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું છે. બ્રોડે ઈંગ્લેન્ડ માટે 604 ટેસ્ટ વિકેટ, 178 વન-ડે વિકેટ અને 65 ટી20 આંતરરાષ્ટ્રીય વિકેટ પોતાના નામે કરી છે. બીજી તરફ મોઈન અલીએ ઈંગ્લેન્ડ માટે ટેસ્ટ ક્રિકેટમાંથી પહેલા જ નિવૃત્તિ લઈ લીધી હતી પરંતુ તે એશિઝમાં પરત ફર્યો હતો પરંતુ તે પછી તરત જ તેણે ફરીથી રેડ બોલ ક્રિકેટને અલવિદા કહી દીધું. મોઈને ઈંગ્લિશ ટીમ માટે 68 ટેસ્ટ મેચ રમી 3094 રન બનાવ્યા હતા. આ સાથે જ તેમણે 204 વિકેટ પણ પોતાના નામે કરી હતી. આ બે ખેલાડીઓના જવાથી ઈંગ્લેન્ડના ટેસ્ટ ક્રિકેટમાં એક યુગનો અંત આવ્યો છે.
પશ્ચિમ બંગાળના રમતગમત મંત્રી અને ભારત માટે 12 વન-ડે અને ત્રણ ટી20 મેચ રમનાર મનોજ તિવારીએ 3 ઓગસ્ટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધુ છે. મનોજ તિવારીએ 2008માં ઈન્ટરનેશનલ ડેબ્યુ કર્યું હતું અને 2015થી તેઓ ટીમની બહાર છે. વન-ડે ક્રિકેટમાં તેની સર્વશ્રેષ્ઠ ઈનિંગ્સ 2011માં ચેન્નાઈમાં વેસ્ટ ઈન્ડિઝ સામે આવી હતી જ્યાં તેણે અણનમ 104 રન બનાવ્યા હતા. આ ઉપરાંત તેમણે 141 ફર્સ્ટ ક્લાસ મેચમાં 48.56ની એવરેજથી 9908 રન બનાવ્યા હત જેમાં 29 સદી અને 45 અડધી સદી સામેલ છે. અને તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર અણનમ 303 રન રહ્યો હતો. તિવારીએ 2022-23 રણજી ટ્રોફીની ફાઈનલમાં પહોંચેલી બંગાળની ટીમનું નેતૃત્વ કર્યું હતું. તેઓ આઈપીએલ 2012નો ખિતાબ જીતનાર કેકેઆરની ટીમનો પણ હિસ્સો હતા.
વન-ડે વર્લ્ડ કપ 2023 પહેલા ઈંગ્લેન્ડના અન્ય એક વર્લ્ડ ચેમ્પિયન ખેલાડીએ 4 ઓગસ્ટના રોજ સન્યાસ લઈને બધાને ચોંકાવી દીધા હતા. તાજેતરમાં ટી20 વર્લ્ડ કપ 2022માં ઈંગ્લેન્ડ માટે ઓપનિંગ કરતી વખતે કમાલ કરનાર એલેક્સ હેલ્સે સન્યાસ લઈને બધાને ચોંકાવી દીધા હતા. હેલ્સે ટી20 વર્લ્ડ કપની સેમિફાઈનલમાં ભારતની 10 વિકેટથી જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે ઈંગ્લેન્ડ માટે ત્રણેય ફોર્મેટમાં ક્રિકેટ રમી હતી. 2011માં ઈંગ્લેન્ડ માટે ટી20 ઈન્ટરનેશનલ ડેબ્યૂ કર્યા બાદ, હેલ્સે ઈંગ્લેન્ડ માટે 11 ટેસ્ટમાં 573 રન, 70 વનડેમાં 2419 રન અને 75 ટી20 મેચમાં 2074 રન બનાવ્યા હતા. તેણે ત્રણેય ફોર્મેટમાં કુલ 7 સદી પણ ફટકારી હતી.
ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 2014માં નેપાળ તરફથી ડેબ્યુ કરનાર જ્ઞાનેન્દ્ર મલ્લાએ પોતાની નવ વર્ષના કરિયાર દરમિયાન 37 વન-ડે અને 45 ટી20 મેચ રમી હતી. 32 વર્ષીય ખેલાડીએ વનડેમાં સાત અર્ધશતક સાથે 876 રન બનાવ્યા હતા જ્યારે ટી20માં તેમણે એક સદી અને બે અર્ધસદી સાથે 120.29ની સ્ટ્રાઈક રેટથી 883 રન બનાવ્યા હતા. પાળની ટીમ પ્રથમ વખત એશિયા કપ માટે ક્વોલિફાય થઈ હતી અને ટીમ 30 ઓગસ્ટથી શરૂ થઈ રહેલા વન-ડે એશિયા કપમાં પણ ભાગ લેશે. તે પહેલા આ ખેલાડીની નિવૃત્તિ ટીમ માટે મોટો ફટકો બની શકે છે.

Total Visiters :127 Total: 1095493

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *