મોંઘવારી મુદ્દે સરકારને ઘેરવાના પ્રયાસમાં આપના સાંસદ સુશીલ ગુપ્તાએ અનોખી રીતે વિરોધ કર્યો
નવી દિલ્હી
રાજ્યસભાની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. આપ સાંસદ સુશીલ ગુપ્તા ટામેટાંની માળા પહેરીને આવતાં મામલો બગડ્યો હતો. જેના બાદ ગૃહમાં ભારે હોબાળાની સ્થિતિ સર્જાઈ હતી અને જેના પગલે રાજ્યસભાની કાર્યવાહી અટકાવી દેવામાં આવી હતી. રાજ્યસભા બાદ લોકસભામાં પણ હોબાળો થતા કાર્યવાહીને 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી.
લોકસભામાં આજે સતત બીજા દિવસે અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા થશે. કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ આ દાવો કર્યો છે કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે ગૃહમાં બપોરે 12 વાગ્યે સંબોધન કરશે. આ સિવાય કેન્દ્રીય ગૃહમંત્રી આજે સાંજે 4 વાગ્યે ગૃહમાં કોંગ્રેસને જવાબ આપશે. આ વચ્ચે રાજ્યસભાની કાર્યવાહી બપોર 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે. સુશીલ ગુપ્તા વધતાં જતાં ટામેટાંના ભાવ સામે વિરોધ દર્શાવવા અને મોંઘવારી મુદ્દે સરકારને ઘેરવાના પ્રયાસ રૂપે ટામેટાંની માળા પહેરીને ગૃહમાં આવ્યા હતા.
લોકસભાના સાંસદોએ 1942ના ભારત છોડો ચળવળની યાદમાં સ્વતંત્રતા સેનાનીઓને શ્રદ્ધાંજલિ આપવા માટે એક મિનિટનું મૌન પાળ્યું હતું. વિપક્ષના સાંસદોએ 1942ના ભારત છોડો ચળવળને યાદ કરીને સંસદ સંકુલમાં મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ ઉપરાંત જાપાનમાં અણુ બોમ્બ ધડાકાની 78મી વર્ષગાંઠ પર હિરોશિમા અને નાગાસાકીના પીડિતોને શ્રદ્ધાંજલિ પણ આપી હતી.
કેન્દ્ર સરકાર બહુમતીમાં છે. આ સ્થિતિમાં વિપક્ષની અવિશ્વાસની દરખાસ્ત પડી જશે તે સ્પષ્ટ છે. અહી પ્રશ્ન એ થાય છે કે કેન્દ્ર સરકાર પાસે પૂર્ણ બહુમતી હોવા છતાં વિપક્ષ આ અવિશ્વાસ પ્રસ્તાવ શા માટે લાવી રહ્યો છે? આ માટે વિપક્ષી દળોનું માનવું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મણિપુરના મુદ્દે ગૃહમાં કોઈ જવાબ નથી આપી રહ્યા, પરંતુ જ્યારે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવશે તો વડાપ્રધાને ગૃહની અંદર તેના પર જવાબ આપવો પડશે. આ જ કારણ છે કે તમામ વિરોધ પક્ષો જાણે છે કે તેમની પાસે બહુમતી નથી. આમ છતાં આ પ્રસ્તાવ લોકસભામાં લાવવામાં આવ્યો હતો.