છત્તિસગઢના એક ગામને આઝાદીના 77 વર્ષે વીજળી મળી

Spread the love

લોકોએ પહેલી વખત બલ્બની રોશનીથી આઝાદીને પોતાની આંખોથી જોઈ


સુકમા
છત્તીસગઢનો સુકમા જિલ્લો એક સમયે નક્સલીઓના નામથી ઓળખાતો હતો. પરંતુ હવે જિલ્લામાં વિકાસની નવી કહાની લખાઈ રહી છે. નક્સલ જિલ્લાના ઘોર નક્સલ પ્રભાવિત એલમાગુંડા ગામના ગ્રામીણોને સ્વતંત્રતા દિવસ પર એક નવી ભેટ મળી છે. અહીંના લોકોને આઝાદીના 77 વર્ષ બાદ વીજળી નસીબ થઈ છે. લોકોએ પહેલી વખત બલ્બની રોશનીથી આઝાદીને પોતાની આંખોથી જોઈ છે.
છત્તીસગઢ સરકારની વિકાસ, વિશ્વાસ અને સુરક્ષાની થીમ પર કામ કરીને જિલ્લા વહીવટીતંત્ર, જિલ્લા પોલીસ અને સીઆરપીએફના અથાક પ્રયાસોને કારણે એલમાગુંડા ગામમાં આઝાદી બાદ પ્રથમ વખત વીજળી સેવા શરૂ થઈ છે.
નક્સલ પ્રભાવિત એલમાગુંડા ગામમાં વીજળી સેવા પહોંચતા જ ગ્રામીણોની ખુશીનું ઠેકાણું ન રહ્યું. આ ગામમાં આ જ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં સુરક્ષા દળોનો કેમ્પ સ્થાપિત કરવામાં આવ્યો હતો. ત્યારબાદથી ગામ સુધી મૂળભુત સુવિધાઓ પહોંચાડવા સીઆરપીએફ, જિલ્લા પોલીસ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સંયુક્તરીતે પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો અને હવે ગામમાં વીજળી પહોંચવાથી ગ્રામીણોનો વિશ્વાસ પણ સરકારી વહીવટી તંત્ર અને સુરક્ષા દળો પ્રતિ વધી ગયો છે.
સુકમા જિલ્લાના કેટલાક ગામ નક્સલ પ્રભાવિત અને સંવેદનશીલ છે. જોકે, સુરક્ષા દળોના જવાનો દ્વારા વહીવટી તંત્ર અને પોલીસના સંયુક્ત પ્રયત્નોથી ગ્રામીણો સાથે સારા સબંધો સ્થાપિત કરવા તમામ કાર્યક્રમો ચલાવવામાં આવી રહ્યા છે. જેના હેઠળ ગ્રામીણ વિસ્તારમાં કેમ્પ સ્થાપિત કરવાની સાથે જ તે વિસ્તારમાં લોકોની પાયાની જરૂરિયાતોને પહોંચાડવાનું કામ કરવામાં આવી રહ્યું છે.
એલમાગુંડા ગામ એ વાતનો પુરાવો છે કે, અહીં આઝાદી બાદ પહેલી વખત વીજળી સેવા પહોંચી શકી છે. નક્સલ વિસ્તારોમાં લોકો સુધી સરકારની યોજના પહોંચાડવા અહીં CRPF, જિલ્લા પોલીસ અને જિલ્લા વહીવટી તંત્ર સંયુક્ત રીતે સારા તાલમેલ સાથે કામ કરી રહ્યા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં લોકો સુધી શિક્ષણ અને આરોગ્ય સેવા ગ્રામીણો સુધી યોગ્ય રીતે પહોંચાડવામાં આવી છે. હવે વીજળી સેવા પહોંચાડીને ગ્રામીણોમાં વિશ્વાસ વધારવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.

Total Visiters :98 Total: 1094319

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *