આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડેટા સાયન્સ માટેના ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ તૈયાર કરવા એઆઇસીટીઇનો જિયો ઇન્સ્ટિટ્યૂટ સંસ્થા સાથે સહયોગ

Spread the love

નવી મુંબઈ

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) અને ડેટા સાયન્સ વિષયો માટેના ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ તૈયાર કરવા ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન (એઆઇસીટીઇ)એ જિયો ઇન્સ્ટિટ્યૂટ સાથે હાથ મીલાવ્યા છે. આ સહભાગી પ્રયાસ એઆઇસીટીઇના અટલ (એઆઇસીટીઇ ટ્રેનિંગ એન્ડ લર્નિંગ) પ્રોગ્રામના ભાગરૂપે શરૂ કરવામાં આવી રહ્યો છે, આ કાર્યક્રમનો ઉદ્દેશ એઆઇસીટીઇ માન્ય સંસ્થાઓના ફેકલ્ટી સભ્યોના કૌશલ્યમાં વધારો કરવા અને તેમને પુનઃકુશળ બનાવવાનો છે.

જિયો ઇન્સ્ટિટ્યૂટ તેના વિશ્વ કક્ષાના એઆઇ એન્ડ ડીએસ પ્રોગ્રામ માટે પ્રખ્યાત છે, આ પાંચ દિવસીય રેસિડેન્શિયલ ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ માટે યજમાન સંસ્થા તરીકે ઇન્સ્ટિટ્યૂટ સેવા આપશે.

એઆઇસીટીઇના અધ્યક્ષ પ્રોફેસર ટી. જી. સીતારામ 21મી ઓગસ્ટ 2023ના રોજ વ્યક્તિગત હાજર રહી કાર્યક્રમનું ઉદ્દઘાટન કરશે.

આ સહયોગી પહેલનો ઉદ્દેશ શૈક્ષણિક આગેવાનોને અને વરિષ્ઠ ફેકલ્ટી સભ્યોને એઆઇ અને ડેટા સાયન્સની ઊંડી સમજ સાથે સશક્ત બનાવવાનો છે અને સાથે જ ઇમર્સિવ લર્નિંગ માટે એઆઇના સાધનોનો ઉપયોગ કરવાની નૈતિક બાબતો પર પણ ભાર મૂકશે. આ કાર્યક્રમમાં ફેકલ્ટી સહિત એઆઇસીટીઇના પસંદગીના 40 સભ્યોને સઘન તાલીમ આપવામાં આવશે.

“જિયો ઇન્સ્ટિટ્યૂટ સાથેની આ ભાગીદારી અત્યાધુનિક શિક્ષણને વિસ્તારવા માટેની અમારી પ્રતિબદ્ધતાનું ઉદાહરણ રજૂ કરે છે જે ભવિષ્યના પડકારો માટે અમારા ફેકલ્ટી સભ્યોને સજ્જ કરશે. તે અમારા શિક્ષકોને જટિલ શૈક્ષણિક પૃષ્ઠભૂમિની સમજ તૈયાર કરવા માટે જરૂરી કૌશલ્યો પૂરા પાડવામાં અમને સક્ષમ બનાવે છે, આમ શૈક્ષણિક શ્રેષ્ઠતા હાંસલ કરવા માટેના અમારા સંકલ્પને વધુ સઘન બનાવે છે,” તેમ એઆઇસીટીઇના અધ્યક્ષ પ્રોફેસર ટી.જી. સીતારામે જણાવ્યું હતું.

આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય અસરકારક શિક્ષણ અને શીખવાનું વાતાવરણ તૈયાર કરવા માટે સહભાગીઓને આંતરદૃષ્ટિથી સજ્જ કરવાનો છે, જે ખાસ કરીને એઆઇ-સંચાલિત માહિતી અને સંશોધનના વધતા વ્યાપને ધ્યાનમાં રાખતાં અત્યંત સુસંગત છે. ડેટા વિઝ્યુઅલાઈઝેશન, નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ, ટાઈમ સિરીઝ અને ઓપ્ટિમાઈઝેશન, એપ્લિકેશન્સ, જનરેટિવ એઆઈ અને લાર્જ લેંગ્વેજ મોડલ્સ સહિતના વિષયોની વિવિધ શ્રેણીનો સમાવેશ કરીને, આ અભ્યાસક્રમ વિજ્ઞાન, એન્જિનિયરિંગ, હેલ્થકેર અને લિબરલ આર્ટ્સ જેવા ક્ષેત્રોમાં એઆઇ અને ડેટા સાયન્સની દૂરગામી અસરોનો અભ્યાસ કરશે.

વધુમાં આ કાર્યક્રમ ટેક્નોલોજીના ક્ષેત્રમાં ઉભરતી તકોનો અભ્યાસ પણ કરશે.

આ કાર્યક્રમમાં વૈશ્વિક નિષ્ણાતો અને શિક્ષકો તેમનું યોગદાન આપશે. આ નિષ્ણાતોમાં જિયો ઇન્સ્ટિટ્યૂટના ડૉ. જી રવિચંદ્રન, ડૉ. રવિ ચિત્તૂર અને ડૉ. નિલય યાજ્ઞિક, તેમજ ડૉ. શૈલેષ કુમાર (એઆઇ સીઓઇ, જિયો), પ્રો. વિષ્ણુપ્રસાદ નાગદેવરા (ભૂતપૂર્વ ડીન, આઇઆઇએમ બેંગ્લોર), ડૉ. લેરી બર્નબૌમ (નોર્થ-વેસ્ટર્ન યુનિવર્સિટી યુએસએ), શ્રી જયેન ઠક્કર (ભૂતપૂર્વ ટેબ્લો અને આઇબીએમ) અને શ્રી પ્રસાદ જોશી (એઆઇ સીઓએ, જિયો) વિવિધ સત્રોનું નેતૃત્વ કરશે.

આ સહભાગિતા અંગે ઉત્સાહ વ્યક્ત કરતાં જિયો ઇન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર ડૉ. પલક શેઠે જણાવ્યું હતું કે, “જિયો ઇન્સ્ટિટ્યૂટમાં અમે શિક્ષણની સીમાઓને સતત આગળ વધારીને શૈક્ષણિક શ્રેષ્ઠતાને આગળ ધપાવવા માટે પ્રતિબદ્ધ છીએ. આ પ્રોગ્રામ એઆઇ અને ડેટા સાયન્સના જ્ઞાનથી આગળ જઈ રહ્યો છે, તે શિક્ષકોને તેમના વિદ્યાર્થીઓમાં નૈતિક જવાબદારીની ગહન ભાવના કેળવવા માટે સશક્ત બનાવે છે. અમે ભારતમાં શૈક્ષણિક ધોરણોને બહેતર બનાવવા માટે યોગદાન આપવા અત્યંત ઉત્સાહિત છીએ.”

આ કાર્યક્રમ 25 ઓગસ્ટે કળા અને વારસાના ક્ષેત્રમાં એઆઇની અસરો અંગે રસપ્રદ ચર્ચા સાથે સમાપ્ત થશે, ત્યારબાદ નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર અને દક્ષિણ મુંબઈમાં અન્ય નોંધપાત્ર હેરિટેજ સ્થળોની મુલાકાત લેવામાં આવશે.

Total Visiters :252 Total: 847160

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *