ચંદ્રયાન-3 આજે સાંજે 6.45 વાગે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડ કરશે

Spread the love

ચંદ્રની સપાટીનો વીડિયો આવ્યો સામે, ચંદ્રયાન-3ના લેન્ડિંગનું કાલે સાંજે 5.20 વાગ્યાથી લાઈવ પ્રસારણ
ઈસરોએ લેન્ડર ઈમેજર કેમેરા 4થી લીધેલી તસવીરો એક નાના વીડિયોના માધ્યમથી ટ્વીટ કરીને જાહેર કરી


નવી દિલ્હી
ભારતનું ચંદ્ર મિશન ચંદ્રયાન-3 હવે તેના અંતિમ તબક્કામાં છે. ઈસરોના વૈજ્ઞાનિકોની સાથે સાથે હવે દેશના લોકોના હૃદયના ધબકારા પણ વધી રહ્યા છે. આ દરમિયાન ઈસરોના ચેરમેન એસ સોમનાથે 23 ઓગસ્ટના રોજ સફળ સોફ્ટ-લેન્ડિંગનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
એસ સોમનાથે કહ્યું આ આત્મવિશ્વાસ લોન્ચ પહેલાની તમામ તૈયારીઓ અને ચંદ્રની યાત્રામાં સંકલિત મોડ્યુલ અને લેન્ડિંગ મોડ્યુલ દ્વારા કરવામાં આવેલી મુશ્કેલી-મુક્ત પ્રગતિથી આવ્યો છે. અમને વિશ્વાસ છે કારણ કે અત્યાર સુધી બધું બરાબર છે અને આ સમય સુધી કોઈ આકસ્મિક પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો નથી.
ઈસરોના ચેરમેને વધુમાં કહ્યું, ‘અમે તમામ તૈયારીઓ કરી લીધી છે અને આ તબક્કા સુધી તમામ સિસ્ટમોએ અમારી જરૂરિયાત મુજબ કામગીરી કરી છે. હવે અમે મલ્ટિપલ સિમ્યુલેશન, વેરિફિકેશન અને સિસ્ટમ્સની ડબલ વેરિફિકેશન સાથે લેન્ડિંગની તૈયારી કરી રહ્યા છીએ, સાધનોના સિસ્ટમની તપાસ કરવામાં આવી રહી છે.
હવે દુનિયાની નજર ચંદ્રયાન-3ના લેન્ડિંગ પર છે. કારણ કે રશિયાનું ચંદ્ર મિશન લુના-25 ચંદ્ર સાથે અથડાયા બાદ ક્રેશ થયું હતું. વર્ષ 2019 અને 2023 વચ્ચેના ચાર મૂન લેન્ડિંગ મિશનમાંથી ત્રણ નિષ્ફળ ગયા છે. ચીનના ચાંગ-ઈ-5 સિવાય, અન્ય તમામ – ઇઝરાયેલનું બેરેશીટ, જાપાનનું હાકુટો-આર, ભારતનું ચંદ્રયાન-2 અને હવે રશિયાનું લુના-25 – આ સમયગાળામાં લેન્ડિંગના પ્રયાસો નિષ્ફળ ગયા છે.
એસ સોમનાથે એ પણ પુષ્ટિ કરી કે ચંદ્રયાન-2ના ઓર્બિટર સાથે લેન્ડિંગ મોડ્યુલને જોડવાનું જટિલ કાર્ય પૂર્ણ થઈ ગયું છે. જે 2019થી ચંદ્રની પરિક્રમા કરી રહી રહ્યું છે. તેમણે કહ્યું, ‘ચંદ્રયાન-2 ઓર્બિટર સાથે લેન્ડરને જોડવાનું પરીક્ષણ અને ચકાસણી પૂર્ણ થઈ ગઈ છે’. ઈસરોએ પાછળથી જણાવ્યું કે આનાથી લેન્ડર અને ચંદ્રયાન-2 ઓર્બિટર વચ્ચે દ્વિ-માર્ગી સંચાર થઈ ગયો છે.
ચંદ્રયાન-3 લેન્ડર ચંદ્રની સપાટી પર લેન્ડીંગના એક દિવસ પહેલા ઇસરોએ જણાવ્યું હતું કે, ચંદ્રયાન-3 મિશન નિર્ધારિત સમય મુજબ આગળ વધી રહ્યું છે. સ્પેસ એજન્સીએ કહ્યું કે, ‘ઈસરો ટેલિમેટ્રી, ટ્રેકિંગ એન્ડ કમાન્ડ નેટવર્ક’ (ઈસટ્રેક)માં સ્થિત ‘મિશન ઓપરેશન્સ કોમ્પ્લેક્સ’માં ઉત્સાહનું વાતાવરણ છે. ભારતના ચંદ્ર પરના ત્રીજા મિશન વિશે નવીનતમ માહિતી આપતા ઈસરોએ કહ્યું કે ‘ મિશન સમયગાળા મુજબ આગળ વધી રહ્યું છે. સિસ્ટમનું નિયમિત ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. કામગીરી સરળતાથી ચાલી રહી છે.
ઈસરોએ જણાવ્યું કે, ચંદ્રયાન-3નું મોક્સ/ઈસ્ટ્રેક પરથી ચંદ્રની સપાટી પર લેન્ડિંગનું લાઇવ પ્રસારણ આવતી કાલે સાંજે 5.20 વાગ્યાથી શરૂ કરવામાં આવશે. લેન્ડર (વિક્રમ) અને રોવર (પ્રજ્ઞાન) નો સમાવેશ કરતું લેન્ડર મોડ્યુલ બુધવારે સાંજે 6.45 વાગ્યે ચંદ્રની સપાટીના દક્ષિણ ધ્રુવીય ક્ષેત્રની નજીક લેન્ડીંગ કરે તેવી અપેક્ષા છે. ચંદ્રયાનના લેન્ડરે લગભગ 70 કિલોમીટરનું અંતર કાપ્યું છે. લેન્ડર પોઝિશન ડિટેક્શન કેમેરા (એલપીડીસી)ની ઊંચાઈ પરથી ચંદ્રની કેટલીક તસવીરો મોકલવામાં આવી છે, જેને ઈસરો દ્વારા શેર કરવામાં આવી છે.
ભારતના ચંદ્રયાન-3ની 23 ઓગસ્ટે થનારી સોફ્ટ લેન્ડિંગ પહેલા તેના લેન્ડરમાં લાગેલા કેમેરાએ ચંદ્રની તસવીરો લીધી છે. ઈસરોએ લેન્ડર ઈમેજર કેમેરા 4થી લીધેલી તસવીરો એક નાના વીડિયોના માધ્યમથી ટ્વિટ કરીને જાહેર કરી છે. વીડિયોમાં ચંદ્રની સપાટી ઘણી પ્રકાશિત નજરે પડી રહી છે, જેમાં ઠેક ઠેકાણે ખાડા પણ જોવા મળી રહ્યા છે. ચંદ્રયાન-3 ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડ કરશે.

Total Visiters :122 Total: 1095832

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *