ચીને ભારત પાસેથી હજારો કિલોમીટર જમીન છીનવી લીધી છે, તે દુઃખદ છે કે મોદીએ તેના પર કહ્યું કે, ચીને એક ઇંચ પણ જમીન નથી છીનવી
લદાખ
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ લોકસભા ચૂંટણી 2024ને લઈને મોટો દાવો કર્યો છે. લદ્દાખમાં કાર્યકર્તાઓ સાથે વાતચીત દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું, હું તમને ખાતરી આપું છું કે અમે 2024માં બીજેપીને હરાવીશું. આ સાથે તેમણે એમ પણ કહ્યું કે, મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને તેલંગાણાની ચૂંટણી પણ જીતીશું.
રાહુલ ગાંધીએ કહ્યું કે, કેન્દ્ર સરકાર ચીનનું સંપૂર્ણ સત્ય કહી રહી નથી. લદ્દાખ એક વ્યૂહાત્મક સ્થળ છે. ચીને ભારત પાસેથી હજારો કિલોમીટર જમીન છીનવી લીધી છે. તે દુઃખદ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેના પર કહ્યું કે, ચીને એક ઇંચ પણ જમીન નથી છીનવી. વડાપ્રધાન આ મુદ્દે સાચું બોલી રહ્યા નથી તે ખૂબ દુઃખદ વાત છે. લદ્દાખનો દરેક વ્યક્તિ જાણે છે કે ચીને લદ્દાખની જમીન લઈ લીધી છે.
તેમણે વધુમાં કહ્યું કે, જ્યારે પણ સરહદ પર યુદ્ધ થયું છે ત્યારે લદ્દાખના લોકોએ ભારત સાથે મળીને બહાદુરીથી તેનો સામનો કર્યો છે. તેમની મુલાકાત દરમિયાન, તેમણે લદ્દાખના લોકોની સમસ્યાઓ અને તેમની વાસ્તવિક સમસ્યાઓને સમજવાનો પ્રયાસ કર્યો. તેમણે કહ્યું કે દેશના વિવિધ ભાગોમાંથી મજૂરો કામ કરવા માટે લદ્દાખ પહોંચે છે. જ્યારે તેમણે તેમને પૂછ્યું તો તેઓએ કહ્યું કે, લદ્દાખ પણ તેમનું બીજું ઘર છે. લદ્દાખના લોકોના કારણે જ આ શક્ય બન્યું છે. રાહુલે લદ્દાખના લોકોના જોરદાર વખાણ કર્યા. એ પણ કહ્યું કે, પ્રેમ લદ્દાખના લોકોના ડીએનએમાં છે.
રાહુલ ગાંધી લદ્દાખના પ્રવાસે છે. આ દરમિયાન તે વિવિધ વિસ્તારોમાં લોકોને મળી રહ્યો છે. આવી જ એક મીટીંગ દરમિયાન તેઓ યુવાનો સાથે વાત કરી રહ્યા હતા ત્યારે એક યુવકે તેમને પ્રશ્ન પૂછ્યો કે, ભાજપને કેવી રીતે હરાવશો? તેના પર રાહુલ ગાંધીએ કહ્યું કે, તમારે એવું ન વિચારવું જોઈએ કે કોંગ્રેસ પાર્ટી બીજેપી સાથે સ્પર્ધા કરી શકે તેમ નથી. હું તમને ખાતરી આપું છું કે 2024માં અમે ભાજપને હરાવીશું.