સુપ્રીમ કોર્ટે કહ્યું કે, શું સજા બાદ પ્રેક્ટિસનું લાયસન્સ આપી શકાય? વકીલાતને ઉમદા વ્યવસાય ગણવામાં આવે છે
નવી દિલ્હી
2002 ગુજરાત રમખાણો સંબંધિત બિલકિસ બાનો કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે બાર કાઉન્સીલ પર કડક વલણ દાખવ્યું હતું. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોને પાના આશ્ચર્ય થયું જ્યારે સુનાવણી દરમિયાન સરકારી વકીલ દ્વારા કહેવામાં આવ્યું કે બિલ્કીસ બાનો ગેંગરેપ કેસના દોષિતોમાંનો એક સમય પહેલા જેલમુક્તિ પછી ગુજરાતમાં કાયદાની પ્રેક્ટિસ કરી રહ્યો છે. સુપ્રીમ કોર્ટે બાર કાઉન્સિલને ફટકારતા કહ્યું કે ‘વકાલતને ઉમદા વ્યવસાય માનવામાં આવે છે, એક દોષિતને તમે વકીલાત કરવાની મંજુરી કઈ રીતે આપી શકો!’
સામુહિક બળાત્કાર અને હત્યાનો દોષિત ઠરેલો માણસ જેલમાંથી છૂટીને વકીલાત કરી રહ્યો છે, એ વાત કોર્ટના ધ્યાન પર ત્યારે આવી જ્યારે એડવોકેટ ઋષિ મલ્હોત્રાએ સમય પહેલા છૂટેલા 11 દોષિતોમાંના એક રાધેશ્યામ શાહને આપવામાં આવેલી જેલમાફીનો બચાવ કરતા જસ્ટિસ બી.વી. નગરરત્ન અને ન્યાયમૂર્તિ ઉજ્જવલ ભુઈયાને જણાવ્યું હતું કે, ‘તેમના અસીલે 15 વર્ષથી વધુની સજા ભોગવી હતી અને રાજ્ય સરકારે તેમના વર્તનની નોંધ લઈને તેમને રાહત આપી હતી. આજે લગભગ 1 વર્ષ વીતી ગયું છે અને મારા અસીલ સામે એક પણ કેસ આવ્યો નથી. તે મોટર એક્સિડન્ટ્સ ક્લેમ્સ ટ્રિબ્યુનલમાં વકીલ છે. સજા પહેલા તે વકીલ હતો અને તેણે ફરીથી પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે.’
આ અંગે ખેદ વ્યક્ત કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે, શું સજા બાદ પ્રેક્ટિસનું લાયસન્સ આપી શકાય? વકીલાતને ઉમદા વ્યવસાય ગણવામાં આવે છે. બાર કાઉન્સિલ (ઓફ ઈન્ડિયા) એ જણાવવું જોઈએ કે શું દોષિત કાયદાની પ્રેક્ટિસ કરી શકે છે! તમારા અસીલ દોષિત છે, તેમાં કોઈ શંકા નથી. તેણે આપવામાં આવેલી છૂટને કારણે તે જેલની બહાર છે. યાદ રહે, માત્ર સજા ઓછી થાય છે, પરંતુ તે દોષિત જ છે’
આના પર દોષિતના વકીલે કહ્યું, ‘હું આ વિશે ચોક્કસ કહી શકતો નથી. એડવોકેટ્સ એક્ટની કલમ 24A જણાવે છે કે નૈતિક અધમતા સાથે જોડાયેલા ગુના માટે દોષિત ઠરેલી વ્યક્તિની એડવોકેટ તરીકે નોંધણી કરી શકાતી નથી. (બાર કાઉન્સિલમાં) નોંધણી માટેની અયોગ્યતા તેની મુક્તિની તારીખથી 2 વર્ષનો સમયગાળો વીતી ગયા પછી અથવા (કેસ) છોડી દેવા અથવા દૂર કર્યા પછી અમલમાં રહેશે નહીં.’
ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકારે ગયા વર્ષે ઓગસ્ટમાં 2002ના ગુજરાત રમખાણો દરમિયાન બિલકિસ બાનો પર ગેંગ રેપ કેસ અને તેના પરિવારના સભ્યોની હત્યાના કેસમાં 11 દોષિતોને મુક્ત કર્યા હતા. સરકારે 1992ની પોલિસીના આધારે દોષિતોને જેલમુક્ત કર્યા હતા 2014માં અપનાવવામાં આવેલી નીતિના આધારે નહીં જે ગાલ લાગુ પડે છે. 2014ની નીતિ મુજબ સીબીઆઈ દ્વારા તપાસ કરાયેલા ગુનાઓ માટે રાજ્ય સરકાર મુક્તિ આપી શકાતી નથી.