ઈસરો મેક ઈન ઈન્ડિયાને ચંદ્ર પર લઈ ગયુઃ નરેન્દ્ર મોદી

Spread the love

મોદીએ ચંદ્રયાન-3 મિશનનું લેન્ડર જ્યાં ઉતર્યું હતું તે જગ્યાને ‘શિવ શક્તિ’ નામ આપ્યું, 23 ઓગસ્ટનો દિવસ હવે ‘નેશનલ સ્પેસ ડે’ તરીકે ઉજવવાની જાહેરાત


બેંગલુરૂ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે બેંગલુરૂમાં ઈસરોના વૈજ્ઞાનિકોને મળ્યા હતા અને ચંદ્રયાન-3 મિશનની સફળતા માટે તેમને અભિનંદન પાઠવ્યા હતા. ઈસરોના ચેરમેન એસ સોમનાથ વ્યક્તિગત રીતે વડાપ્રધાન મોદીને આવકારવા માટે ગયા હતા. વડાપ્રધાને સોમનાથની પીઠ થપથપાવી હતી અને બાદમાં તેમને ગળે લગાડ્યા હતા. વડાપ્રધાન મોદીએ બાદમાં ઈસરોના વૈજ્ઞાનિકોને સંબોધિત કર્યા હતા અને આ દરમિયાન તેઓ ભાવુક પણ બન્યા હતા. તેમણે ચંદ્રયાન-3ની ટીમની પ્રતિબદ્ધતા અને પ્રયાસો માટે તેમની પ્રશંસા કરી હતી.
આ સાથે જ વડાપ્રધાન મોદીએ ચંદ્રયાન-3 મિશનનું લેન્ડર જ્યાં ઉતર્યું હતું તે જગ્યાને ‘શિવ શક્તિ’ નામ આપ્યું હતું. આ સાથે જ તેમણે તે પણ જાહેરાત કરી હતી કે 23 ઓગસ્ટનો દિવસ હવે ‘નેશનલ સ્પેસ ડે’ તરીકે ઉજવવામાં આવશે. ઈસરોના વૈજ્ઞાનિકોને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, આજે હું એક અલગ જ ખુશીની લાગણી અનુભવી રહ્યો છું કેમ કે આવો પ્રસંગ ક્યારેક જ આવતો હોય છે. આ વખતે હું સાઉથ આફ્રિકામાં હતો પરંતુ મારૂં મન તમારી સાથે હતું. હું તમને શક્ય તેટલી જલદી મળવા ઈચ્છતો હતો. હું તમને સલામ કરું છું, તમારા પ્રયાસોને સલામ કરું છું. તમે મેક ઈન ઈન્ડિયાને ચંદ્ર પર લઈ ગયા છો.
તમે ભારતને જે ઊંચાઈએ લઈ ગયો છો તે કોઈ સામાન્ય ઊંચાઈ નથી, આ કોઈ સાધારણ સફળતા નથી. હવે ભારત ચંદ્ર પર છે. આપણે આપણા દેશનો ગર્વ ચંદ્ર પર લઈ ગયા છીએ. આપણે ત્યાં ગયા છીએ જ્યાં કોઈ જઈ શક્યું નથી. આપણે તે કરી દેખાડ્યું છે જે અગાઉ કોઈ કરી શક્યું નથી, તેમ વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું. નોંધનીય છે કે ભારત પહેલા રશિયા, અમેરિકા અને ચીન ચંદ્ર પર પહોંચી ચૂક્યા છે પરંતુ ભારત ચંદ્રના સાઉથ પોલ એટલે કે દક્ષિમ ધ્રુવ પર પહોંચનારો પ્રથમ દેશ બન્યો છે.
વડાપ્રધાન મોદીએ તે પણ જાહેરાત કરી હતી કે 2019માં ચંદ્ર પર જ્યાં ચંદ્રયાન-2એ પોતાની છાપ છોડી હતી તે પોઈન્ટને ‘તિરંગા’ કહેવામાં આવશે. અગાઉ 2019માં ભારતે ચંદ્રયાન-2 મિશન દ્વારા ચંદ્રના સાઉથ પોલ પર લેન્ડિગં કરવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે 6 સપ્ટેમ્બર 2019ના રોજ વડાપ્રધાન મોદી બેંગલોરના ઈસરો સેન્ટર ખાતે હાજર રહ્યા હતા. ત્યારે ચંદ્રયાન-2 મિશનનું લેન્ડર વિક્રમ લેન્ડ કરવાનું હતું તેની થોડી મિનિટો પહેલા જ ઈસરોનો સ્પેસક્રાફ્ટ સાથેનો સંપર્ક તૂટી ગયો હતો.
આજે ટ્રેડથી લઈને ટેક્નોલોજી સુધી ભારતની ગણના હવે પ્રથમ હરોળ (ફર્સ્ટ રો)ના દેશોમાં થાય છે. ‘થર્ડ રો’ (ત્રીજી હરોળ)થી ‘ફર્સ્ટ રો’ (પ્રથમ હરોળ) સુધીની ભારતની સફળ જર્નીમાં ‘ઈસરો’ જેવી સંસ્થાઓએ મોટી ભૂમિકા ભજવી છે. નોંધનીય છે કે ભારત ચંદ્ર પર પહોંચનારો વિશ્વનો ચોથો દેશ બની ગયો છે. ભારત અગાઉ છેલ્લે 2020માં ચીને ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કર્યું હતું.

Total Visiters :117 Total: 1094681

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *