ભાજપનો દાવો છે કે દિલ્હીને શણગારવાનું કામ કેન્દ્ર સરકારના ફંડથી કરાયું છે, તેના પર આપ દ્વારા તીખા પ્રહાર કરાયા
નવી દિલ્હી
આગામી મહિને યોજાનાર ત્રણ દિવસના જી-20 શિખર સંમેલન પૂર્વે દિલ્હીને શણગારવા મુદ્દે ભાજપ (ભાજપ) અને આમ આદમી પાર્ટી (આપ) વચ્ચે ઘમસાણ શરૂ થઈ ગયું છે. ભાજપનો દાવો છે કે દિલ્હીને શણગારવાનું કામ કેન્દ્ર સરકારના ફંડથી કરાયું છે. તેના પર આપ દ્વારા તીખા પ્રહાર કરાયા હતા.
ભાજપે આ વિવાદ વચ્ચે આમ આદમી પાર્ટીને પડકારતાં કહ્યું કે તમે એવી એક પણ યોજનાનું નામ જણાવી દો જેને આમ આદમી પાર્ટીની સરકાર દ્વારા ફન્ડિંગ કરવામાં આવ્યું હોય. બીજી બાજુ આમ આદમી પાર્ટીએ તેના સત્તાવાર નિવેદનમાં કહ્યું છે કે ભાજપ રાજકારણની ગંદી રમત રમી રહ્યો છે.
ભાજપે આ મુદ્દે આપને ઘેરતાં કહ્યું કે જી-20 માટે દિલ્હીનું મેકઓવર કેન્દ્ર સરકારના ફંડથી કરાયું છે અને તેમના મંત્રીઓ શ્રેય લેવાનો પ્રયાસ કરી રહ્યા છે જે શરમજનક છે. જ્યારે ભાજપના દાવા સામે આપે એક સત્તાવાર નિવેદનમાં કહ્યું કે અચરજ થાય છે કે ભાજપે આમ આદમી પાર્ટીએ કરેલા કાર્યોને પણ પોતાના બતાવવા પડી રહ્યા છે. દિલ્હીમાં પીડબ્લ્યૂડીના માર્ગો સંબંધિત કામનો ખર્ચ દિલ્હી સરકારના પીડબ્લ્યૂડી વિભાગે ઉપાડ્યો હતો. એમસીડીના માર્ગોનો ખર્ચ એમસીડીએ ઉઠાવ્યો છે. ફક્ત એનડીએમસી અને એનએચએઆઈના માર્ગો સંબંધિત કામકામજ જ કેન્દ્રના ખર્ચે થયા છે. આ પ્રકારની રાજનીતિથી દેશનું ભલું થવાનું નથી.