આપણા ગઠબંધનનો પાયો જેટલો મજબૂત થશે તેટલો જ એજન્સીઓનો દુરુપયોગ ભાજપ તરફથી વધી જશેઃ કોંગ્રેસ અધ્યક્ષના પ્રહાર
મુંબઈ
મુંબઈમાં વિપક્ષી ગઠબંધન ઈન્ડિયાની બેઠક ચાલી રહી છે. તેમાં 28 જેટલા પક્ષો સામેલ થયા છે. આ દરમિયાન બેઠકના બીજા દિવસે કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાઅર્જુન ખડગેએ કહ્યું કે આગામી અમુક મહિનાઓમાં આપણા પર રેડ અને ધરપકડની ઘટનાઓ વધી જશે. તેમણે કહ્યું કે આપણે સૌએ તેના માટે તૈયાર રહેવું જોઈએ.
મલ્લિકાઅર્જુન ખડગેએ કહ્યું કે આ સરકાર બદલાની રાજનીતિ કરી રહી છે. એટલા માટે આપણા પર દરોડા પાડે છે અને લોકોની ધરપકડ કરાઈ રહી છે. વડાપ્રધાન સતત આપણી સામે એટેક કરી રહ્યા છે એ જ આપણી સફળતાનો પુરાવો છે. આપણે આવનારા મહિનાઓમાં નવા હુમલાઓ માટે તૈયાર રહેવું પડશે.
ખડગેએ તમામ પક્ષોને કહ્યું કે આપણા ગઠબંધનનો પાયો જેટલો મજબૂત થશે તેટલો જ એજન્સીઓનો દુરુપયોગ ભાજપ તરફથી વધી જશે. આ લોકોએ મહારાષ્ટ્ર, રાજસ્થાન અને બંગાળમાં પણ આવું જ કર્યું હતું. ગત અઠવાડિયો તેમણે ઝારખંડ અને છત્તીસગઢમાં પણ આવું જ કરવાની શરૂઆત કરી હતી.