વેદાંતા ગ્રૂપે પર્યાવરણના મુખ્ય નિયમોને નબળાં કરવા માટે ગુપ્ત લોબિંગ કરી હતી

Spread the love

ઓસીસીઆરપીના નવા રિપોર્ટમાં દાવો કરાયો છે કે ભારત સરકારે પબ્લિક કન્સલ્ટેશન વગર જ માઈનિંગ સંબંધિત સુધારાઓને મંજૂરી આપી દીધી હતી


નવી દિલ્હી
ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એન્ડ કરપ્શન રિપોર્ટિંગ પ્રોજેક્ટ્સ (ઓસીસીઆરપી) ના રિપોર્ટે અદાણી ગ્રૂપ બાદ અનિલ અગ્રવાલના નેતૃત્વ હેઠળના વેદાંતા ગ્રૂપ સામે ગંભીર આરોપો મૂક્યા છે. તાજેતરના રિપોર્ટમાં ઓસીસીઆરપીએ દાવો કર્યો હતો કે કોરોના મહામારી દરમિયાન વેદાંતા ગ્રૂપે પર્યાવરણના મુખ્ય નિયમોને નબળાં કરવા માટે ગુપ્ત લોબિંગ કરી હતી.
ઓસીસીઆરપીના નવા રિપોર્ટમાં દાવો કરાયો છે કે ભારત સરકારે પબ્લિક કન્સલ્ટેશન વગર જ માઈનિંગ સંબંધિત સુધારાઓને મંજૂરી આપી દીધી હતી. નિષ્ણાતો અનુસાર આ સુધારા ગેરકાયદે રીતે લાગુ કરાયા હતા. ઓસીસીઆરપીએ કહ્યું કે જાન્યુઆરી 2021માં વેદાંતા સમૂહના ચેરમેન અનિલ અગ્રવાલે પૂર્વ પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરને કહ્યું હતું કે સરકાર માઈનિંગ કંપનીઓને નવી પર્યાવરણીય મંજૂરી વગર જ ઉત્પાદનને 50% સુધી વધારવાની મંજૂરી આપી શકે છે. તેનાથી સરકાર ભારતના આર્થિક સુધારામાં ગતિ લાવી શકે છે.
જ્યોર્જ સોરોસ સમર્થિત ઓસીસીઆરપીએ દાવો કર્યો હતો કે વેદાંતાના ઓઈલ બિઝનેસ કેયર્ન ઈન્ડિયાએ પણ સરકારી હરાજીમાં જીતેલા ઓઈલ બ્લૉકમાં સંશોધન હેતુથી કરાતી ડ્રીલિંગ માટે જાહેર સુનાવણીને રદ કરવાની સફળતાપૂર્વક તરફેણ કરી હતી. ઓસીસીઆરપીના રિપોર્ટમાં દાવો કરાયો છે કે ત્યારથી રાજસ્થાનમાં કેયર્સના છ વિવાદિત ઓઈલ પ્રોજેક્ટ્સને સ્થાનિક વિરોધ છતાં મંજૂરી અપાઈ હતી. ઓસીસીઆરપીએ આ દાવો ઈન્ફર્મેશન રિક્વેસ્ટની સ્વતંત્રતાનો ઉપયોગ કરી પ્રાપ્ત કરેલા હજારો ભારતીય સરકારી દસ્તાવેજોના વિશ્લેષણ પરથી કર્યો છે. આ દસ્તાવેજોમાં ઈન્ટરનલ આવેદનો, બંદ બારણે યોજાયેલી બેઠકના મિનટ્સ અને વેદાંતાના ચેરમેન અનિલ અગ્રવાલના પત્રો પણ સામેલ છે.
ઓસીસીઆરપીએ રિપોર્ટમાં દાવો કર્યો છે કે જાન્યુઆરી 2021માં અનિલ અગ્રવાલે તત્કાલીન પર્યાવરણમંત્રી પ્રકાશ જાવડેકરને એક પત્ર લખ્યો હતો જેમાં કહ્યું હતું કે સરકાર માઈનિંગ કંપનીઓને નવી પર્યાવરણ મંજૂરીને સુરક્ષિત કર્યા વિના ઉત્પાદનને 50 ટકા સુધી વધારવાની મંજૂરી આપી ભારતના આર્થિક સુધારાને ગતિ આપી શકે છે. ઉત્પાદન અને આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવા ઉપરાંત તે સરકાર માટે ભારતે મહેસૂલી આવક લાવશે અને મોટાપાયે નોકરીઓનું સર્જન કરશે. અગ્રવાલે સુચન કર્યું હતું કે ફેરફાર એક સાધારણ નોટિફિકેશનની મદદથી કરી શકાય છે.
અનિલ અગ્રવાલ દ્વારા પ્રકાશ જાવડેકરને લખેલા પત્રના બે અઠવાડિયા પછી, પર્યાવરણ મંત્રાલયને ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી લોબી ગ્રુપના વડા તરફથી એક પત્ર મળ્યો, જેમાં આવી જ વિનંતી કરવામાં આવી હતી. બંનેએ જણાવ્યું કે સરકારે થોડા વર્ષો પહેલા કોલસાની ખાણો માટે આ કામ કર્યું હતું. તેથી અન્ય પ્રકારના ખાણકામ માટે નિયમો લાગુ કરવા એ એક સરળ બાબત છે. અહેવાલમાં જણાવાયું છે કે પ્રકાશ જાવડેકરે ઝડપથી પત્ર લખ્યો અને તેમના મંત્રાલયના સચિવ અને ફોરેસ્ટ્રીના મહાનિર્દેશકને નીતિ વિષયક ચર્ચા કરવા નિર્દેશ આપ્યો.
જૂનમાં, વેદાંતના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (સીઈઓ) સુનીલ દુગ્ગલે પીએમ નરેન્દ્ર મોદીને સીધો પત્ર લખીને દલીલ કરી હતી કે તેઓ પર્યાવરણીય મંજૂરી આપવાની વર્તમાન પદ્ધતિઓને રદ કરીને ‘તત્કાલ આર્થિક એન્જિનને પુનર્જીવિત’ કરી શકે છે. તેમણે વચન આપ્યું હતું કે આનાથી માત્ર વિકાસને વેગ મળશે સાથે રોજગારીનું સર્જન થશે અને દેશના ‘પછાત’ વિસ્તારોમાં ‘ગરીબી ઘટાડવા’માં મદદ મળશે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પીએમઓએ આ પત્ર પર્યાવરણ સચિવને મોકલ્યો, જેઓ પહેલાથી જ આ મુદ્દે ચર્ચા કરવા માટે કામ કરી રહ્યા હતા. પરંતુ ઓસીસીઆરપી રિપોર્ટમાં જણાવાયું છે કે આ વિચારને આંતરિક વિરોધનો સામનો કરવો પડ્યો હતો. અહેવાલમાં જણાવાયું છે કે, ભારતના પર્યાવરણ મંત્રાલયે 2022 ની શરૂઆતમાં બંધ બારણાની શ્રેણીબદ્ધ બેઠકો પછી માઈનિંગ કંપનીઓને ‘જાહેર સુનાવણી કર્યા વિના’ ઉત્પાદનમાં 50 ટકા સુધી વધારો કરવાની મંજૂરી આપવા માટે નિયમો હળવા કર્યા હતા.
જુલાઈમાં યોજાયેલી મીટિંગની વિગતો દર્શાવે છે કે અધિકારીઓને ડર હતો કે નિયમો હળવા કરવાથી કાયદાનું ઉલ્લંઘન થશે અને પર્યાવરણીય રીતે સંવેદનશીલ વિસ્તારોમાં અનિયંત્રિત માઈનિંગને છુટ્ટો હાથ મળી જશે. મંત્રાલયના અધિકારીઓ અને માઈનિંગ નિષ્ણાતોની બનેલી સંયુક્ત નિષ્ણાત મૂલ્યાંકન સમિતિની આંતરિક બેઠકમાં આ બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. મીટીંગમાં જણાવાયું હતું કે ખાણકામના ઉત્પાદનમાં કોઈપણ વધારા માટે અમુક પ્રકારના જાહેર પરામર્શની જરૂર પડશે. ઑક્ટોબરમાં પર્યાવરણ મંત્રાલયે જાહેર સુનાવણી વિના ખાણોને માત્ર 20 ટકા ઉત્પાદન વધારવાની મંજૂરી આપતા મેમોરેન્ડમ પ્રકાશિત કર્યા હતા. ત્યારબાદ મંત્રાલયની કમાન વર્તમાન પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવના હાથમાં આવી. પરંતુ આ ખાણકામની પરવાનગી અનિલ અગ્રવાલ અને ઉદ્યોગ લોબી જૂથની માંગ કરતાં અડધા કરતાં પણ ઓછી હતી.
પરંતુ આ મુદ્દો ફરીથી ચર્ચામાં આવ્યો જ્યારે કેબિનેટ સચિવ રાજીવ ગૌબાએ સરકારી લાલ ફીતાશાહી ઘટાડવા માટે આંતરિક પ્રયાસો કર્યા. રાજીવ ગૌબા સીધા પીએમ મોદીને રિપોર્ટ કરે છે. અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે ઉદ્યોગ લોબી જૂથના વડા અને ભારતના માઈનિંગ સચિવે પણ નિયમોમાં છૂટછાટ માટે દબાણ કર્યું હતું. પરંતુ આંતરિક દસ્તાવેજો અને સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે વેદાંતા લોબિંગ કરવામાં અગ્રેસર રહી હતી. ત્યારબાદ પર્યાવરણ મંત્રાલયે તેની વેબસાઈટ પર ઓફિસ મેમોરેન્ડમ પ્રકાશિત કરીને નિયમોમાં ફેરફાર કર્યો, જેનો ઉપયોગ આંતરિક ઓફિસ કોમ્યુનિકેશન માટે થવાનો હતો.

Total Visiters :121 Total: 711478

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *