એશિયા કપઃ પાકિસ્તાનના પેસર સામે ભારતીય ટોપ ઓર્ડરની શરણાગતિ

Spread the love

ઈશાન-હાર્દિકની અડધી સદીઓની મદદથી ભારતના 266 રન

ભારતે વરસાદગ્રસ્ત મેચમાં ટોસ જીતીને પહેલા બેટિંગ કરી, શાહિન આફ્રિદીની ચાર, નસીમ અને રઉફની ત્રણ-ત્રણ વિકેટ

પલ્લેકલ્લે

એશિયા કપની ભારતે તેના કટ્ટ્રર પ્રતિસ્પર્ધી પાકિસ્તાન સામેની પહેલી મેચમાં 267 રનનો પડકાર મૂક્યો છે. વરસાદને લીધે થોડા સમય માટે ખોરવાયેલી મેચમાં પાકિસ્તાની પેસ બોલર્સના દબદબા સામે ભારતીય ટોપ ઓર્ડર સંઘર્ષ કરતા જોવાયો પણ ઈશાન કિશનના 81 બોલમાં 82 અને હાર્દિક પંડ્યાના 90 બોલમાં 87 રનની મદદથી ભારતે જોરદાર વળતી લડત આપતા 266 રન બનાવ્યા હતા. ભારતની ઈનિંગ્સ જસપ્રિત બુમરાહ (16)ની વિકેટ સાથે પૂરી થઈ હતી એ સમયે ઈનિંગ્સના માત્ર સાત બોલ બાકી હતા.

 ભારતીય સુકાની રોહિત શર્માએ ટોસ જીતીને પહેલા બેટિંગનો નિર્ણય કર્યો હતો જોકે, વરસાદને લીધે પાકિસ્તાનના પેસ બોલર્સ ભારતીય ટોપ ઓર્ડર પર હાવી થઈ ગયા હતા અને ભારતે તેની ચાર વિકેટ માત્ર 66 રનમાં ગુમાવી હતી. ઈશાન અને હાર્દિકે મક્કમતાપૂર્વ ઈનિંગ્સ સંભાળતા પાંચમી વિકેટની ભાગીદારીમાં 138 રનની મહત્વપૂર્ણ ભાગીદારી સાથે ભારત તરફથી લડત આપી હતી. ઈશાને તેની નવ બાઉન્ડ્રી બે સિક્સર જ્યારે હાર્દિકે તેની ઈનિંગ્સમાં સાત બાઉન્ડ્રી અને એક સિક્સર ફટકારી હતી. હરીશ રઉફે ઈશાનને બાબર આઝમના હાથમાં ઝિલાવીને આ ભાગીદારી તોડી હતી. એ પછી ભારત તરફથી અન્ય કોઈ પૂંછડિયો ખેલાડી મોટો સ્કોર કરી શક્યો નહતો જસપ્રિત બુમરાહે 16 જ્યારે રવિન્દ્ર જાડેજાએ 14 રનનું યોગદાન આપ્યું હતું. પાકિસ્તાન માટે શાહિન શાહ અફ્રિદી સૌથી સફળ બોલર રહ્યો હતો તેણે તેની 10 ઓવરના સ્પેલમાં 35 રન આપીને ચાર વિકેટ ઝડપી હતી. તેણે રોહિત, વિરાટ, હાર્દિક અને જાડેજા જેવા સ્ટાર બેટસમેનોને આઉટ કર્યા હતા જ્યારે નસીમ શાહ અને હરીશ રઉફે ત્રણ-ત્રણ વિકેટ લઈને ભારતની મુશ્કેલી વધારી હતી. હવામાનને જોતા ભારતનો આ સ્કોર પાકિસ્તાન માટે પડકારજનક બની રહે એવી શક્યતા છે.

Total Visiters :101 Total: 1093307

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *