મંત્રાલય પર ભ્રષ્ટાચારના પણ ભારે આક્ષેપો થયા છે, જેના કારણે જેલન્સ્કીએ સંરક્ષણમંત્રીને હટાવવાની જાહેરાત કરી હોવાનું મનાઈ રહ્યું છે
કીવ
રશિયા સાથેના યુધ્ધના 550 દિવસ બાદ યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સ્કીએ સંરક્ષણ મંત્રી ઓલેસ્કી રેઝનિકોવની હકાલપટ્ટી કરવાની જાહેરાત કરીને દુનિયાને આંચકો આપ્યો છે.
જેલેન્સ્કીએ ગઈકાલે રાત્રે એક વિડિયો જાહેર કરીને કહ્યુ હતુ કે, હું ઓલેક્સીને સંરક્ષણ મંત્રી પદેથી હટાવવાનો છું. આ સપ્તાહમાં હું સંસદને અપીલ કરીશ કે તેમની જગ્યાએ રુસ્તમ ઉમરોવને નવા સંરક્ષણ મંત્રી તરીકે નિયુક્ત કરે.
ઓલેસ્કી 2021થી યુક્રેનના સંરક્ષણ મંત્રી છે.આ દરમિયાન તેમણે પશ્ચિમના દેશો પાસેથી અબજો ડોલરની સૈન્ય સહાયતા મેળવવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો. જોકે તેમના મંત્રાલય પર ભ્રષ્ટાચારના પણ ભારે આક્ષેપો થયા છે. જેના કારણે જેલન્સ્કીએ તેમને હટાવવાની જાહેરાત કરી હોવાનુ મનાઈ રહ્યુ છે.
જેલેન્સ્કીએ કહ્યુ હતુ કે, મેં યુક્રેનના સંરક્ષણ મંત્રીને બદલવાનો નિર્ણય લીધો છે. ઓલેક્સી 550 દિવસથી ચાલી રહેલા યુધ્ધમાંથી તમામ રીતે ખરા ઉતર્યા છે. મને લાગે છે કે, સંરક્ષણ મંત્રાલયને સેના અને લોકો સાથે વાતચીત કરવા માટે નવા દ્રષ્ટિકોણની જરુર છે.
નવા સંરક્ષણ મંત્રી તરીકે જેમની નિયુક્ત જેલેન્સ્કી કરવા માંગે છે તે રુસ્તમ ઉમરોવ દેશના ખજાનાનો હવાલો સંભાળે છે. યુધ્ધ વચ્ચે બ્લેક સી અનાજ ડીલ પરની વાતચીતમાં તેમનો અગત્યનો રોલ હતો. રુસ્તમ ઉમરોવ જે રીતે દેશની તિજોરીને સંભાળી રહ્યા છે તેને લઈને લોકો તેમની પ્રશંસા કરી રહ્યા છે.
બીજી તરફ અમેરિકા તરફથી યુક્રેનને એફ-16 વિમાનો અપાવવામાં રેજનિકોવે સફળતા મેળવી છે. રેજનિકોવના યુક્રેનના મિત્ર દેશો સાથે મજબૂત સંપર્કો છે. દેશના એક સાંસદે તો તેમને બ્રિટનમાં યુક્રેનના રાજદૂત તરીકે નિયુકત કરવાની સલાહ આપી છે.