નરાધમોએ સામુહિક દુષ્કર્મ બાદ સ્ક્રુડ્રાઇવર વડે મહિલાની હત્યા કરી હતી, આ પછી મહિલાના બંને બાળકોની પણ હત્યા કરી અને ઘરમાં લૂંટ કરી હતી
નવી દિલ્હી
દિલ્હીમાં માણસની હેવાનિયતને પાર કરતી એક ઘટના સામે આવી છે. 8 વર્ષ પહેલા રઘુબીર નગરમાં એક મહિલા સાથે સામુહિક દુષ્કર્મ ઉપરાંત બે બાળકોની હત્યાના કેસમાં દિલ્હી કોર્ટે ત્રણ લોકોને મોતની સજા ફટકારી છે. નરાધમોએ સામુહિક દુષ્કર્મ બાદ સ્ક્રુડ્રાઇવર વડે મહિલાની હત્યા કરી હતી. આ પછી મહિલાના બંને બાળકોની પણ હત્યા કરી અને ઘરમાં લૂંટ કરી હતી.
આ સામુહિક દુષ્કર્મ અને ટ્રિપલ મર્ડરનો મામલો ખ્યાલા પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. મહિલા અને તેના બંને બાળકો દિલ્હીના રઘુબીર નગરમાં પોતાના ઘરમાં બીજા માળે મૃત હાલતમાં મળી આવ્યા હતા. આ મામલે મહિલાના પતિએ વર્ષ 2015માં કેસ નોંધાવ્યો હતો. આ દુષ્કર્મ અને હત્યાના મામલામાં એક સગીર સહિત ચાર લોકો સામેલ હતા. તીસ હજારી અદાલતની સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટની જજ આંચલે ત્રણ હત્યારાઓને આ જઘન્ય અપરાધ માટે ફાંસીની સજા કરી છે. કોર્ટે ત્રણેય દોષીઓ પર 35-35 હજાર રૂપિયા દંડ પણ ફટકાર્યો છે.
કોર્ટે પોલીસ દ્વારા આ મામલાની યોગ્ય તપાસ અને હત્યારાઓ પાસેથી મળેલા પુરાવાઓને મહત્વનું આધાર ગણાવ્યું છે. કોર્ટે કહ્યું કે, આ પણ સાબિત થઇ ચુક્યું છે કે ત્રણેય આરોપીઓએ આ મામલે કાવતરું ઘડ્યું હતું. કોર્ટે વધુમાં કહ્યું કે, કોલ રેકોર્ડિંગ અને નિવેદનો આ સાબિત કરે છે ઘટનાની તારીખ પહેલા પણ ત્રણેય દોષીઓ વચ્ચે કાવતરું ઘડવામાં આવ્યું હતું.