ઈસ્કોન બ્રિજ અકસ્માત કરનારી જેગુઆર કારને કોર્ટે જામીન આપ્યા

Spread the love

તથ્ય પટેલ જે જેગુઆર કાર ચલાવતો હતો તેનો મુળ માલિક ક્રિશ વારીયા છે, અકસ્માત બાદ ગાડીને તપાસ એજન્સીઓ દ્વારા જપ્ત કરવામાં આવી હતી


અમદાવાદ
શહેરના ઈસ્કોન બ્રિજ પર 9 લોકોને કચડી નાંખનાર આરોપી તથ્ય પટેલ હાલ જેલની હવા ખાઈ રહ્યો છે. તેની સાથે તેનો પિતા પ્રજ્ઞેશ પટેલ પણ જેલમાં છે. ત્યારે તથ્ય જે જેગુઆર કાર લઈને એસજી હાઈવે પર નીકળ્યો હતો અને આ કાર દ્વારા અકસ્માત સર્જાયો હતો. તે જેગુઆર કારને હવે કોર્ટમાંથી જામીન મળી ગયાં છે. કારના મુળ માલિકે એક કરોડના બોન્ડ ભરીને ગાડી છોડાવી દીધી છે. તથ્ય પટેલ જે જેગુઆર કાર ચલાવતો હતો તેનો મુળ માલિક ક્રિશ વારીયા છે. અકસ્માત બાદ ગાડીને તપાસ એજન્સીઓ દ્વારા જપ્ત કરવામાં આવી હતી. બીજી તરફ તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલની ગાડી એમજી ગ્લોબસ્ટર ગાડીને પણ આજે કોર્ટમાંથી છોડવામાં આવશે.
હવે કારના મુળ માલિક ક્રિશ વારીયાએ ગાડી પરત મેળવવા અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી. તેણે બિઝનેસમાં ગાડી વગર તકલીફ પડતી હોવાની કોર્ટમાં રજૂઆત કરી હતી. તેણે ગાડી વચગાળાના સમય માટે પરત મેળવવા કોર્ટની તમામ શરતો સાથે સંમતી દર્શાવી હતી. આ મુદ્દે તપાસ અધિકારીએ કોર્ટમાં જમા કરાવેલા રીપોર્ટમાં જણાવ્યું હતું કે, હાલમાં તપાસ ચાલી રહી છે. એક ઈજાગ્રસ્ત વ્યક્તિ હજી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે. જેથી ગાડી પરત આપી શકાય નહિ. બીજી બાજુ અરજદારના વકીલે દલીલ કરી હતી કે, ગાડી પોલીસ કસ્ટડીમાં ખુલ્લા વિસ્તારમાં પડી છે તેના ટાયર, એન્જિન વગેરે ભાગને નુકસાન થતા અરજદારને મોટું નુકસાન થઈ શકે છે.
બંને પક્ષના વકીલોની દલીલો બાદ કોર્ટે નોંધ્યું હતું કે, ગાડી લાંબા સમયથી પોલીસ કસ્ટડીમાં પડી છે. જેથી તેને નુકસાન થવાની સંભાવનાઓ છે. અરજદારને ગાડી આપવી જોઈએ પરંતુ તપાસ અર્થે ગાડીની જરૂર પડે તો ઓથોરિટી સમક્ષ રજૂ કરવી પડશે. અરજદારને ગાડી આપવા કોર્ટે હૂકમ કર્યો હતો. કોર્ટે કહ્યું હતું કે, અરજદારે એક કરોડ રૂપિયાના વ્યક્તિગત અને સિક્યુરિટી બોન્ડ કોર્ટમાં ભરવા પડશે અને અરજદાર કોર્ટની મંજુરી વિના ગાડી કોઈને આપી કે વેચી શકશે નહીં. તે ઉપરાંત તપાસ અધિકારી ગાડી આપતી વખતે ગાડીના ચારેય તરફના ફોટા પાડીને પંચનામું કરશે. હાલમાં અકસ્માતગ્રસ્ત ગાડી એસજી હાઈવે 02 ટ્રાફિક પોલીસ મથકે પડી છે. જે હવે અરજદારને મળશે.

Total Visiters :123 Total: 851744

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *