જે પુત્રી માટે બધું ન્યોછાવર કર્યું તેણે જ માતાને અમેરિકામાં તરછોડી દીધી

Spread the love

અમેરિકાની સિટીઝનશીપ ધરાવતાં મહિલા હાલમાં યુએસના પેન્શન પર વડાદરામાં જીવનનો છેલ્લો સમય વિતાવી રહ્યા છે

વડોદરા
ઘણા ગુજરાતીઓ પોતાનું બધું છોડી અમેરિકા માત્ર સંતાનોના સારા ભવિષ્ય માટે જતા હોય છે, પરંતુ ક્યારેક તેમના આ નિર્ણયનું કેવું ભયાનક પરિણામ આવી શકે છે તેની એક ચોંકાવનારી ઘટના અમેરિકન સિટીઝન અને હાલ વડોદરામાં રહેતા એક મહિલા સાથે બની છે. ચંદ્રિકા સુથાર નામના આ ૭૨ વર્ષીય મહિલા ૧૯૯૨માં પતિ અને દીકરી પાંચ વર્ષની દીકરી સાથે ફેમિલી સ્પોન્સરશીપ પર અમેરિકા ગયા હતા અને એક જ મહિનામાં તેમને ગ્રીન કાર્ડ પણ મળી ગયું હતું. શિકાગોમાં રહેતા ચંદ્રિકા સુથાર ત્યાં રેસ્ટોરાંમાં પાર્ટ ટાઈમ જોબ કરતા હતા, અને દીકરીને પણ તેમણે ઘરની નજીકમાં જ આવેલી સ્કૂલમાં ભણવા માટે મૂકી હતી. જોકે, અમેરિકા ગયાના બે-અઢી વર્ષમાં જ તેમના પતિએ ઈન્ડિયા પાછા જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, ચંદ્રિકાબેને જણાવ્યું હતું કે તેમના લગ્નજીવનમાં પહેલાથી જ પ્રોબ્લેમ્સ હતી પરંતુ તેમને એમ હતું કે અમેરિકા ગયા બાદ બધું બરાબર થઈ જશે. જોકે, ૧૯૯૫માં તેમના પતિ તેમને કોઈ આગોતરી જાણ કર્યા વિના જ અચાનક ઈન્ડિયા પાછા જતા રહ્યા હતા અને ત્યારબાદ તેમની સાથેના તમામ સંપર્ક પણ કાપી નાખ્યા હતા. પતિના ઈન્ડિયા પાછા જતા રહ્યા બાદ દીકરીની તમામ જવાબદારી ચંદ્રિકાબેન પર આવી ગઈ હતી, ખર્ચા પોસાતા ના હોવાના કારણે ચંદ્રિકાબેનને ૧ બીએચકે ફ્લેટ છોડીને પાડોશમાં રહેતા એક મુસ્લિમ મા-દીકરી સાથે શેરિંગ અપાર્ટમેન્ટમાં રહેવા જવું પડ્યું હતું.
ચંદ્રિકાબેન અમેરિકામાં નોકરી સાથે પોતાની દીકરી અવનીની સંભાળ લેવાના પોતાનાથી બનતા તમામ પ્રયાસ કરતા હતા, પરંતુ ત્યાં જિંદગી જરાય સરળ નહોતી. વળી, પતિએ પણ પોતાની સાથે કોઈ સંપર્ક ના રાખતા તેઓ માનસિક રીતે પણ વ્યથિત થઈ ગયા હતા. આ સ્થિતિમાં તેઓ છ મહિનામાં શિકાગો છોડીને ન્યૂજર્સીમાં રહેતા પોતાના એક નજીકના સંબંધીને ત્યાં શિફ્ટ થયા હતા, ત્યાં તેમણે કમ્પ્યુટરના ક્લાસ જોઈન કર્યા હતા અને એક જોબ પણ શોધી હતી. જોકે, તેમને ઘરે આવતા રાતના દસ વાગી જતા હતા. પોતાની ક્વૉલિફિકેશન અનુસાર જોબ શોધવા તેમણે ઘણા પ્રયાસ કર્યા હતા, પરંતુ ક્યાંય મેળ ના પડતાં રેસ્ટોરાંમાં નાની-મોટી જોબ કરી તેમને જીવનનિર્વાહ ચલાવવો પડતો હતો. કહેવાય છે કે અમેરિકામાં કોઈ કોઈનું સગું નથી હોતું, ચંદ્રિકાબેનને પણ ન્યૂજર્સીમાં બે-ત્રણ મહિનામાં જ આ વાતનો અનુભવ થઈ ગયો હતો, જે સંબંધીના ઘરે તેઓ રહેતા હતા ત્યાં અવની એડજસ્ટ નહોતી થઈ રહી અને તેની સાથે ભેદભાવ પણ કરવામાં આવતો હતો. ચંદ્રિકાબેન પૈસા આપીને રહેતા હોવા છતાંય સમય જતાં તેમના સંબંધીનું વર્તન ઘણું બદલાવવા લાગ્યું હતું, જેના કારણે ચંદ્રિકાબેનનું ન્યૂજર્સીમાં રહેવું પણ મુશ્કેલ બની ગયું હતું.. જેથી કંટાળીને તેમણે છ-આઠ મહિનામાં જ ન્યૂજર્સી છોડવું પડ્યું અને તેઓ ફરી શિકાગોમાં આવી ગયા, જ્યાં તેમણે એક સ્ટૂડિયો અપાર્ટમેન્ટ રેન્ટ પર લીધો અને ફરી એક રેસ્ટોરાંમાં જોબ શરૂ કરી.
અમેરિકામાં દરેકને પોતાની સ્પેસ જોઈતી હોય છે, ખાસ કરીને બાળકો મોટા થાય ત્યારે તેમને જો પોતાનો અલગ રૂમ ના મળે તો પણ ફેમિલીમાં ઈશ્યૂ ઉભા થતા હોય છે. આવું જ ચંદ્રિકાબેન સાથે પણ થયું, અવની બારેક વર્ષની થઈ ત્યારે અવારનવાર તે ચંદ્રિકાબેનને ૧ બીએચકે ફ્લેટ લેવા માટે કહેતી હતી, જેથી તેને પોતાનો અલગ રૂમ મળી શકે. જોકે, આવક ટૂંકી હોવાના કારણે ચંદ્રિકાબેન સ્ટૂડિયો અપાર્ટમેન્ટથી મોટું ઘર અફોર્ડ કરી શકે તેમ નહોતા. બસ, આ જ વાતને લઈને ક્યારેક મા-દીકરી વચ્ચે બોાલચાલી પણ થઈ જતી હતી.. ચંદ્રિકાબેન દીકરીને ભણાવી-ગણાવીને આગળ વધારવા માટે થોડા પૈસા બચાવવા માગતા હતા, પરંતુ અવની મમ્મી સાથે સ્ટૂડિયો અપાર્ટમેન્ટમાં રહેવા તૈયાર નહોતી. આ દરમિયાન ૧૯૯૯માં ચંદ્રિકાબેન અમેરિકાના સિટીઝન બન્યાં, અને તેના એક વર્ષ બાદ અવની પણ સિટીઝન બની ગઈ. જોકે, તેમની આવક હજુ પણ ખાસ નહોતી વધી જેથી તેઓ સ્ટૂડિયો અપાર્ટમેન્ટમાં જ રહેતા હતા. મા-દીકરી પાસે અમેરિકન પાસપોર્ટ આવી ગયા બાદ તે બંને ૨૦૦૧ના ગાળામાં વડોદરા આવ્યાં હતાં, ચંદ્રિકાબેને પતિને મળવા પણ પ્રયાસ કર્યો હતો પરંતુ તે વખતે તેમનો પતિ વડોદરામાંથી જ ગાયબ થઈ ગયો હતો. આ જ દરમિયાન ચંદ્રિકાબેનને ખબર પડી હતી કે તેમની ગેરહાજરીમાં જ પતિએ કાવાદાવા કરીને ડિવોર્સ લઈ લીધા છે. પતિને શોધવા તેમણે પોલીસનો સંપર્ક કર્યો હતો, પોલીસ તેને પકડી પણ લાવી હતી પરંતુ તે પત્ની અને દીકરીને સ્વીકારવા તૈયાર ના હોવાથી એકાદ મહિનો ઈન્ડિયા રહ્યા બાદ ચંદ્રિકાબેન અવનીને લઈને પાછા અમેરિકા જતાં રહ્યાં હતાં.
ચંદ્રિકાબેનની દીકરી નાની હતી ત્યારથી જ તે તેના પિતા સાથે ખૂબ જ અટેચ્ડ હતી, પણ તેનો બાપ દીકરીની જવાબદારી લેવા માટે તૈયાર નહોતો. આ વાતની પણ દીકરી પર ઘણી અસર પડી હતી, અને તેનો ગુસ્સો તે ઘણીવાર ચંદ્રિકાબેન પર પણ કાઢતી હતી. જ્યારે બીજી તરફ ચંદ્રિકાબેન જોબને કારણે અવનીને ખાસ સમય નહોતા આપી શકતા. બસ આમને આમ સમય વિતતો ગયો અને ચંદ્રીકાબેન તેમજ તેમની દીકરી વચ્ચેનું અંતર ઘટવાને બદલે દિવસેને દિવસે વધતું જ ગયું. અવનીને સાચવવા માટે, તેનો વિશ્વાસ અને પ્રેમ જીતવા માટે ચંદ્રિકાબેન ઘણા પ્રયાસ કરતા હતા, પરંતુ અમેરિકામાં જ મોટી થયેલી દીકરીને જાણે હવે સગી મા સાથે જ નહોતું ફાવતું. ૨૦૦૮ના ગાળામાં અવનીએ કોલેજ જવાનું શરૂ કર્યું ત્યારે તેણે ચંદ્રિકાબેનની જાણ બહાર જ હોસ્ટેલમાં એડમિશન લઈ લીધું હતું, અને આ દરમિયાન તે ચોરીછૂપે ઘરમાંથી પોતાના પાસપોર્ટ, સોશિયલ સિક્યોરિટી સહિતના ડોક્યુમેન્ટ્સ પણ સાથે લઈ ગઈ હતી. દીકરી મોટી થઈ જતાં ચંદ્રિકાબેનને એમ હતું કે તે પણ થોડા સમયમાં ભણવાનું પૂરૂં કરીને જોબ શરૂ કરી દેશે અને પછી મા-દીકરીના મુશ્કેલીભર્યા દિવસોનો અંત આવશે, પરંતુ અવનીના દિમાગમાં કંઈક અલગ જ પ્લાન આકાર લઈ રહ્યો હતો, જેનો ચંદ્રિકાબેનને તે વખતે અણસાર સુદ્ધા નહોતો.
૨૨ ઓગસ્ટ ૨૦૦૮ની આ વાત છે, ચંદ્રિકાબેન એક કુરિયર કંપનીમાં નાઈટ શિફ્ટમાં જોબ કરતા હતા, અને તેમને સાંજે ચાર વાગ્યાની આસપાસ ઘરેથી નીકળવાનું હતું. બપોરે તે અને અવની ઘરે જ હતા ત્યારે અવની ફ્રેન્ડને મળવા જવાનું કહીને ઘરેથી નીકળી હતી, અને ચંદ્રિકાબેન ઓફિસ ગયા ત્યાં સુધીમાં તે પાછી નહોતી આવી. તે દિવસે ચંદ્રિકાબેન રાત્રે લગભગ ત્રણેક વાગ્યે જોબ પરથી ઘરે આવ્યા હતા, પરંતુ તેમણે જોયું તો બધું જ વેરવિખેર પડ્યું હતું અને અવનીનો સામાન ગાયબ હતો. ચંદ્રિકાબેન કંઈ સમજે તે પહેલા જ તેમને ડાઈનિંગ ટેબલ પર પડેલી એક ચિઠ્ઠી મળી હતી, જે તેમની દીકરીએ લખેલી હતી. તે ચિઠ્ઠી વાંચતા જ ચંદ્રિકાબેનને જાણે પોતાની દુનિયા ખતમ થઈ ગઈ હોય તેવો ધ્રાસ્કો લાગ્યો હતો, જે દીકરીને મોટી કરવા માટે તેમણે દિવસ-રાત જોયા વિના મહેનત કરી હતી, પતિના વિશ્વાસઘાતને સહન કર્યો હતો તે જ દીકરી ચંદ્રિકાબેનને છોડીને ચાલી ગઈ હતી, તેણે ચિઠ્ઠીમાં લખ્યું હતું કે હવે મને શોધવાની કોશીશ ના કરીશ, હું મારી મરજીથી ઘર છોડીને જાઉં છું.. અને તને માત્ર પૈસામાં જ રસ છે. અવની ઘર છોડીને જતી રહી છે તે વાત ચંદ્રિકાબેનને માન્યામાં જ નહોતી આવી રહી, પરંતુ મધરાતનો સમય હોવાથી તેઓ તેને શોધવા પણ નીકળી શકે તેમ નહોતા. બીજા દિવસે તે અવનીની કોલેજમાં પહોંચ્યા ત્યારે તેમને ખબર પડી હતી કે તે હોસ્ટેલમાં રહે છે, પરંતુ જ્યારે ચંદ્રિકાબેને દીકરીને મળવા જવાનો પ્રયાસ કર્યો ત્યારે તે હોસ્ટેલમાં હાજર નહોતી.
દીકરી પોતાને છોડીને જતી રહેતા ચંદ્રિકાબેન માનસિક રીતે એટલા ભાંગી પડ્યા હતા કે ૨૨ ઓગસ્ટ પછી તેઓ જોબ પર જઈ જ નહોતા શક્યા, તેમના મગજમાં બસ દીકરીના જ વિચારો આવતા રહેતા અને તેને મળવા માટે તે ગાંડાની જેમ તેની હોસ્ટેલના ચક્કર કાપતા રહેતા. જોકે, તેમની દીકરીએ એક દિવસ તો હોસ્ટેલના સિક્યોરિટીવાળાને કહીને ચંદ્રિકાબેનની એન્ટ્રી જ બંધ કરાવી દીધી હતી, તેમણે હોસ્ટેલમાં જવા જબરજસ્તી કરી ત્યારે સિક્યોરિટીવાળાએ પોલીસ બોલાવવાની વાત કરતાં આખરે ચંદ્રિકાબેનને ત્યાંથી જતાં રહેવું પડ્યું હતું. દીકરીને બસ એકવાર મળવા માટે તડપી રહેલા ચંદ્રિકાબેને આ મામલે પોલીસને પણ જાણ કરી હતી, પરંતુ પોલીસે પુખ્તવયની દીકરી પોતાની મરજીથી ઘર છોડીને ગઈ હોવાનું કહીને તેમને મદદ કરવાનો ઈનકાર કરી દીધો હતો. એટલું જ નહીં, ચંદ્રિકાબેને દીકરી સલામત છે કે નહીં તે જાણવાની કોશીશ કરી ત્યારે પણ પોલીસે તેમની દીકરીના સોશિયલ સિક્યોરિટી નંબર પરથી તેનો કોન્ટેક્ટ નંબર શોધી તેની સાથે વાત કરી હતી, પરંતુ ત્યારે પણ અવનીએ ચંદ્રિકાબેન સાથે વાત કરવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો હતો. આખરે પોલીસે ચંદ્રિકાબેનને તમારી દીકરીને પાંખો આવી ગઈ છે, અને હવે તે ઉડીને તમારાથી દૂર જતી રહી છે તેવું કહીને રવાના કરી દીધા હતા.
૨૦૦૯ના વર્ષની આ વાત છે, ચંદ્રિકાબેનને ખબર પડી હતી કે તેમની દીકરી હવે હોસ્ટેલ છોડીને કોઈ શેરિંગ અપાર્ટમેન્ટમાં રહે છે, ત્યારે દીકરીને શોધવા માટે તેમણે એક ડિટેક્ટિવ પણ રોક્યો હતો. તેણે તેમની દીકરી ક્યાં રહે છે, ક્યાં જોબ કરે છે તે તમામ ડિટેઈલ્સ લાવી આપી હતી. કદાચ અવનીનું મન બદલાયું હશે તેમ માની ચંદ્રિકાબેન તેના ઘરેથી નીકળવાનો સમય થાય ત્યારે તેની બિલ્ડિંગ આગળ ઉભા રહેતા, તેની પાછળ ચાલતા-ચાલતા રેલવે સ્ટેશન સુધી જતાં, તેની સાથે જ ટ્રેનમાં તેની જોબના સ્થળ સુધી મુસાફરી પણ કરતા, પરંતુ એકની એક દીકરી ચંદ્રિકાબેનની સામે સુદ્ધા નહોતી જોતી.. તે કાનમાં ઈયરફોન્સ લગાવીને ચંદ્રિકાબેનની સામે જ ઉભી હોવા છતાંય જાણે તેમને ઓળખતી જ ના હોય તેવું વર્તન કરતી હતી. ઘણીવાર તો ચંદ્રિકાબેન ટ્રેનમાં દીકરી સામે ઉભા રહીને રડતા રહેતા, પણ તેમની દીકરીનું પથ્થર દિલ તસુભાર પણ નહોતું પીગળતું. દીકરી પોતાની નજર સામે જ દૂર થઈ રહી હતી, પરંતુ ચંદ્રિકાબેન તેને પાછી લાવવા માટે જાણે કશુંય જ કરી શકે તેમ નહોતા. આમને આમ સમય વિતિ રહ્યો હતો અને આ દરમિયાન ચંદ્રિકાબેનને એવી પણ ખબર પડી હતી કે તેમનો પતિ અમેરિકા પાછો આવી ગયો છે, પરંતુ તે તેમનાથી છૂપાઈને રહેતો હતો. પતિએ કરેલા વિશ્વાસઘાત બાદ ચંદ્રિકાબેનને આમેય તેની સાથે સંબંધ રાખવામાં કોઈ રસ નહોતો, પરંતુ દીકરીનું વર્તન તેમને હતાશાની ગર્તામાં ધકેલી રહ્યું હતું.
પોતાના અનેક પ્રયાસો બાદ પણ અવની એકની બે ના થતાં ચંદ્રિકાબેન પણ હવે થાક્યા હતા, તે નાની-મોટી જોબ કરીને અમેરિકામાં એક-એક દિવસ જાણે ગણી-ગણીને કાઢી રહ્યા હતા. ઈન્ડિયામાં પોતાનું કોઈ રહ્યું જ ના હોવાના કારણે તેઓ ત્યાં પાછા જઈ શકે તેમ પણ નહોતા. અવનીને ભૂલવા માટે ચંદ્રિકાબેન ઘણા પ્રયાસ કર્યા હતા, પરંતુ જે દીકરીને પોતાના જીવથી પણ વધુ ચાહીને નાનીથી મોટી કરી હતી તેને ભૂલવી ચંદ્રિકાબેન માટે આ જીવનમાં જાણે અશક્ય હતું. ૨૦૦૯માં તેમણે દીકરીને શોધી પણ કાઢી હતી, પરંતુ પોતે તેની નજીક સુદ્ધા નહોતા જઈ શક્યા. હારી-થાકીને ચંદ્રિકાબેને દીકરી સાથે વાત કરવાના પ્રયાસ બંધ કર્યા ત્યારબાદ તે ક્યાં છે, કઈ સ્થિતિમાં છે તેની કંઈ જ જાણકારી પણ તેમને નહોતી. જોકે, ૨૦૧૩માં શિકાગોમાં પોતાના ઘરની નજીકના એક ટ્રાફિક સિગ્નલ પર તેમને પોતાની દીકરી જેવી જ એક યુવતી દેખાઈ હતી. ત્યારે તેની ઉંમર ૨૫-૨૭ વર્ષ જેટલી થઈ ગઈ હતી, ચંદ્રિકાબેન તરત જ તેને ઓળખી ગયા હતા, અને કદાચ તેમને જોઈને તેમની અવની પણ ત્યાંથી ફટાફટ ચાલીને ક્યાંક જવા લાગી હતી. અવની તે વખતે એક મોલમાં જતી રહી હતી, અને તેની પાછળ-પાછળ ચંદ્રિકાબેન તે મોલમાં ઘૂસ્યા ત્યાં સુધીમાં તો તે ગાયબ થઈ ગઈ હતી. જોકે, થોડી મિનિટો પછી જ્યારે ચંદ્રિકાબેને અવનીને જોઈ ત્યારે તેમના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. અવની ત્યારે એકલી નહોતી, તેની સાથે તેની જ ઉંમરનો કોઈ યુવક પણ હતો જે બ્લેક અમેરિકન હતો. ચંદ્રિકાબેને તેની પાસે જઈને વાત કરવાની કોશીશ કરી તો પેલાએ તેમને વોર્નિંગ આપી દીધી હતી કે અવનીની નજીક આવવાની પણ કોશીશ ના કરશો, એટલું જ નહીં તેણે તરત જ પોલીસને ફોન કરી દેતા ચંદ્રિકાબેનને તે વખતે ત્યાંથી નીકળી જવું પડ્યું હતું.
ચંદ્રિકાબેને છેલ્લે ૨૦૧૩માં જ પોતાની દીકરીને જોઈ હતી, ત્યારથી લઈને આજ સુધી તે ક્યાં છે, શું કરે છે, કોની સાથે રહે છે તેની કશી જ માહિતી ચંદ્રિકાબેન પાસે નથી. અમેરિકામાં રહેવું મુશ્કેલ બની જતાં હારી-થાકીને ચંદ્રિકાબેન ૨૦૨૨માં ઈન્ડિયા પાછા આવી ગયા છે, પરંતુ આજની તારીખે પણ તેમને પોતાની દીકરીની ચિંતા થઈ રહી છે. વર્ષો સુધી અમેરિકામાં મહેનત કરનારા ચંદ્રિકાબેન આજે વડોદરામાં એક ભાડાના ઘરમાં રહે છે, તેમનો પતિ પણ વડોદરામાં જ છે પરંતુ બંનેને એકબીજાની સામે જોવાના પણ સંબંધ નથી. અમેરિકન સિટીઝન હોવાના કારણે ચંદ્રિકાબેનને દર મહિને પેન્શન મળે છે અને તેનાથી જ તેમનો ગુજારો થાય છે, પરંતુ ૭૨ વર્ષની વયે તે એકલા રહેવા માટે મજબૂર છે. ત્રીસેક વર્ષ સુધી અમેરિકામાં રહ્યા હોવાના કારણે તેમનો ઈન્ડિયામાં રહેતા સગા-સંબંધી સાથેનો સંપર્ક પણ કપાઈ ગયો છે, મોટાભાગના સંબંધી સ્વર્ગે સીધાવ્યા છે અને તેમના સંતાનો ચંદ્રિકાબેનને ઓળખતા પણ નથી. જોકે, ચંદ્રિકાબેનને સૌથી વધુ દુ:ખ એ વાતનું છે કે જેના માટે તેમણે પોતાની આખી જિંદગી ખપાવી દીધી તે દીકરી જ આજે તેમનાથી દૂર છે. ભગવાને જો કદાચ અવનીને લઈ લીધી હોત તો ચંદ્રિકાબેને પોતાના નસીબને દોષ દઈને મન મનાવી પણ લીધું હોત, પરંતુ દીકરીના જીવતેજીવ તેને યાદ કરીને દિવસ-રાત આંસુ સારતી માનું દર્દ વર્ણવવા માટે શબ્દો પણ ઓછા પડે તેમ છે.

Total Visiters :86 Total: 828368

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *