કર્ણાટકમાં બંધથી જનજીવન પ્રભાવિત, 44 ફ્લાઈટ્સ રદ

Spread the love

રાજ્યના વિવિધ ભાગોમાંથી વિવિધ સંગઠનોના 50થી વધુ લોકોની અટકાયત પણ કરવામાં આવી

બેંગલુરૂ

તમિલનાડુને કાવેરી નદીનું પાણી આપવાના વિરોધમાં આજે કન્નડ સંગઠન ‘કન્નડ ઓક્કુટા’ દ્વારા કર્ણાટકમાં બંધનું એલાન આપવામાં આવ્યું છે. આ બંધના પગલે રાજ્યમાં અસર જોવા મળી રહી છે. બંધને પગલે રાજ્યભરમાં મોટી સંખ્યામાં પોલીસ જવાનો તૈનાત રાખવામાં આવ્યા છે. 

આજે કર્ણાટકમાં રાજ્યવ્યાપી બંધનું એલાન હોવાથી અનેક શહેરોમાં જનજીવન પ્રભાવિત છે. કન્નડ તરફી સંગઠનોએ વિવિધ સ્થળોએ વિરોધ કરીને સૂત્રોચ્ચાર કર્યા હતા, રાજ્યના વિવિધ ભાગોમાંથી વિવિધ સંગઠનોના 50થી વધુ લોકોની અટકાયત પણ કરવામાં આવી છે. આ રાજ્યવ્યાપી બંધનું એલાન સવારે 6 વાગ્યાથી શરુ થયુ હતું જે સાંજે 6 સુધી ચાલુ રહેશે. આ બંધના કારણે બેંગલુરુ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ઉપડતી 44 ફ્લાઈટ્સ રદ કરી દેવામાં આવી છે. એરપોર્ટ અધિકારીઓએ કહ્યું હતું કે ઓપરેશનલ કારણોસર ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે તેમજ આ અંગે મુસાફરોને જે ફ્લાઈટ્સ રદ થઈ છે તેની જાણકારી પણ આપી છે. 

આજે કર્ણાટકમાં બંધના એલાનના પગલે પ્રદર્શનકારીઓએ કર્ણાટકના ઝંડા સાથે બેંગલુરુ એરપોર્ટમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. આ પ્રદર્શનકારીઓએ એરપોર્ટ પર હોબાળો કર્યો હતો જેના પગલે પોલીસે એક્શન લઈને તાત્કાલિક ધોરણે આ પ્રદર્શનકારીઓની અટકાયત કરી હતી. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ પાંચ લોકો પાસે ટિકિટ મળી આવી છે અને આ તમામ ટિકિટો બુક થઈ હતી. આ ટિકિટો દેખાડીને પ્રદર્શનકારીઓએ એરપોર્ટમાં ઘૂસવાનો અને વિરોધ કરવાનો પ્રયાસ કર્યો હતો જો કે તે પહેલા જ તેમની અટકાયત કરવામાં આવી હતી. આ સિવાય પણ રાજ્યની રાજધાની બેંગલુરુ સહિત રાજ્યના વિવિધ ભાગોમાં જુદી-જુદી જગ્યાએ રેલીઓનું કાર્યકરો દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. 

કર્ણાટકમાં આજે કન્નડ સંગઠન ‘કન્નડ ઓક્કુટા’ દ્વારા બોલાવવામાં આવેલા બંધને બેંગલુરુ સહિત રાજ્યના દક્ષિણ વિસ્તારોમાં જબરદસ્ત સમર્થન મળી રહ્યું છે. આ જ કારણ છે કે રાજ્યના આ ભાગમાં જનજીવન ભારે પ્રભાવિત થયું છે. બેંગલુરુ શહેર, મંડ્યા, મૈસુર, ચામરાજનગર, રામનગરા અને હાસન જિલ્લામાં કોઈપણ અનઈચ્છનીય ઘટના રોકવા માટે કલમ 144 લાગુ કરવામાં આવી છે. આ શહેરોમાં શાળા-કોલેજો બંધ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત આ પરિવહન સેવાઓ, હોટેલો અને અન્ય સુવિધાઓ બંધ રાખવામાં આવી છે.

Total Visiters :131 Total: 678558

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *