ફિચે ભારતની આર્થિક વૃદ્ધિનું અનુમાન 6.5 ટકાથી વધારીને 7 ટકા કર્યું

Spread the love

રેટિંગ એજન્સીએ સ્થાનિક માંગને ધ્યાનમાં રાખતા આગામી નાણાકીય વર્ષ માટે ભારતના વૃદ્ધિ દરના અનુમાનમાં વધારો કરવાનો નિર્ણય કર્યો

નવી દિલ્હી

1 એપ્રિલ, 2024થી શરૂ થતા નવા નાણાકીય વર્ષ 2024-25 માટે રેટિંગ એજન્સી ફિચે ભારતના જીડીપી અંદાજમાં વધારો કર્યો છે. આ ઉપરાંત આ એજન્સીએ આર્થિક વૃદ્ધિનું અનુમાન 6.5 ટકાથી વધારીને 7 ટકા કર્યું છે. રેટિંગ એજન્સીએ સ્થાનિક માંગને ધ્યાનમાં રાખતા આગામી નાણાકીય વર્ષ માટે ભારતના વૃદ્ધિ દરના અનુમાનમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. 

ફિચને ભારતીય અર્થતંત્રના વિકાસ બાબતે વિશ્વાસ છે, આથી 2024-25ના નાણાકીય વર્ષ માટે ડિસેમ્બર 2023માં જાહેર કરાયેલ અનુમાન 50 બેસિસ પોઈન્ટ્સ વધારીને 7 ટકા કરવામાં આવ્યું છે. ચાલુ નાણાકીય વર્ષ 2023-24ના ઓક્ટોબરથી ડિસેમ્બરના ત્રીજા ત્રિમાસિક ગાળા માટે સ્ટેટિસ્ટિક્સ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા ભારતના જીડીપીના ડેટા અનુસાર, આ સમયગાળા દરમિયાન ભારતે 8.4 ટકાના દરે વિકાસ કર્યો છે. જેથી આગામી નાણાકીય વર્ષ માટે રેટિંગ એજન્સીઓ અને નાણાકીય સંસ્થાઓ  ભારતના વિકાસ દરના અંદાજમાં વધારો કરી રહી છે. ફિચનો અંદાજ છે કે 2023-24માં ભારતનો જીડીપી વૃદ્ધિ દર 7.8 ટકા રહી શકે છે, જે સરકારના પોતાના અંદાજ 7.6 ટકા કરતાં વધુ છે.

તાજેતરના ગ્લોબલ ઇકોનોમિક આઉટલુક રિપોર્ટમાં ફિચે જણાવ્યું છે કે રોકાણ વૃદ્ધિ દરમાં વાર્ષિક ધોરણે 10.6 ટકા અને ખાનગી વપરાશમાં 3.5 ટકા વૃદ્ધિને કારણે દેશના આર્થિક વિકાસના આંકડાએ દરેક ક્વાર્ટરમાં તમામ અંદાજોને પાછળ છોડી દીધા છે. તેમજ વર્ષ 2023ના છેલ્લા મહિનામાં ખાદ્યપદાર્થોના ભાવ વધવાના કારણે ફુગાવો પણ વધ્યો છે. આથી આરબીઆઈના મોંઘવારીના દરને 4 ટકા સુધી નીચે લાવવા લક્ષ્યાંકને હાંસલ કરવાની બાબત ખાદ્યપદાર્થોના ભાવ પર નિર્ભર કરે છે. જોકે, રેટિંગ એજન્સીના માટે આ વર્ષના અંત સુધીમાં ખાદ્ય ચીજવસ્તુઓની કિંમતો સ્થિર થશે તો ફુગાવાનો દર ઘટીને 4 ટકા થઈ જશે.

ફિચ રેટિંગ્સે પણ 2024 માટે વૈશ્વિક આર્થિક વૃદ્ધિના અનુમાનમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. ફિચે 2024 માટે વૈશ્વિક આર્થિક વૃદ્ધિ દરનો અંદાજ 0.3 ટકા વધારીને 2.4 ટકા કર્યો છે.

Total Visiters :52 Total: 678933

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *