ચીનની કંપનીએ પાકિસ્તાનમાં પ્રોજેકટની કામગીરી રોકી દીધી

Spread the love

સેંકડો સ્થાનિક મજૂરોને કામથી હાથ ધોવાનો વારો આવ્યો

ઈસ્લામાબાદ

પાકિસ્તાનમાં ત્રણ દિવસ પહેલા ખૈબર પખ્તૂનખા પ્રાંતમાં થયેલા આત્મઘાતી હુમલામાં ચીનના પાંચ નાગરિકોના મોત થયા બાદ ચીન ભૂરાંટુ થયુ છે. આ હુમલા બાદ ખૈબર પખ્તૂનખા પ્રાંતમાં ચીનની એક કંપનીએ હાઈડ્રો પાવર પ્રોજેકટ પરની પોતાની કામગીરી રોકી દીધી છે અને તેના કારણે સેંકડો સ્થાનિક મજૂરોને કામથી હાથ ધોવાનો વારો આવ્યો છે.

પાકિસ્તાનના અંગ્રેજી અખબારના અહેવાલ અનુસાર ચીનની કંપની પાવર કન્સ્ટ્રક્શન કોર્પોરેશન ઓફ ચીન દ્વારા ખૈબર પખ્તૂનખા પ્રાંતના સ્વાબી જિલ્લામાં તારબેલા હાઈડ્રો પાવર પ્રોજેકટની કામગીરી અટકાવી દેવામાં આવી છે. આ પ્રોજેકટ પર કામ કરતા 2000 જેટલા સ્થાનિક શ્રમિકોને પણ કંપનીએ કામથી હટાવી દીધા છે. આ માટે કંપનીએ સુરક્ષાનુ કારણ આગળ ધર્યુ છે.

ઉલ્લેખનીય છે કે, મંગળવારે થયેલા આત્મઘાતી હુમલામાં ચીનના પાંચ નાગરિકોના મોત થયા હતા. આ પાંચે નાગરિકો એન્જિનિયર હતા અને તેઓ ખૈબર પખ્તૂનખા પ્રાંતમાં જ દાસૂ હાઈડ્રો પાવર પ્રોજેકટ પર કામ કરી રહ્યા હતા. આ હુમલાની જવાબદારી કોઈ સંગઠને હજી સુધી લીધી નથી.

જોકે તેના ઘેરા પ્રત્યાઘાત પડયા છે. ચીન આ હુમલા બાદ પાકિસ્તાનથી ભારે નારાજ છે અને ચીની કંપનીઓ પણ અહીંયા કામ કરવાના મૂડમાં નથી. જેની અસર હવે જોવા મળી રહી છે.

આત્મઘાતી હુમલા બાદ સુરક્ષા એજન્સીઓ હજી સુધી હુમલા માટે જવાબદાર લોકોને શોધવા માટે હવામાં બાચકા ભરી રહી છે. એજન્સીઓને હુમલો કરનારા કોણ હતા અને તેઓ ક્યાંથી આવ્યા હતા અને હુમલામાં લેવાયેલુ વાહન પણ કેવી રીતે તેમની પાસે આવ્યુ…જેવા સવાલોના જવાબ હજી મળ્યા નથી.

Total Visiters :77 Total: 679085

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *