બ્રિટનની લેબર પાર્ટીના પ્રમુખે હોળીના કાર્યક્રમમાં હાજરી આપી

Spread the love

લેબર પાર્ટીએ ભારત- ભારતીય પ્રત્યેના વલણમાં બદલાવ શરુ કર્યો, જેથી ભારતીય મૂળના લોકોનુ સમર્થન મળી શકે

લંડન

બ્રિટનની લેબર પાર્ટીએ ભારતીય મૂળના લોકોની ઉપેક્ષા કરવાની ભૂલ સુધારવા માટે પ્રયાસો શરુ કરી દીધા છે.

બ્રિટનમાં આ વર્ષના અંતમાં કે 2025ના પ્રારંભમાં ચૂંટણીઓ યોજાવાની છે ત્યારે લેબર પાર્ટીએ ભારત અને ભારતીય પ્રત્યેના પોતાના વલણમાં બદલાવ શરુ કર્યો છે. જેથી ભારતીય મૂળના લોકોનુ સમર્થન મળી શકે.

લેબર પાર્ટીના પ્રમુખ કિયર સ્ટાર્મરે તેના ભાગરુપે હોળી નિમિત્તે ભારતીય સમુદાયને વિશેષ સંદેશો આપ્યો હતો. હોળી નિમિત્તે લંડનમાં  યોજાયેલા એક કાર્યક્રમમાં લેબર પાર્ટી ચીફ પહોંચ્યા હતા અને તેમની સાથે લંડનના મેયર સાદિક ખાન તથા લેબર પાર્ટીના ટોચના નેતાઓ પણ ઉજવણીમાં સામેલ થયા હતા.

સ્ટાર્મરે કહ્યુ હતુ કે, હોળીનો તહેવાર લેબર પાર્ટીના બ્રિટનના નવીનીકરણ….ના સંદેશને આગળ વધારવા માટે સારામાં સારો પ્રસંગ છે. હવે નવી શરુઆતની ઉજવણી કરીને ભૂતકાળ પાછળ છોડવાનો સમય છે. આપણે બધા અહીંયા વસંત ઋતુનુ સ્વાગત કરવા માટે ભેગા થયા છે જેથી આવનારા નવા સમયને પણ આપણે આવકારી શકીએ.

સાથે સાથે તેમણે કહ્યુ હતુ કે, હિન્દુ સમુદાય તરફથી બ્રિટનને આગળ વધારવા માટે અપાયેલા યોગદાન માટે આભાર વ્યક્ત કરવાનો આ સાચો સમય છે. હોળીનો તહેવાર ઉજવણી, પ્રેમ, કરુણા, સમાવેશી ભાવનાનો સંદેશ આપે છે.અનિશ્ચિતતાથી સભર વિશ્વમાં આ તમામ બાબતો ઘણી મહત્વ રાખે છે. આ તહેવાર આપણને બુરાઈ પર જીત મેળવવાની આશા પણ પ્રદાન કરે છે.

જાણકારોનુ માનવુ છે કે, ચૂંટણી માટેના પોલમાં લેબર પાર્ટી અત્યારે સત્તાધારી કન્ઝર્વેટિવ પાર્ટી કરતા આગળ ચાલી રહી છે. સાથે સાથે લેબર પાર્ટી પોતાની ઈમેજ બદલીને નારાજ ભારતીય સમુદાયને પોતાની તરફેણમાં કરવા માંગે છે. જેની પાછળનો એક ઈરાદો ભારત સાથે પણ સબંધો સુધારવાનો છે.

સ્ટાર્મર પહેલાના લેબર પાર્ટીના પ્રમુખ જેરેમી કોર્બિનના કાર્યકાળમાં લેબર પાર્ટીનુ વલણ ભારત વિરોધી રહ્યુ હતુ અને તે સમયે લેબર પાર્ટીએ જમ્મુ કાશ્મીર મુદ્દે ઉટપટાંગ નિવેદનો આપીને ભારતને અને ભારતીય સમુદાયને નારાજ કર્યો હતો.

Total Visiters :64 Total: 679213

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *