રાવના પક્ષમાંથી ધારાસભ્યો-સાંસદોની એક પછી એક વિદાય

Spread the love

રાજ્યમાં સત્તામાં રહેલી પાર્ટી લોકસભાની ચૂંટણીમાં નંબર વનથી ત્રીજા નંબર પર પહોંચી ગઇ હોય તેવું દેખાય છે

હૈદ્રાબાદ

રાજકારણમાં ક્યારે શું થઇ જાય કોઈ કંઇ કહી શકે નહીં. અનેક પાર્ટીઓ માટે અસ્તિત્વ ટકાવવું પણ મુશ્કેલ બની જાય છે. આવો જ એક મામલો તાજેતરમાં છેલ્લા ચાર મહિનામાં ભારતના એક રાજ્યમાં જોવા મળ્યો છે. છેલ્લા 10 વર્ષથી તેલંગાણામાં શાસન કરનાર ભૂતપૂર્વ મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ (કેસીઆર)ની પાર્ટી ભારત રાષ્ટ્ર સમિતિ (બીઆરએસ) તાજેતરના દિવસોમાં જાણે પતનની અણીએ આવી ગઇ હોય તેવો આભાસ થાય છે. પાર્ટીમાંથી ધારાસભ્યો અને સાંસદો એક એક કરીને વિદાય લઈ રહ્યા છે. સ્થિતિ એવી છે કે નવેમ્બર 2023 સુધી રાજ્યમાં સત્તામાં રહેલી પાર્ટી માત્ર ચાર મહિના પછી લોકસભાની ચૂંટણીમાં નંબર વનથી ત્રીજા નંબર પર પહોંચી ગઇ હોય તેવું દેખાય છે. હાલમાં રાજ્યમાં સત્તાધારી કોંગ્રેસ અને કેન્દ્રમાં સત્તારૂઢ ભાજપ વચ્ચે જબરદસ્ત સ્પર્ધા જોવા મળી રહી છે. 

હાલમાં બીઆરએસ રાજ્યમાં ત્રીજા સ્થાને પહોંચી ગઇ છે. 30 નવેમ્બર, 2023 ના રોજ યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં તે 37.35 ટકા વોટ શેર સાથે બીજા સ્થાને હતી અને કોંગ્રેસ 39.40 ટકા વોટ શેર સાથે પ્રથમ સ્થાને પહોંચી ગઇ હતી. વિધાનસભા ચૂંટણીમાં ભાજપને માત્ર 13.90 ટકા મતો મળ્યા હતા પરંતુ જ્યારથી કેસીઆરના ધારાસભ્ય પુત્રી કે.કવિતાની દિલ્હી લીકર પોલિસી કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી છે ત્યારથી પાર્ટીની લોકપ્રિયતાનો ગ્રાફ અચાનક ગગડી ગયો છે. 

2019ની લોકસભા ચૂંટણીમાં રાજ્યની કુલ 17 બેઠકોમાંથી, બીઆરએસ (તત્કાલીન ટીઆરએસ- તેલંગાણા રાષ્ટ્ર સમિતિ)એ 9 બેઠકો જીતી હતી, જ્યારે ભાજપે ચાર અને કોંગ્રેસે ત્રણ બેઠકો જીતી હતી. એઆઈએમઆઈએમ ચીફ ઓવૈસીએ પણ જીતીને પોતાની હૈદરાબાદ બેઠક જાળવી રાખી હતી, પરંતુ પાંચ વર્ષ પછી એટલે કે 2024ની લોકસભા ચૂંટણીમાં તમામ ગણિત અને સમીકરણો ઊંધા પડી ગયા છે.

હાલમાં તેલંગાણામાં ભાજપના અડધાથી વધુ ઉમેદવારો બીઆરએસના છે અને તેમાંથી મોટાભાગના આ મહિને પક્ષપલટો કરીને આવ્યા છે. ચાલુ મહિને 15 માર્ચે ઈડીએ પૂર્વ મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવની પુત્રી કે કવિતાની ધરપકડ કરી હતી. જેના બાદ આ રમત શરૂ થઈ. એવું નથી કે રાજ્યમાં 13 મેના રોજ યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલા બીઆરએસના નેતાઓ માત્ર ભાજપમાં જોડાયા છે પરંતુ ઘણા લોકોએ કોંગ્રેસ સાથે પણ હાથ મિલાવ્યા છે. તેમાં સૌથી મોટું નામ બીઆરએસના ચેવેલાના સાંસદ રણજીત રેડ્ડીનું છે, જેમને કોંગ્રેસે ફરીથી એ જ લોકસભા બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા છે.

એ જ રીતે હૈદરાબાદની ખૈરતાબાદ વિધાનસભા બેઠકના બીઆરએસ ધારાસભ્ય દાનમ નાગેન્દ્ર પણ પક્ષ બદલીને કોંગ્રેસના લોકસભા ઉમેદવાર બન્યા છે. પાર્ટીએ તેમને સિકંદરાબાદ લોકસભા સીટ પરથી કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડી સામે મેદાનમાં ઉતાર્યા છે. એટલું જ નહીં વિકરાબાદ જિલ્લા પરિષદના પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ બીઆરએસ નેતા સુનીતા મહેન્દ્ર રેડ્ડી હવે કોંગ્રેસની ટિકિટ પર મલ્કાજગિરીથી ચૂંટણી લડી રહ્યા છે. બીઆરએસના પેદ્દાપલ્લી સાંસદ વેંકટેશ નેતાએ કોંગ્રેસમાં પ્રવેશ કર્યો છે અને તેમની ઉમેદવારીની ઔપચારિક જાહેરાતની રાહ જોઈ રહ્યા છે. વારંગલના બીઆરએસ સાંસદ પસુનુરી દયાકર પણ લોકસભાની ટિકિટ નકાર્યા બાદ પાર્ટી છોડી ચૂક્યા છે.

તમને જણાવી દઈએ કે 2022 અને 2023ના કેટલાક મહિનાઓ સુધી ચંદ્રશેખર રાવ વિપક્ષી દળોને એક કરવા અને પોતે સીએમથી પીએમ બનાવવાના અભિયાનમાં વ્યસ્ત દેખાયા હતા. આ હેતુ સાથે, તેમણે તેમની પાર્ટી તેલંગાણા રાષ્ટ્ર સમિતિ ભારત રાષ્ટ્ર સમિતિ બનાવી જેથી તેને રાષ્ટ્રીય સ્વરૂપ અને દરજ્જો આપવાનો પ્રયાસ ફળદાયી બને.  આ સિવાય તેમણે બિન-ભાજપ અને બિન-કોંગ્રેસી મુખ્યમંત્રીઓ સાથે ત્રીજો મોરચો બનાવવાનો પ્રયાસ પણ કર્યો હતો અને વડાપ્રધાન મોદી પર સતત આકરા પ્રહારો કર્યા હતા પરંતુ તમામ નિષ્ફળ ગયા હતા.

Total Visiters :59 Total: 677751

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *