અમદાવાદના ઇતિહાસમાં સર્વપ્રથમ વખત૩૫ જૈન દીક્ષાનો વિક્રમસર્જક વીરવ્રતોત્સવ

Spread the love

·          જૈનધર્મના અંતિમ તીર્થંકર પરમાત્મા મહાવીર સ્વામીના નિર્વાણનાં ૨,૫૫૦ વર્ષની ઉજવણીના ભાગરૂપે ૩૫ મુમુક્ષુઓ તા. ૨૨ એપ્રિલ, ૨૦૨૪ના શુભ દિને સંસારનો ત્યાગ કરીને પ્રભુ મહાવીરના પંથે વિજય પ્રસ્થાન કરવાના છે. 

·        જૈન શાસનના પાટનગર સમાન અમદાવાદ શહેરના ઇતિહાસમાં ક્યારેય ન બની હોય તેવી અજબગજબની ઘટના આવતી ૨૨ એપ્રિલના રોજ બનવા જઈ રહી છે.

·        વિક્રમ સંવત ૨૦૮૦ના ચૈત્ર સુદ ૧૪ના ઉગમતા પ્રભાતે રિવરફ્રન્ટ ઉપર નિર્માણ કરવામાં આવેલી ભવ્ય, દિવ્ય અને સુરમ્ય અધ્યાત્મ નગરીમાં દીક્ષાના મહાનાયક પરમ પૂજ્ય આચાર્યદેવશ્રી વિજય યોગતિલકસૂરીશ્વરજી મહારાજાના વરદ હસ્તે ૧૧ વર્ષની ઉંમરનાં બાળકથી લઈને ૫૬ વર્ષના પ્રૌઢ સુધીના ૩૫ મુમુક્ષુઓ સંસારનો પરિત્યાગ કરીને પ્રભુ વીરના પંથે પ્રયાણ કરવાના છે.

·        આ મુમુક્ષુઓના મહાભિનિષ્ક્રમણ નિમિત્તે પાંચ દિવસના ભવ્ય મહોત્સવનો પ્રારંભ તા.૧૮ એપ્રિલના રોજ કરવામાં આવશે, જેમાં દુનિયાભરના ખુણેખૂણેથી આશરે એક લાખ શ્રદ્ધાળુ જૈનો હાજર રહેવાની ગણતરી છે.

·        પૂજ્ય ગુરુ ભગવંતો સહિત ૪૦૦ શ્રમણ-શ્રમણી ભગવંતોના ભવ્ય નગર પ્રવેશની સ્વાગત યાત્રા તા. ૧૮ના સવારે ધામધૂમથી યોજવામાં આવી છે.

·        દીક્ષા લેનારા ૩૫ મુમુક્ષુઓના વરસીદાનનો ભવ્ય વરઘોડો તા. ૨૧ એપ્રિલના સવારે કાઢવામાં આવશે, જેની લંબાઈ આશરે ૧ કિલોમીટર જેટલી હશે.

સંસારનો પરિત્યાગ કરનારા મુમુક્ષુઓનો રસપ્રદ પરિચય

અમદાવાદમાં જે ૩૫ મુમુક્ષુઓ દીક્ષા ગ્રહણ કરવાના છે, તેમાં પાંચ પરિવારો એવા છે કે તેમની દીક્ષા સાથે તેમનાં ઘરોને તાળાં લાગી જશે અને સમગ્ર પરિવાર પ્રભુ વીરના પંથે વિચરશે.

(૧) સુરતમાં રહેતા સંજયભાઈ માણિકચંદ સાદરીયા ટેક્સટાઇલ માર્કેટમાં મોટા વેપારી છે. તેમના પુત્રે અને પુત્રીએ વર્ષ ૨૦૨૧માં દીક્ષા ગ્રહણ કરી હતી. હવે સંજયભાઈ અને તેમનાં શ્રાવિકા બીનાબહેન પણ દીક્ષા ગ્રહણ કરશે ત્યારે સમગ્ર પરિવાર ઘર છોડીને ઉપાશ્રયમાં વસતો થઈ જશે.

(૨) મુંબઈમાં રહેતા કાપડના વેપારી જશવંતભાઈ શાંતિલાલ શાહ અને તેમનાં શ્રાવિકા દીપિકાબહેન અમદાવાદમાં દીક્ષા ગ્રહણ કરવાનાં છે. તેમના બે જોડિયા પુત્રો અગાઉ જ દીક્ષા ગ્રહણ કરીને પ્રભુ શ્રી મહાવીરના પંથે પ્રયાણ કરી ચૂક્યા છે.

(૩) જશવંતભાઈના નાના ભાઈ મુકેશભાઈના પરિવારમાં તેમનાં શ્રાવિકા મોનિકાબહેન ઉપરાંત પુત્ર હિત અને પુત્રી ક્રિશા છે. હવે સમગ્ર પરિવાર સર્વસ્વનો ત્યાગ કરવાનો છે.

(૪) સુરતમાં રહેતાં જગદીશભાઈ મહાસુખલાલ શાહ અને તેમનાં શ્રાવિકા શિલ્પાબહેન દીક્ષા અંગિકાર કરશે. તેમનો એકનો એક પુત્ર ૨૦૨૧માં દીક્ષા અંગિકાર કરી ચૂક્યો છે.

(૫) અમદાવાદમાં રહેતા ભાવેશભાઈ ગિરીશભાઈ ભંડારી રિયલ એસ્ટેટનો બહોળો કારોબાર ધરાવે છે. તેઓ તેમનાં શ્રાવિકા જિનલબહેન સાથે દીક્ષા લેવાના છે. તેમના પુત્રે અને પુત્રીએ વર્ષ ૨૦૨૧માં સુરત ખાતે દીક્ષા ગ્રહણ કરી હતી. ભાવેશભાઈ ૩૫ દીક્ષા નિમિત્તે અમદાવાદમાં વસતા ૪૦,૦૦૦ જૈન પરિવારોમાં મિઠાઈનું વિતરણ કરી રહ્યા છે.

દીક્ષા ગ્રહણ કરનારા દરેક મુમુક્ષુઓ વિશિષ્ટ પ્રતિભાના સ્વામી છે. મુંબઈમાં રહેતી હીનલકુમારી સંજયભાઈ જૈન ડિજીટલ માર્કેટિંગમાં માસ્ટર્સ ડિગ્રી ધરાવે છે. દીક્ષા ગ્રહણ કર્યા પછી હીનલકુમારી મોબાઈલ કે લેપટોપ જેવાં સાધનોનો સ્પર્શ પણ નહીં કરે. તે દુન્યવી ડિજીટલ માર્કેટિંગનો ત્યાગ કરીને પરમાત્મા મહાવીર દેવના આધ્યાત્મિક માર્ગનું માર્કેટિંગ કરશે.

અમદાવાદમાં રહેતા મુકેશભાઈ ૧૨મા ધોરણમાં સમગ્ર સિરોહી જિલ્લામાં પ્રથમ ક્રમાંકે ઉત્તીર્ણ થયા હતા. હવે તેઓ ગુરુ વેયાવચ્ચમાં પ્રથમ રેન્ક માટે પુરૂષાર્થ કરશે.

સુરતમાં રહેતા ભવ્યભાઈ દર મહિને શ્રી ગિરનાર તીર્થની યાત્રા કરવાનો નિયમ ધરાવે છે. જે મહિને શ્રી ગિરનારની યાત્રા ન થાય તે મહિને તેઓ મિઠાઈનો ત્યાગ કરે છે. ગિરનાર તીર્થના અધિનાયક શ્રી નેમિનાથ પ્રભુની જેમ તેઓ લગ્ન કર્યા વિના દીક્ષા ગ્રહણ કરવાના છે.

સુરતમાં રહેતા દેવેશ નંદિષેણભાઈ રાતડિયા સાત સૂરોની સરગમના સથવારે વીતરાગ પરમાત્માની ભક્તિના મંત્રમુગ્ધ ગાયક અને પ્રતિભાશાળી સંગીતકાર છે. તેઓ દીક્ષાના પ્રસંગોમાં દીક્ષાર્થીની અનુમોદનાનાં ગીતો ગાતાં વૈરાગ્યના રંગે રંગાઈને દીક્ષા ગ્રહણ કરવા જઈ રહ્યા છે.

અમદાવાદમાં રહેતા ૧૮ વર્ષના હિત મુકેશભાઈ શાહ ક્રિકેટના જબરા શોખીન હતા. દર વખતે તેમને વર્લ્ડ કપ જોયા વિના ચેન પડતું નહોતું.આ વખતે હિતે વર્લ્ડ કપ તો જોયો નહોતો પણ દીક્ષા લીધા પછી તે કદી કોઈને ક્રિકેટનો સ્કોર પણ પૂછવાનો નથી.

સુરતમાં રહેતાં ૧૩ વર્ષના હેત મયૂરભાઈ શાહે નાની ઉંમરમાં જૈન ધર્મનાં સૂત્રો જેવાં કે પાંચ પ્રતિક્રમણ, ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, ત્રણ કર્મગ્રંથ, યોગશાસ્ત્ર, અલંકાર શાસ્ત્ર વગેરેનો ગહન અભ્યાસ કર્યો છે. તેમણે જૈન ધર્મના આશરે ૩,૫૦૦ શ્લોકો કંઠસ્થ કર્યા છે.

પરમ પૂજ્ય આચાર્ય ભગવંત પાસે જે ૩૫ મુમુક્ષુઓ દીક્ષા ગ્રહણ કરવાના છે, તેમાં ૧૦ મુમુક્ષુઓ તો ૧૮ વર્ષની નીચેનાં છે. તેઓ પોતાનાં માતાપિતાની સંમતિથી દીક્ષા ગ્રહણ કરી રહ્યા છે.

દીક્ષાના મહાનાયક આચાર્યશ્રી વિજય યોગતિલકસૂરિજી

·         રાજનગર અમદાવાદમાં ૩૫ મુમુક્ષુઓને જૈન ધર્મની દીક્ષા આપનારા પૂજ્ય આચાર્યશ્રી  વિજય યોગતિલકસૂરિજીએ તેમની સંસારી અવસ્થામાં સી.એ.ની ડિગ્રી મેળવ્યા પછી સંસારથી વિરક્ત થઈને વર્ષ ૧૯૮૮માં મુંબઈ મુકામે દીક્ષા અંગિકાર કરી હતી.

·         તેમનાં પ્રવચનોમાં એવો જાદુ છે કે તેનું શ્રવણ કરનારાને સંસારનો ત્યાગ કરીને દીક્ષા લેવાની તીવ્ર ઝંખના જાગ્રત થઈ જાય છે.

·         આચાર્યશ્રીનાં વૈરાગ્યરસપ્રચૂર પ્રવચનો સાંભળીને અત્યાર સુધીમાં ૧૨૫ ભાઈઓ અને ૨૩૩ બહેનો દીક્ષા અંગિકાર કરી ચૂક્યાં છે.

·         તેમની નિશ્રામાં ભૂતકાળમાં વર્ષ ૨૦૧૨માં પાલીતાણામાં ૧૭, વર્ષ ૨૦૧૪માં સુરતમાં ૪૫, વર્ષ ૨૦૧૬માં સુરતમાં ૩૬, વર્ષ ૨૦૧૭માં અમદાવાદમાં ૨૬, વર્ષ ૨૦૧૮માં મુંબઈમાં ૪૪, વર્ષ ૨૦૧૯માં ફરી સુરતમાં ૧૮ અને વર્ષ ૨૦૨૧માં સુરતમાં ૭૪ દીક્ષાના કાર્યક્રમો યોજાઈ ચૂક્યા છે.

·         આચાર્યશ્રીની છત્રછાયામાં હાલ ૧૩૭ સાધુ ભગવંતો અને ૨૫૩ સાધ્વીજી ભગવંતો ભગવાન મહાવીરના પંથે ચાલીને સંયમજીવનની ઉત્તમ સાધના કરી રહ્યા છે.

·         આચાર્યશ્રી પાસે દીક્ષા લેનારા પુણ્યાતમાઓ પૈકી ૧૮ ભાઈઓ અને ૨૯ બહેનો બાળવયમાં દીક્ષિત બન્યાં હતાં.

·          આચાર્યશ્રીની નિશ્રામાં પાલીતાણામાં અજિત-શાંતિની પ્રતિષ્ઠા, ઉપધાન, ૬ ‘રી’ પાલક સંઘ જેવા સંખ્યાબંધ શાસનપ્રભાવક પ્રસંગો યોજાયા છે.

·         આચાર્યશ્રીની નિશ્રામાં છેલ્લાં ૧૦ વર્ષમાં ૩૦૦થી વધુ પુણ્યાત્માઓ દીક્ષા અંગિકાર કરી ચૂક્યા છે, જે જૈન શાસનમાં અજબગજબની ઘટના માનવામાં આવે છે.

રિવરફ્રન્ટ પર ભવ્ય અધ્યાત્મ નગરી

·         અમદાવાદના ઇતિહાસમાં ક્યારેય જોવા ન મળ્યો હોય તેવો દીક્ષાનો મહોત્સવ યોજવા માટે સાબરમતી રિવરફ્રન્ટમાં ત્રણ લાખ ચોરસ ફીટ વિસ્તારમાં રાજસ્થાનના ભવ્ય મહેલોની  ઝાંખી કરાવતી અધ્યાત્મ નગરીનું નિર્માણ કરવામાં આવ્યું છે.

·         તેમાં બે લાખ મીટર કાપડનો અને ૨.૫ લાખ ચોરસ ફૂટ લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

·         તેનો મુખ્ય મંડપ ૬૦,૦૦૦ ચોરસ ફૂટનો છે, જેમાં બે હજાર ચોરસ ફૂટનું સ્ટેજ મુમુક્ષુ પરિવારો માટે બાંધવામાં આવ્યું છે. બીજાં સ્ટેજ પર પૂજ્ય સાધુ ભગવંતો અને ત્રીજાં સ્ટેજ પર પૂજ્ય સાધ્વીજી ભગવંતો બિરાજમાન થશે.

·         મુખ્ય મંડપમાં આશરે ૨૦,૦૦૦ દર્શકો સાથે બેસીને દીક્ષાના કાર્યક્રમોને નિહાળી શકશે. ઉનાળાની ગરમીમાં એર કન્ડીશનર કે પંખાનો ઉપયોગ કર્યા વિના પણ ઠંડક થાય તેવા ઉપાયો કરવામાં આવશે.

·         તેમાં રાત્રિના સમયે બે હજાર દીવાઓ દ્વારા રોશની કરવામાં આવશે.

·         અધ્યાત્મ નગરીમાં પરમાત્માની ભક્તિ માટે રાજસ્થાનના રાજમહેલની થીમ પર ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે.

·         આ મંદિરની રચના બોલિવૂડના આર્ટ ડિરેક્ટર ચંદ્રશેખર પરબે કરી છે.

·         અધ્યાત્મ નગરીમાં દીક્ષાના સાક્ષી બનવા માટે પધારનારા મહેમાનો માટે ૩૦૦ કારના પાર્કિંગ માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી છે.

·         કોઈ પણ આગની ઘટના ન બને તે માટે ફાયર બ્રિગેડની ગાડી સ્થળ પર હાજર જ રહેશે.

·         મુલાકાતી માટે પર્યાપ્ત સંખ્યામાં વોશરૂમની અને ટોઇલેટની પણ સુઘડ વ્યવસ્થા કરવામાં આવી છે.

દીક્ષાના દિવસે ૫૦,૦૦૦ સાધર્મિકોની
પંગતમાં બેસાડીને ભક્તિ કરવામાં આવશે

·         ૩૫ દીક્ષાના મહોત્સવના સાક્ષી બનવા માટે તા. ૧૮થી ૨૨ એપ્રિલ દરમિયાન અધ્યાત્મ નગરીમાં પધારનારા તમામ ભાવિકો માટે ત્રણેય ટંકના ભાવતાં ભોજનની સાધર્મિક ભક્તિનું આયોજન કરવામાં આવ્યું છે.

·         આ માટે ૬૫,૦૦૦ ચોરસ ફૂટનું ક્ષેત્રફળ ધરાવતા વિશાળ ભોજન મંડપનું નિર્માણ કરવામાં આવ્યું છે. તેમાં એક જ પંગતમાં ૩,૨૦૦ ભાવિકો ભોજન કરી શકશે.

·         દીક્ષાના દિવસે કુલ ૫૦,૦૦૦ ભાવિકોની સાધર્મિક ભક્તિ કરવામાં આવશે. મિઠાઇ, ફરસાણ, શરબત, રાબ, રોટલી, પૂરી, કઠોળ, ભાત, દાળ વગેરે મળીને આશરે ૧૫થી ૨૦ વાનગીઓ રહેશે.

·         ચૈત્ર મહિનામાં શાશ્વતી ઓળીના દિવસો હોવાથી ભોજનમાં શાકભાજી તેમ જ ફળફળાદિનો ઉપયોગ કરવામાં આવશે નહીં.

·         રસોઈ માટે ૨૦૦ માણસોનો અને પીરસવા માટે ૫૦૦ માણસોનો સ્ટાફ રાખવામાં આવ્યો છે.

·         ભોજન માટે ૭,૦૦૦ કાંસાના થાળીવાટકાના સેટનો ઉપયોગ કરવામાં આવશે.

·         પીવાનાં ઠંડાં પાણી માટે બરફનો નહીં પણ સેંકડો માટલાંનો ઉપયોગ કરવામાં આવશે.

ચૈત્ર સુદ તેરસે વર્ષીદાનનો ભવ્ય વરઘોડો

·         દીક્ષા મહોત્સવની નિમંત્રણ પત્રિકા અમદાવાદના લગભગ ૪૦,૦૦૦ જૈન પરિવારોના ઘરે ઘરે પહોંચતી કરવામાં આવશે.

·         તેની સાથે મિઠાઈનું બોક્સ પણ હશે.

·         પૂજય ગુરુ ભગવંતો તા. ૧૮ના નગરપ્રવેશ કરવાના છે, તેમનું સામૈયું કરવા ભવ્ય સ્વાગત યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

·         જે ૩૫ મુમુક્ષુઓ દીક્ષા ગ્રહણ કરવાના છે તેમના વર્ષીદાનનો ભવ્ય વરઘોડો દીક્ષાના આગલા દિવસે ચૈત્ર સુદ તેરસે અમદાવાદના રાજમાર્ગો પર નીકળશે.

·         આ દિવસ જૈન ધર્મના અંતિમ તીર્થંકર શ્રી મહાવીર સ્વામી ભગવાનના જન્મ કલ્યાણકનો દિવસ પણ છે.

·         વર્ષીદાનના વરઘોડામાં ત્રણ હાથી, ઘોડાઓ, પાંચ વિન્ટેજ કાર, સંગીત મંડળીઓ વગેરેનો સમાવેશ કરવામાં આવશે.

·         છેક કેરળ અને પંજાબ જેવાં રાજ્યોની મશહૂર સંગીત મંડળીઓની કળા અમદાવાદમાં નિહાળવા મળશે.

·         વર્ષીદાનના વરઘોડાની લંબાઈ જ ૧ કિલોમીટર જેટલી હશે, જે ૭ કિલોમીટરનો પ્રવાસ કરશે.

પાંચ દિવસના મહોત્સવમાં વિવિધ કાર્યક્રમો

૩૫ મુમુક્ષુઓના સંસારત્યાગ મહોત્સવ નિમિત્તે રિવરફ્રન્ટ ઉપર ઊભી કરવામાં આવેલી ભવ્ય અધ્યાત્મ નગરીમાં તા. ૧૮થી ૨૨ દરમિયાન વિવિધ વિશિષ્ટ કાર્યક્રમો યોજવામાં આવ્યા છે.

(૧) તા. ૧૮ના પહેલા દિવસે ગુરુ ભગવંતોના નગરપ્રવેશ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા. ત્યાર બાદ દીક્ષાનગરીમાં પ્રવેશ અને ઉદ્ઘાટન પ્રવચનો. સાંજે સંધ્યા ભક્તિ યોજવામાં આવશે.

પહેલા દિવસે રાતે અમદાવાદના રાજમાર્ગો પર પહેલી વખત વંદોલીનો અત્યંત વિશિષ્ટ કાર્યક્રમ યોજવામાં આવશે, જેમાં રાતના પણ દિવસ જેવી રોશની કરવામાં આવશે. આ વંદોલીમાં ઘોડાની બગીઓ, ઢોલીઓ, ડી.જે., રંગબેરંગી પ્રકાશ રેલાવતી છત્રીઓ વગેરે જોવા મળશે.

(૨) બીજા દિવસે સવારે વ્યાખ્યાન સમયે કેટલાંક વિશિષ્ટ પુસ્તકોના વિમોચનનો કાર્યક્રમ કરવામાં આવશે, જેમાં મધ્યકાલીન જૈન સાહિત્ય આધારીત રાસને લગતા અપ્રગટ પુસ્તકનું પ્રકાશન કરવામાં આવશે. તદુપરાંત પૂજ્ય ગુરુ ભગવંતનાં પ્રવચનોનું હિન્દી સંસ્કરણ પ્રકાશિત કરવામાં આવશે. સવારે છાબભરણ તેમ જ ભવ્ય સ્નાત્ર મહોત્સવ પણ ઉજવવામાં આવશે. રાતે દીક્ષાર્થીઓનો વિદાય સમારંભ યોજવામાં આવશે, જેમાં દીક્ષાર્થીઓ પોતાના મનની વાતો કહેશે.

(૩) ત્રીજા દિવસે મહેંદીનો મહોત્સવ યોજવામાં આવશે, જેમાં દીક્ષાર્થીને તેના સ્વજનો છેલ્લી વખત હાથમાં મહેંદી પૂરીને વિદાય આપશે. આ મહોત્સવ સંગીતના સથવારે યોજાશે. રાતે સંધ્યા ભક્તિ યોજવામાં આવશે તેમ જ મુમુક્ષુની વિદાયનો કાર્યક્રમ પણ આગળ ચાલશે.

(૪) ચોથા દિવસે સવારે ૭ કિલોમીટર લાંબી રથયાત્રા કાઢવામાં આવશે. ત્યાર બાદ મુમુક્ષુઓના સંયમજીવનનાં ઉપકરણોની ઉછામણી બોલાવવામાં આવશે. રાતે સુરતના મુમુક્ષુ દેવેશ દ્વારા વિશિષ્ટ પ્રકારે પરમાત્માની ભક્તિ કરાવવામાં આવશે. ભવ્ય મહાપૂજાનું પણ આયોજન કરાશે. રાતે વિવિધ પાઠશાળાનાં બાળકો દ્વારા બાળનાટિકાની સ્પર્ધા પણ યોજવામાં આવશે. રાતે અકબર-બિરબલના સંવાદના રૂપમાં ‘સૃષ્ટિનું સર્વોચ્ચ કાર્ય શું?’ તે વિષય પર જીવંત દૃશ્યાવલિ ભજવાશે.

(૫) પાંચમા દિવસે વહેલી સવારે ૫.૩૧ કલાકે ગુરુ ભગવંતોના મંગલ પ્રવેશ સાથે દીક્ષાની વિધિનો પ્રારંભ થશે. સવારે ૭.૦૨ કલાકે મુમુક્ષુને સાધુજીવનના પ્રતિક સમાન રજોહરણ પ્રદાન કરવામાં આવશે.ત્યાર બાદ સવારે ૯.૩૦ કલાકે લોચની વિધિ થશે. નૂતન દીક્ષિતોનાં સંસારી નામોને કાયમ માટે રદ્દ કરીને તેમને સાધુ-સાધ્વીજી તરીકેનાં નૂતન નામ પ્રદાન કરવામાં આવશે.

૧૫ પૂજ્ય આચાર્ય ભગવંતો સહિત ૪૦૦ પૂજય સાધુ-સાધ્વીજીની નિશ્રા

(૧) પરમ પૂજ્ય આચાર્યશ્રી વિજય પૂર્ણચંદ્રસૂરિજી મહારાજ સાહેબ

(૨) પરમ પૂજ્ય આચાર્યશ્રી વિજય નરચંદ્રસૂરિજી મહારાજ સાહેબ

(૩) પરમ પૂજ્ય આચાર્યશ્રી વિજય ગુણશીલસૂરિજી મહારાજ સાહેબ

(૪) પરમ પૂજ્ય આચાર્યશ્રી વિજય કીર્તિયશસૂરિજી મહારાજ સાહેબ

(૫) પરમ પૂજ્ય આચાર્યશ્રી વિજય યોગતિલકસૂરિજી મહારાજ સાહેબ

(૬) પરમ પૂજ્ય આચાર્યશ્રી વિજય કુલશીલસૂરિજી મહારાજ સાહેબ

(૭) પરમ પૂજ્ય આચાર્યશ્રી વિજય હિતપ્રજ્ઞસૂરિજી મહારાજ સાહેબ

(૮) પરમ પૂજ્ય આચાર્યશ્રી વિજય હર્ષવર્ધનસૂરિજી મહારાજ સાહેબ

(૯) પરમ પૂજ્ય આચાર્યશ્રી વિજય યશપ્રેમસૂરિજી મહારાજ સાહેબ

(૧૦) પરમ પૂજ્ય આચાર્યશ્રી વિજય યુગચંદ્રસૂરિજી મહારાજ સાહેબ

(૧૧) પરમ પૂજ્ય આચાર્યશ્રી વિજય નિર્મળદર્શનસૂરિજી મહારાજ સાહેબ

(૧૨) પરમ પૂજ્ય આચાર્યશ્રી વિજય કુલચંદ્રસૂરિજી મહારાજ સાહેબ

(૧૩) પરમ પૂજ્ય આચાર્યશ્રી વિજય મોક્ષરતિસૂરિજી મહારાજ સાહેબ

(૧૪) પરમ પૂજ્ય આચાર્યશ્રી વિજય તત્ત્વપ્રભસૂરિજી મહારાજ સાહેબ

(૧૫) પરમ પૂજ્ય આચાર્યશ્રી વિજય ધર્મતિલકસૂરિજી મહારાજ સાહેબ

(૧૬)પરમ પૂજ્ય ઉપાધ્યાયશ્રી આર્યતિલકવિજયજી મહારાજ સાહેબ

Total Visiters :139 Total: 678036

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *