ભાવનગરમાં યોજાનારી સિઝનની પ્રથમ સ્ટેટ ટીટી સ્પર્ધામાં વિક્રમી સંખ્યામાં ખેલાડી ભાગ લેશે

Spread the love

ગાંધીધામ

માઇક્રોસાઇન પ્રથમ ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનો બીજી મેથી ભાવનગરના એસએજી સ્પોર્ટ્સ કોમ્પલેક્સ ખાતે પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે કોવિડ બાદ આ ટુર્નામેન્ટમાં વિક્રમી સંખ્યામાં એટલે કે 686 ખેલાડીએ પ્રવેશ મેળવ્યો છે.

વર્તમાન સિઝનની આ પ્રથમ ટુર્નામેન્ટ ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના નેજા હેઠળ ભાવનગર જિલ્લા ટેબલ ટેનિસ એસોસિયેશનના ઉપક્રમે યોજાઈ રહી છે અને તેના ટાઇટલ સ્પોન્સર્સ માઇક્રોસાઇ છે તો સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત (એસએજી)નો આ ટુર્નામેન્ટને સહયોગ સાંપડ્યો છે.

આ સિઝનથી જીએસટીટીએ દ્વારા ઇનામીરકમમાં 13 ટકાનો વધારો કરવાનો નિર્ણય લેવાયો છે જ્યારે  પ્રવેશી ફીમાં કોઈ વધારો કરાયો નથી જેનાથી ખેલાડીઓમાં ઉત્સાહ વ્યાપેલો છે.

આ ઉપરાંત આ વર્ષથી જીએસટીટીએએ રાઉન્ડ ઓફ 64થી જ ખેલાડીઓને રેન્કિંગ પોઇન્ટ ફાળવવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે. અગાઉ પ્રિ ક્વાર્ટર ફાઇનલથી પોઇન્ટ ફાળવવામાં આવતા હતા.

ક્રિત્વિકા સિંહા રોય, ઓઇશિકી જોઆરદાર, ફ્રેનાઝ છિપીયા, ચિત્રાક્ષ ભટ્ટ, સોહમ ભટ્ટાચાર્ય અને અક્ષિત સાવલાએ રમવા માટે એન્ટ્રી લઈ લીધી છે ત્યારે કેટલાક સ્થાનિક ખેલાડી પર પણ નજર રહેશે જેમાં નામના જયસ્વાલ,રિયા જયસ્વાલ, ધ્યેય જાની અને ચાર્મી ત્રિવેદીનો સમાવેશ થાય છે. આ તમામ ખેલાડી સ્થાનિક પ્રેક્ષકો સામે રમનારા છે.

નામના અને રિયાના પિતા અને પીઢ ખેલાડી જિજ્ઞેશ જયસ્વાલ પણ આ વખતે રમનારા છે.

આટલી જંગી સંખ્યામાં ખેલાડીઓએ એન્ટ્રી લીધી છે ત્યારે યજમાન ભાવનગર જિલ્લા ટેબલ ટેનિસ એસોસિયેશનના પ્રમુખ નિશિથ મહેતાએ જણાવ્યું હતું કે પહેલી વાર અમારી સિઝન આટલી વહેલી શરૂ થઈ રહી છે. મે મહિનાની ગરમીનો સામનો કરવા માટે અમે સજ્જ છીએ કેમ કે આ ટુર્નામેન્ટ નવા જ બંધાયેલા એર કન્ડિશન્ડ ઇન્ડોર સ્ટેડિયમ ખાતે રમાનારી છે. જેનો વિકાસ સરકાર દ્વારા એસએજીના માધ્યમથી કરાયો છે.

જીએસટીટીએના સેક્રેટરી કુશલ સંગતાણીએ વહેલી સિઝન શરૂ કરવાના લાભ અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે  “અમે વહેલો પ્રારંભ કર્યો છે જેથી અમે સિઝન વહેલી પૂરી કરી શકીએ અને ત્યાર બાદ ખેલાડીઓ નેશનલ સરકિટ પર ફોકસ કરી શકશે જે સામાન્ય રીતે વર્ષના બીજા ક્વાર્ટર દરમિયાન યોજાતી હોય છે.” તેમ સંગતાણીએ ઉમેર્યું હતું.

Total Visiters :81 Total: 677833

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *