પરશોત્તમ રૂપાલાને ક્ષત્રિયો પર ટિપ્પણ મુદ્દે પંચની ક્લિનચિટ

Spread the love

પંચના નિર્ણયથી ક્ષત્રિયો કદાચ નારાજ થવાની ભીતિ

ગાંધીનગર

લોકસભા ચૂંટણી ટાણે ક્ષત્રિય સમાજ અંગે વિવાદિત ટિપ્પણી કરતાં પરશોત્તમ રૂપાલાએ ભાજપને મુશ્કેલીમાં મૂકી દીધો છે. તેમની આ ટિપ્પણીની અસર હવે ગુજરાતની મહત્ત્વપૂર્ણ બેઠકો સહિત અન્ય રાજ્યોમાં પણ દેખાઈ રહી છે. ત્યારે આ મામલે ચૂંટણીપંચે પણ કાર્યવાહી કરી હતી. જોકે ચૂંટણીપંચનો નિર્ણય કદાચ ક્ષત્રિય સમાજના લોકોને ન ગમે તેવો છે. 

ગુજરાત રાજ્યમાં ચારેકોર વિવાદ વચ્ચે રૂપાલા વિવાદમાં રાજ્યના ચૂંટણીપંચે રાજકોટના ભાજપ ઉમેદવાર પરશોત્તમ રૂપાલાને ક્લિનચીટ આપી દીધી છે. તેમને ક્ષત્રિય સમાજ અંગેની ટિપ્પણી મામલે આ ક્લિનચીટ અપાઈ છે. ચૂંટણી પંચના આ નિર્ણયથી ક્ષત્રિય સમાજ કદાચ નારાજ થાય તેવી ભીતિ સેવાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે રૂપાલા સામે આચાર સંહિતા ભંગની ફરિયાદ દાખલ થઇ હતી. જેના પર તપાસ હાથ ધરવા માટે નોડલ ઓફિસર અને એક પ્રાંત અધિકારીને જવાબદારી સોંપવામાં આવી હતી. માહિતી મુજબ તમામ વીડિયો અને પુરાવાઓની તપાસ બાદ ગઇકાલે સાંજે જિલ્લા કલેક્ટરને આ મામલે તપાસનો રિપોર્ટ મોકલાયો હતો અને ત્યાંથી આ રિપોર્ટ ચૂંટણીપંચને સુપરત કરાયો હતો. તપાસ રિપોર્ટના આધારે જ રૂપાલાને ચૂંટણી પંચે ક્લિનચીટ આપી દેતાં ભાજપે રાહતના શ્વાસ લીધા હતા.

રૂપાલાના નિવેદન બાદ રાજકોટ જિલ્લાના વડાળી, વાવડી, રમતપર ગામમાં રૂપાલા અને ભાજપને પ્રવેશબંધીના પોસ્ટરો લાગ્યા છે. આ ઉપરાંત વાંકાનેરના અગાભી પીપળીયા ગામમાં પણ આવા પોસ્ટર વાયરલ થયા છે. જામનગરના ધ્રોલના મોટા વાગુદડ ગામમાં રાજપૂત સમાજ દ્વારા ભાજપના નેતા અને આગેવાનો માટે પ્રવેશબંધીના બેનરો લગાવવામાં આવ્યા છે. જ્યાં સુધી રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી ભાજપના નેતા કે આગેવાનોએ ગામમાં પ્રચાર માટે પ્રવેશ ન કરવા જણાવવામાં આવ્યું છે. 

ઉલ્લેખનીય છે કે ક્ષત્રિય અને રાજપૂતોએ પરશોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવાની માગ કરતાં ભાજપને ચેતવણી આપી છે કે જો તે રૂપાલાની ટિકિટ રદ નહીં કરે તો લોકસભા ચૂંટણીમાં તેણે પરિણામો ભોગવવા પડશે. આ સાથે બીજી બાજુ ભાજપે પણ કહી દીધું છે કે જે ઉમેદવારો જાહેર કરી દેવાયા છે તેમાં કોઈ ફેરફાર થવાનું નથી. ભાજપે કહ્યું છે કે રૂપાલાએ માફી માગી છે અને ક્ષત્રિય સમાજે તેમને માફ કરવા જોઈએ. આ સૌની વચ્ચે ઠેર ઠેર પોસ્ટરો ચોંટાડીને પણ રૂપાલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. રાજ્યમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક ભાગો સહિત આણંદ, વડોદરામાં પણ તેમનો વિરોધ થઈ રહ્યો છે. 

અગાઉ ગાંધીનગરમાં સી.આર પાટીલના નિવાસસ્થાને મહત્તવની બેઠક યોજાઈ હતી. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સાથે ભાજપના ક્ષત્રિય નેતાઓ પણ હાજર રહ્યા હતા. આ બેઠકમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે કહ્યું કે, ‘રૂપાલાએ માફી માગી છતા રોષ યથાવત છે. હું પણ વિનંતી કરું છું કે ક્ષત્રિય સમાજ મોટું મન રાખીને રૂપાલાને માફી આપે.’ આજે અમદાવાદના ગોતામાં ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ સાથે ભાજપની બેઠક યોજાઈ.

રાજકોટથી ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાએ તાજેતરમાં ચૂંટણી પ્રચાર વખતે  વાલ્મિકી સમાજના એક સમારોહમાં સભા સંબોધી હતી. ત્યાં રૂપાલાએ રજવાડાઓ અંગે વિવાદિત ટિપ્પણી કરતાં કહ્યું કે અંગ્રેજોએ દમન કરવામાં કંઈ બાકી નહોંતું રાખ્યુ અને મહારાજાઓ નમી ગયા, રાજા- મહારાજાઓએ રોટી-બેટીના વ્યવહારો કર્યા પણ મારા રૂખી સમાજે ન તો ધરમ બદલ્યો ન તો વ્યવહારો કર્યા. સૌથી વધુ દમન તેમના પર થયા હતા. 

Total Visiters :84 Total: 679296

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *