સી.આર. પાટીલ સાથેની મુલાકાત બાદ કેતન ઈનામદારે રાજીનામું પાછું ખેંચ્યું

Spread the love

જૂના કાર્યકરના માન સન્માનની વાત હતી, દરેકની કામ કરવાની પદ્ધતિ અલગ હોય છે, મારી કામ કરવાની પદ્ધતિ અલગ છે, વ્યક્તિગત કોઈનો વિરોધ નથીઃ કેતન

વડોદરા

ભાજપમાં ચાલી રહેલા ભરતી મેળાથી નારાજ થઈને આજે (19 માર્ચ) અચાનક સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે રાજીનામું ઈમેઈલથી વિધાનસભા અધ્યક્ષને મોકલ્યું હતું. ત્યારબાદથી કેતન ઈનામદારને સમજાવવાના પ્રયત્નો શરૂ થઈ ગયા હતા. જામનગરના ધારાસભ્ય અને વડોદરા જિલ્લાના પ્રભારી સાવલી ખાતે આવી પહોંચ્યા હતા. જ્યાં એક કલાકની બેઠક બાદ તેમને ગાંધીનગર બોલાવવામાં આવ્યા હોવાનો સંદેશો મળતા કેતન ઈનામદાર ગાંધીનગર પહોંચ્યા હતા. જ્યાં તેમણે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સાથે મુલાકાત કરી હતી. જ્યારબાદ તેમણે રાજીનામું પરત ખેંચવાનો નિર્ણય કર્યો હતો. હર્ષ સંઘવીના પ્રયાસથી મામલો શાંત પડ્યો. આમ, કેતન ઈનામદાર માની જતા વડોદરા ભાજપની આગ ઓલવાઈ છે.

ઈનામદારે આ અંગે વાત કરતા કહ્યું કે, ‘મેં મારી વેદના સી.આર. પાટીલ સામે રજૂ કરી. મેં મારા અંતર આત્માની વાત કરી. અમારા વચ્ચે સકારાત્મક માહોલમાં ચર્ચા થઈ. જૂના કાર્યકરના માન સન્માનની વાત હતી. દરેકની કામ કરવાની પદ્ધતિ અલગ હોય છે. મારી કામ કરવાની પદ્ધતિ અલગ છે. વ્યક્તિગત કોઈનો વિરોધ નથી. મારા વિસ્તારમાં ખેડૂતોને પાણી મળે તે મારી માંગ હતી. હું 2027ની ચૂંટણી નહીં લડું.’ આમ, ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે મુદ્દો સાંભળતા સમાધાન થયું છે. રાજીનામું પરત ખેંચ્યાની કેતન ઈનામદારે વિધાનસભા અધ્યક્ષને જાણ કરી છે. 

ઈનામદારે કહ્યું કે, આચાર સંહિતા પહેલા મારા કામ પૂર્ણ થાય તેવી ઈચ્છા હતી. મારા વિસ્તારમાં મહી વિયર યોજનાને લઈને મારી નારાજગી હતી. મારા પ્રશ્નો પૂર્ણ કરવા મને ખાતરી આપવામાં આવી છે. ખેડૂતોને પાણી મળે તે મારી માંગ હતી.

સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે રાજીનામું ઈ-મેઈલ કરતા ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે કહ્યું હતું કે, ‘કોઈ ધારાસભ્ય નક્કી નહીં કરે કે કોને પાર્ટીમાં લેવા અને ન લેવા. પાર્ટી નક્કી કરશે. પાર્ટીના નિતિ નિયમો મુજબ ચાલશે.’

કેતન ઈનામદાર ભાજપમાં થઈ રહેલા ભરતી મેળાથી નારાજ થયા હોવાનો દાવો કર્યો હતો. તેમનો દાવો હતો કે કાર્યકરો પણ નારાજ છે. બરોડા ડેરીના ડિરેક્ટર કુલદીપસિંહ રાઉલજી કોંગ્રેસમાં જોડાયા છે, જેઓ કેતન ઈનામદાર સામે વિધાનસભા લડ્યા હતા અને જેમાં તેઓ હાર્યા હતા. હવે થોડા દિવસ પહેલા કુલદીપસિંહ ભાજપમાં જોડાયા અને હવે ભાજપે કુલદીપસિંહને ડભોઈ વિધાનસભાના પ્રભારી બનાવ્યા છે. જેના કારણે વડોદરા ભાજપમાં ભૂકંપ સર્જાયો હતો.

વિધાનસભાની સાવલી બેઠકના ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદારે અવારનવાર લોકોના પ્રશ્નો અધિકારીઓ ઉકેલ લાવતા નથીના આક્ષેપો કરી અગાઉ પણ રાજીનામુંં ધરી દીધું હતું અને ત્યારબાદ સમાધાન થતાં રાજીનામુંં પરત ખેંચી લીધું હતું આ વખતે ફરી એકવાર કેતન ઈનામદારે પોતાનું રાજીનામુંં અધ્યક્ષને ઇ-મેલ દ્વારા મોકલ્યું હતું. જોકે તે હવે પરત લઈ લીધું છે. તેમણે રાજીનામું આપતા જણાવ્યું હતું કે ‘મારા અંતર આત્માના અવાજને માન આપીને ધારાસભ્ય પદેથી મારુ રાજીનામુંં મોકલી આપું છું. જે સ્વીકારવા વિનંતિ છે.’

Total Visiters :78 Total: 678762

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *