પક્ષ ચૂંટણી લડાવશે તો જ ભાજપમાં જોડાઈશઃ કનુ કલસરિયા

Spread the love

ચાહકવર્ગના લોકો કહ્યા કરે છે કે તમે કોઈ સત્તા પર હોય તેવી પાર્ટીમાં હોવ તો લોકોના ઘણા કલ્યાણના કામો થાય

અમદાવાદ

લોકસભાની ચૂંટણી પહેલા પક્ષપલટાની સીઝન ચાલી રહી છે. ભાજપનો ભરતી મેળો ચાલી રહ્યો છે, ત્યારે ભાવનગરના મહુવાના પૂર્વ ધારાસભ્ય કનુ કલસરિયાને જોડવાના ભરપૂર પ્રયાસ કરાઈ રહ્યા છે. એક સમયના જાયન્ટ કિલર નેતા તરીકેની છાપ ધરાવતા કનુ કલસરિયા ભાજપમાં જોડાશે કે નહીં તે હજુ સુધી સ્પષ્ટ નથી થઈ રહ્યું. કારણ કે હવે કનુ કલસરિયાના સૂર બદલાયા છે. પહેલા કહ્યું હતું કે ભાજપમાં નહીં જોડાઉં. ત્યારબાદ હવે તેઓ કહી રહ્યા છે કે જો મને ચૂંટણી લડાવશે તો જ ભાજપમાં જોડાઈશ.

કનુ કલસરિયાએ વધુ એક નિવેદન આપ્યું છે કે, ‘આમ તો એક વાત જગજાહેર થઈ ગઈ છે કે પક્ષ વિના કોઈ કામ નથી થતા. આમ તો હુ પક્ષ વિના જ લોક કલ્યાણના કામ તો જોડાયેલો છું છતા ચાહકવર્ગના લોકો કહ્યા કરે છે કે તમે કોઈ સત્તા પર હોય તેવી પાર્ટીમાં હોવ તો લોકોના ઘણા કલ્યાણના કામો થાય. એમ નેમ આવવાથી તો શું ? એમ નેમ તો હું ખેડૂતોના કલ્યાણના ઘણા કામો કરુ જ છું. પણ એક વાત છે કે અતિશય આગ્રહ થયો ત્યારે તેને ફેસ ન કરી શક્યો. જો તેઓ મને લડાવતા હોય તો હું ચોક્કસ વિચારીશ. હવે તે આખરે પાર્ટીને આધિન છે. મારી કોઈ ઈચ્છા નથી કે મારે સત્તાની સાથે ચોંટેલા રહેવું. જો આપણને એવું પદ આપતા હોય તો સ્થાનિક લોકોના કામો સરળતાથી પાર પાડી શકાય. લોક કલ્યાણ અને ગરીબ કલ્યાણના કામોમાં ખુબ યોગદાન આપી શકીએ.’

ગઈકાલે (19 માર્ચ) તેમના ભાજપમાં જોડાવાની અટકળો પર પૂર્ણવિરામ લાગૂ ચૂક્યો હતો. ભાવનગરના એક કાર્યક્રમમાં તેમણે કહ્યું હતું કે, હાલ કોઈપણ પાર્ટીમાં જોડાવાની ઈચ્છા નથી. ભાજપમાં જોડાવા માટે મારું મન માનતું નથી. મારી ખેડૂતોના પ્રશ્નો માટેની લડાઈ ચાલુ રહેશે. પરંતુ હવે અચાનક તેમના સૂર બદલાયા છે. કનુ કલસરિયાનું કહેવું છે કે કોઈ જગ્યાએથી ચૂંટણી લડાવે તો ભાજપમાં જોડાઈશ. 

6 માર્ચના રોજ સી.આર. પાટીલે મહુવામાં કનુ કલસરિયા સાથે સદ્દભાવના હોસ્પિટલમાં બંધબારણે મુલાકાત કરી હતી. બંધબારણે થયેલી આ બેઠકમાં આહિર સમાજના આગેવાનો પણ પહોંચ્યા હતા. લોકસાહિત્યકાર માયાભાઈ આહિર પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. સી.આર. પાટીલે કનુ કલસરિયાના નિવાસસ્થાને ભોજન પણ લીધું હતું. પાટીલે કનુ કલસરિયાને ભાજપમાં જોડાવા માટે આમંત્રણ આપ્યું હતું.

થોડા દિવસ પહેલા જ સૌરાષ્ટ્રના કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડીયા, પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેર અને અરવિંદ લાડાણી કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપમાં જોડાઈ ગયા હતા. ત્યારબાદ સી.આર. પાટીલે કનુ કલસરિયા સાથે મુલાકાત કરતા એવી ચર્ચાએ જોર પકડ્યું હતું કે કનુ કલસરિયા ફરી ભાજપમાં જોડાઈ રહ્યા છે.

Total Visiters :84 Total: 678960

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *